31 December, 2025 04:42 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક તસવીર
આખું મુંબઈ શહેર નવા વર્ષ 2026 ની પૂર્વ સંધ્યાએ (New Year 2026) ભવ્ય ઉજવણી માટે તૈયાર છે. શહેરના કેટલાક ભાગોમાં નવા વર્ષની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે તેવી અપેક્ષા છે. આ ખાસ પ્રસંગે લોકોને કોઈ અસુવિધા ન થાય તે માટે 31 ડિસેમ્બરે મોડી રાત સુધી બેસ્ટ બસ અને સ્પેશિયલ લોકલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય પ્રશાસને લીધો છે. BEST અને રેલવે સાથે હવે મેટ્રો સેવ પણ આજે મોડી રાતે સુધી શરૂ રાખવામાં આવી છે. તો ચાલો જાણીએ આ ખાસ વ્યવસ્થા વિશે.
મુંબઈ મેટ્રો લાઇન-1 (વર્સોવાથી ઘાટકોપર) નવા વર્ષની પૂર્વ સંધ્યાએ 28 વધારાની સેવાઓ દોડાવશે, જેનાથી એક દિવસની કુલ 504 ટ્રિપ્સ થશે. છેલ્લી ટ્રેનો વર્સોવાથી 2:14 વાગ્યા સુધી અને ઘાટકોપરથી 2:40 વાગ્યા સુધી ચાલશે. પીક અવર્સ દરમિયાન, ટ્રેનો દર 3 મિનિટ અને 20 સેકન્ડે ચાલશે. મોડી રાત્રિ સેવાઓ માટે, ટ્રેનો દર 12 મિનિટે દોડશે જે વર્સોવાથી રાત્રે 11:26 વાગ્યાથી અને ઘાટકોપરથી રાત્રે 11:52 વાગ્યે શરૂ થશે. નિયમિત મેટ્રો સેવાઓ 31 ડિસેમ્બરે સવારે 5:30 વાગ્યે શરૂ થશે. મેટ્રો લાઇન 2A અને 7 ની સેવાઓ પણ પણ સામાન્ય રાત્રે 11:00 વાગ્યાને બદલે સવારે 1:00 વાગ્યા સુધી શરૂ રાખવામાં આવી છે, જેમાં 16 વધારાની મોડી રાત સુધી સેવાઓ 15 મિનિટના અંતરાલે શરૂ રહેશે. નવી શરૂ થયેલી મુંબઈ મેટ્રો એક્વા લાઇન-3 પણ મોડી રાત્રિ સુધી સેવાઓ પૂરી પાડશે. 31 ડિસેમ્બરની રાત્રે 10:30 વાગ્યાથી શરૂ થશે અને 1 જાન્યુઆરીએ સવારે 5:55 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ નિયમિત સેવાઓ ફરી શરૂ થશે.
બેસ્ટ દ્વારા 31 ડિસેમ્બરે રાત્રે (New Year 2026) 10 થી 12:30 વાગ્યા સુધી વધારાની બસો ચલાવવામાં આવશે, જેમાં ગેટવે ઑફ ઇન્ડિયા, જુહુ ચોપાટી, ગોરાઈ ક્રીક અને માર્વે ચોપાટી જેવા લોકપ્રિય વિસ્તારોનો સમાવેશ હશે. વધારાની બસો C-86, 203 અને 231 જેવા નિયમિત રૂટ પર તેમજ AC રૂટ A-21, A-112, A-116, A-247, A-272 અને A-294 પર દોડશે. હેરિટેજ ટૂર બસ પણ ૩૧ ડિસેમ્બરે સાંજે ૫:૩૦ વાગ્યાથી ૧ જાન્યુઆરીના વહેલી સવાર સુધી ચાલશે, જે મુસાફરોની માગ પર આધાર રાખે છે.
લોકલ ટ્રેનમાં મધ્ય અને હાર્બર બન્ને લાઇન પર સવારે ૧:૩૦ થી ૩:૦૦ વાગ્યા સુધી ચાર ખાસ ટ્રેનો ચલાવશે.
પશ્ચિમ રેલવે ૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરીની મોડી રાત અને વહેલી સવારના કલાકો દરમિયાન ચર્ચગેટ અને વિરાર વચ્ચે આઠ ખાસ લોકલ ટ્રેનો પણ ચલાવશે જેથી મુસાફરોનો ધસારો ઓછો થાય.
અધિકારીઓએ પ્રવાસીઓને બસ, મેટ્રો અથવા લોકલ ટ્રેનનો ઉપયોગ કરતાં પહેલા ટાઈમ ટેબલ અગાઉથી તપાસવા અને રાત્રે મુસાફરી કરતી વખતે સલામતી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી છે. મુસાફરોને નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણી દરમિયાન સરળ મુસાફરી માટે ભીડ ટાળવા અને રેલવે અને પરિવહન સ્ટાફ સાથે સહયોગ કરવાની સલાહ પણ આપી છે.