12 February, 2026 07:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચૉપર
ટ્રેઇનિંગ માટેના ચૉપરમાં ટેક્નિકલ સમસ્યા સર્જાતાં એણે પાલઘરની એક સ્કૂલના મેદાનમાં ઇમર્જન્સી લૅન્ડિંગ કરવું પડ્યું હતું. એક પ્રાઇવેટ કંપનીનું ચૉપર જુહુથી સુરત જઈ રહ્યું હતું. એમાં પાઇલટ, એક ટ્રેઇની પાઇલટ અને એક ટેક્નિકલ એન્જિનિયર સહિત ચાર ક્રૂ સભ્યો હોવાનું સફાળે પોલીસ-સ્ટેશનના એક પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું. ચૉપર સફાલે અને કેળવે રોડ સ્ટેશનો વચ્ચે ઊડી રહ્યું હતું ત્યારે પાઇલટે રેડ અલર્ટ વૉર્નિંગ જોઈને ખુલ્લી જગ્યામાં ઇમર્જન્સી લૅન્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બપોરે ૧૨.૩૦ વાગ્યે ચૉપર સફાળેની વિદ્યા વૈભવ હાઈ સ્કૂલના મેદાનમાં ઊતર્યું હતું. ઑન-બોર્ડ એન્જિનિયરે ટેક્નિકલ ખામી શોધી કાઢીને એને સુધારી હતી. ત્યાર બાદ ૧.૧૦ વાગ્યે ચૉપર જુહુ પાછું ફર્યું હતું.
કોસ્ટલ રોડ પરનો દેશનો સૌથી પહેલો મેલડી રોડ ગઈ કાલથી શરૂ થઈ ગયો છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ સર્વિસ વાહનચાલકો માટે શરૂ કરી હતી. વાહનચાલકોએ આ સુરીલા સરપ્રાઇઝની ખૂબ મજા માણી હતી. વર્લ્ડ ક્લાસ એન્જિનિયરિંગની ઝલક મુંબઈમાં જોવા મળી હોવાનું અનેક યુઝર્સે સોશ્યલ મીડિયામાં જણાવ્યું છે. નરીમાન પૉઇન્ટથી વરલી સુધીના ૫૦૦ મીટરના રોડ પર આ મ્યુઝિકલ ડ્રાઇવિંગનો અનુભવ ભવિષ્યમાં છેક બાંદરા સુધીના રોડ પર મળશે એવી જાહેરાત એકનાથ શિંદેએ કરી છે. નરીમાન પૉઇન્ટથી વરલી તરફના નૉર્થ કૅરેજવે પર મ્યુઝિકલ સ્ટ્રિપ મૂકવામાં આવી છે. આ સ્ટ્રિપ પરથી ૭૦થી ૮૦ કિલોમીટરની ઝડપે વાહન પસાર થાય ત્યારે વાહનચાલકોને ફિલ્મ ‘સ્લમડૉગ મિલ્યનેર’ના ગીત ‘જય હો’ની ધૂન સંભળાય છે. ટૂંક સમયમાં ‘જય હો’ ઉપરાંત દેશભક્તિનાં ગીતો પણ આ રોડ પર સાંભળવા મળશે.
કૅનેડાના બ્રિટિશ કોલંબિયામાં આવેલી ટમ્બલર રિજ સેકન્ડરી સ્કૂલમાં મંગળવારે બપોરે ૧.૨૦ વાગ્યાની આસપાસ થયેલા ગોળીબારમાં ગોળીબાર કરનાર મહિલા સહિત ઓછામાં ઓછા ૧૦ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને પચીસ લોકો ઘાયલ થયા હતા.આ ઘટના વિશે રૉયલ કૅનેડિયન માઉન્ટેડ પોલીસે (RCMP) જણાવ્યું હતું કે ‘બ્રાઉન વાળ ધરાવતી મહિલાએ ગોળીબાર કર્યો હતો. તે સ્કૂલના પરિસરમાં મૃત હાલતમાં મળી આવી હતી. એવું જણાય છે કે તેણે આત્મહત્યા કરી હતી. હાઈ સ્કૂલની અંદર છ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે એક વ્યક્તિનું હૉસ્પિટલમાં લઈ જતી વખતે રસ્તામાં મૃત્યુ થયું હતું. આ ઘટના સાથે જોડાયેલા માનવામાં આવતા એક નિવાસસ્થાનમાંથી વધુ બે મૃતદેહ મળી આવ્યા હતા. ગંભીર અથવા જીવલેણ ઈજાઓ સાથે બે લોકોને ઍરલિફ્ટ કરીને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.’
નૉર્થ-વેસ્ટ લંડનની એક સ્કૂલમાં બે છોકરાઓ પર છરીના ઘા કરવાના આરોપસર ૧૩ વર્ષના સ્કૂલ-સ્ટુડન્ટની ધરપકડ કરવામાં આવી છે. મંગળવારે બપોરે ૧૨.૪૦ વાગ્યે કિંગ્સબરી હાઈ સ્કૂલમાં ૧૩ વર્ષના સ્ટુડન્ટે ૧૨ અને ૧૩ વર્ષના બે સ્ટુડન્ટ પર હુમલો કર્યો હતો. સ્કૂલ-પ્રશાસને તાત્કાલિક પોલીસને બોલાવી હતી. બન્ને છોકરાઓને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની હાલત ગંભીર છે.આ ઘટના નજરે જોનારા લોકોએ કહ્યું હતું કે હુમલો કરતાં પહેલાં સ્ટુડન્ટે ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવ્યા હતા. આતંકવાદવિરોધી અધિકારીઓ આ ઘટનાની તપાસનું નેતૃત્વ કરી રહ્યા છે, પરંતુ તેમણે આ ઘટનાને આતંકવાદી ઘટના જાહેર કરી નથી.