ન્યૂઝ શોર્ટમાં: આજે રાતથી ૩૦ કલાક સુધી ગોવંડી, ચેમ્બુર, માનખુર્દ અને શિવાજીનગરમાં પાણી નહીં આવે

11 February, 2026 09:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ એમ-ઈસ્ટ અને વેસ્ટ વૉર્ડમાં પાણીની પાઈપલાઇનનું સમારકામ હાથ ધરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ એમ-ઈસ્ટ અને વેસ્ટ વૉર્ડમાં પાણીની પાઈપલાઇનનું સમારકામ હાથ ધરવામાં આવશે. જેના પગલે ગોવંડી, ચેમ્બુર, માનખુર્દ અને શિવાજી નગરના કેટલાક ભાગોમાં આજે મધરાત બાદ ૨ વાગ્યાથી ૧૩ ફેબ્રુઆરીએ સવારે ૮ વાગ્યા સુધી ૩૦ કલાક માટે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. એચપીસીએલ રિફાઈનરી અને કોલોની, આરસીએફ કોલોની, બીએઆરસી, બીપીસીએલ કોલોની, ટાટા કોલોની, આણિક ગામ, સહ્યાદ્રી નગર, મ્હાડા કોલોનીઝ, ઓમ ગણેશ નગર, રાહુલ નગર, અશોક નગર અને વેસ્ટમાં માહુલ ગામ, ચેમ્બુર કેમ્પ, સિંધી સોસાયટી, વાશી નાકા, જીજામાતા નગર, ગણેશ નગર, અશોક નગર વગેરે વિસ્તારોમાં પાણી બંધ રહેશે.

અમેરિકામાં વ્યસ્ત રોડ પર પ્લેનનું ઇમર્જન્સી લૅન્ડિંગ : ત્રણ કાર અને વાહનો સાથે અથડાયું, કોઈ જાનહાનિ નહીં

અમેરિકામાં જ્યૉર્જિયાના ગેઇન્સવિલેમાં વ્યસ્ત રોડ પર એક નાના પ્લેને ઇમર્જન્સી લેન્ડિંગ કર્યું હતું અને ૩ કાર અને કેટલાંક વાહનો સાથે અથડાયું હતું. પ્લેન ઍરપોર્ટ પરથી ઊડ્યું હતું અને એમાં ખામી સર્જાયા બાદ ઍરપોર્ટ પર પાછા ફરવાનો પૂરતો પાવર ન હોવાથી પાઇલટને સિંગલ-એન્જિન તાલીમ ફ્લાઇટને લૅન્ડ કરવાની ફરજ પડી હતી. આ ઘટનાના વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. કેટલાક લોકોને નાની-મોટી ઈજા થઈ છે, પણ કોઈ જાનહાનિ થઈ નથી.

આસામના મોરાનમાં બની નૉર્થ-ઈસ્ટની પહેલી ઇમર્જન્સી લૅન્ડિંગ ફૅસિલિટી

૧૪ ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદીનું પ્લેન ઍરપોર્ટને બદલે ઊતરશે આ ઍરસ્ટ્રિપ પર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૪ ફેબ્રુઆરીએ આસામના મોરાનમાં હાઇવે પર બનેલી ઇમર્જન્સી ઍરસ્ટ્રિપ પર ઊતરે એવી સંભાવના છે. જો એવું થશે તો પૂર્વોત્તર ભારતમાં પહેલી વાર કોઈ વડા પ્રધાન પરંપરાગત ઍરપોર્ટને બદલે હાઇવે પર લૅન્ડ થશે. આ ઍરસ્ટ્રિપ નૅશનલ હાઇવે-૧૨૭ પર દિબ્રૂગઢ-મોરાનની વચ્ચે બનાવવામાં આવી છે. નરેન્દ્ર મોદીની હાજરીમાં રફાલ અને સુખોઈ જેવાં લડાકુ વિમાનો પણ અહીં સ્પેશ્યલ એરિયલ ડેમો કરશે જેમાં વિમાન આ હાઇવે પરથી જ ટેક-ઑફ અને લૅન્ડ કરશે. આ કાર્યક્રમ પૂર્વોત્તર રાજ્યોની સુરક્ષા અને કટોકટીના સમયમાં સુસજ્જતા માટે છે. સિવિલ અને મિલિટરી બન્ને પ્રકારના ઉપયોગમાં આવનારું આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નૉર્થ-ઈસ્ટ ભારતની પહેલી ઇમર્જન્સી લૅન્ડિંગ ફૅસિલિટી છે જે નૉર્થ-ઈસ્ટ રાજ્યોના સ્ટ્રૅટેજિક મહત્ત્વને વધારશે, કેમ કે આ ક્ષેત્ર ચીનની સરહદની નજીક છે.

mumbai news mumbai brihanmumbai municipal corporation Water Cut govandi chembur mankhurd shivajinagar