ડ્રાઇવર બોલાવ્યો, પણ પીધેલો નીકળ્યો! અંધેરીના બિઝનેસમૅનની થર્ટીફર્સ્ટ બગડી

02 January, 2026 06:53 AM IST  |  Mumbai | Shirish Vaktania, Nimesh Dave

નવા વર્ષને આવકારવા સપરિવાર જુહુ બીચ પહોંચે એ પહેલાં જ પોલીસે ગાડી આંતરી, ડ્રાઇવરની ટેસ્ટ કરી એમાં તે પકડાયો: વાંક નહોતો એ છતાંય આખા પરિવારે પોલીસ-સ્ટેશનમાં અઢી કલાકની ઝંઝટ સહન કરવી પડી અને ગાડી પણ જપ્ત થઈ ગઈ

જુહુની જે.ડબ્લ્યુ. મૅરિયટ હોટેલ નજીક ડ્રન્કન ડ્રાઇવિંગ બદલ પકડાયેલો ડ્રાઇવર આકાશ પાંડે. તે નશામાં હતો એટલે ટ્રાફિક-કૉન્સ્ટેબલ કાર ચલાવીને પોલીસ-સ્ટેશન લઈ ગયો હતો. તસવીરો : નિમેશ દવે

પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરવા નીકળેલા એક બિઝનેસ‍મૅનને ડ્રાઇવરના વાંકે થર્ટીફર્સ્ટ નાઇટ પોલીસ-સ્ટેશનમાં વિતાવવી પડી હતી. થર્ટીફર્સ્ટની રાતે પત્ની, બાળક અને આન્ટી સાથે જુહુ બીચ જવા નીકળેલા બિઝનેસમૅનની કારનો ડ્રાઇવર નશામાં હતો જેને નાકાબંધી દરમ્યાન જે.ડબ્લ્યુ. મૅરિયટ નજીક જુહુ પોલીસે પકડી પાડ્યો હતો. ત્યાર બાદ આખા પરિવારે જુહુ પોલીસ-સ્ટેશનમાં અઢી કલાકની ઝંઝટ સહન કરવી પડી એટલું જ નહીં, બિઝનેસમૅનની કાર પણ જપ્ત કરવામાં આવી હતી.

અંધેરી-વેસ્ટમાં રહેતા એક બિઝનેસમૅને ઓળખ ન આપવાની શરતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડ્રાઇવર નશામાં હતો એમાં મારા પરિવારનો કોઈ વાંક નથી. હું નિયમિત એક ઍપ દ્વારા ડ્રાઇવર બુક કરું છું. ૩૧ ડિસેમ્બરે રાતે પણ મેં એવું જ કર્યું હતું. પાંચ-છ ડ્રાઇવરોએ બુકિંગ સ્વીકાર્યું, પણ પછીથી કૅન્સલ થતું હતું. લગભગ એક કલાક પછી એક ડ્રાઇવરે રાઇડ સ્વીકારી પણ મને કૅન્સલ કરવાનું કહ્યું. એ ડ્રાઇવરે તેના રેફરન્સ દ્વારા કોઈકને મોકલી દેશે એવું કહ્યું.’

બિઝનેસમૅને વધુમાં જણાવ્યું હતું કે ‘એમ તો એ રાતે ડ્રિન્ક કરવાનો કોઈ ઇરાદો નહોતો અને હું પોતે ડ્રાઇવિંગ કરી શક્યો હોત. જોકે પરિવાર સાથે હોવાથી કોઈ જોખમ લેવા માગતો ન હોવાથી મેં ડ્રાઇવર હાયર કર્યો હતો અને તે મધરાતે અમારી સોસાયટીમાં પહોંચ્યો હતો. એ સમયે તે નશામાં હોય એવું લાગ્યું નહોતું, પરંતુ જ્યારે અમે જે.ડબ્લ્યુ. મૅરિયટ હોટેલ પહોંચ્યા ત્યારે ટ્રાફિક-પોલીસે કાર રોકી અને બ્રેથ-ઍનૅલાઇઝરથી ચેક કરતાં ડ્રાઇવરે ડ્રિન્ક કર્યું હોવાનું જણાયું હતું. અમે પોલીસને ચોખવટ કરી કે ડ્રાઇવર અમારા પરિવારનો નથી કે નથી અમારો મિત્ર. અમે તેને હાયર કર્યો છે છતાં પોલીસ ડ્રાઇવર સાથે અમને બધાને જુહુ પોલીસ-સ્ટેશન લઈ ગઈ.’

પોલીસ-ઑફિસરે કહ્યું હતું કે ‘ડ્રાઇવર આકાશ પાંડે વિરુદ્ધ અમે ફર્સ્ટ ઇન્ફોર્મએશન રિપોર્ટ (FIR) નોંધ્યો છે. તે સ્વસ્થ હોવાનો દાવો કરતો હોવા છતાં અમે તેને મેડિકલ ટેસ્ટિંગ માટે મોકલ્યો હતો.’ 

થર્ટીફર્સ્ટની રાતે શું બન્યું?
રાતે ૧૦થી ૧૧.૩૦ ઃ બિઝનેસમૅન ઍપ્સ દ્વારા ડ્રાઇવર બુક કરવાનો પ્રયાસ કરે છે પરંતુ ડિમાન્ડ વધુ હોવાથી ડ્રાઇવર બુક થતો નહોતો.
રાત્રે ૧૧.૩૦ ઃ તેમને એક ડ્રાઇવર મળે છે પરંતુ ડ્રાઇવર તેને ફોન કરે છે અને બુકિંગ રદ કરવાનું કહે છે. પોતાને બદલે એક મિત્રને મોકલવાની ઑફર કરે છે.
રાતે ૧૨.૦૦ ઃ જુહુ બીચ જવા માટેની જર્ની શરૂ થાય છે.
મધરાતે ૧૨:૩૦ ઃ તેમની કારને અટકાવવામાં આવે છે અને ડ્રાઇવર બ્રેથ-ઍનૅલાઇઝર ટેસ્ટ મુજબ નશામાં હોવાનું જાણવા મળે છે.
રાતે ૧.૦૦ ઃ કારમાં બેસેલા બધા લોકોને પણ પોલીસ-સ્ટેશન લઈ જવામાં આવે છે. પરિવાર પોલીસને તેમની કાર જપ્ત ન કરવા વિનંતી કરે છે પરંતુ પોલીસ કાર જપ્ત કરે છે.
રાતે ૨.૦૦થી ૨.૩૦ વચ્ચે ઃ પરિવાર સેલિબ્રેશન કૅન્સલ કરવાનો નિર્ણય લે છે અને રિક્ષામાં ઘરે પાછો ચાલ્યો જાય છે.
પરોઢિયે ૩.૩૦ ઃ બિઝનેસમૅન પરિવાર સાથે અંધેરી-વેસ્ટના તેમના ઘરે પહોંચે છે.

mumbai news mumbai juhu new year mumbai police maharashtra news maharashtra Crime News