મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે કોરોના વાઇરસનો નવો પ્રકાર

11 April, 2021 09:16 AM IST  |  Mumbai | Gaurav Sarkar

ડબલ મ્યુટન્ટ પ્રકારનો આ વાઇરસ કોરોનાનાં લક્ષણો ન ધરાવતા ૨૯ વર્ષ કરતાં વધુ વયના તેમ જ નિયમિત રીતે કામ પર જતા લોકોને પોતાનો શિકાર બનાવે છે

પ્રતીકાત્મક તસવીર

લગભગ એક પખવાડિયા પહેલાં આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ જાહેર કર્યું હતું કે ભારતમાં કોરોનાવાઇરસનો નવો ડબલ મ્યુટન્ટ પ્રકારનો વાઇરસ જેને વૈજ્ઞાનિક ભાષામાં B.1.617 તરીકે ઓળખવામાં આવે છે એ મળ્યો છે.

વાઇરસનો આ પ્રકાર ભારતમાં સામાન્યપણે જોવા મળી રહ્યો છે તેમ જ વિવિધ રાજ્યોમાં પ્રસાર પામી રહ્યો છે, પરંતુ ડબલ મ્યુટન્ટ સ્ટ્રેન શું છે અને દેશનાં મહારાષ્ટ્ર અને પંજાબ જેવાં કેટલાંક રાજ્યોમાં વધતા જતા કેસ સાથે એનો શો સંબંધ છે એ વિશે જણાવતાં આઇસીએમઆરના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉક્ટર એન. કે. ગાંગુલીએ કહ્યું હતું કે ‘ભારતમાં ૧૦,૦૦૦ સૅમ્પલ્સમાંથી ૭૬ ટકામાં વાઇરસનો બ્રિટનનો પ્રકાર જોવા મળે છે જેનું વૈજ્ઞાનિક નામ B117 છે. વાઇરસનો આ પ્રકાર ૭૦ ટકા વધુ ટ્રાન્સમિબલ છે. જોકે એ રસીકરણ કરાવી ચૂકેલા કે પછી ઘરમાં જ રહેતા વૃદ્ધોને જલદી નથી થતો, પરંતુ કોરોનાનાં લક્ષણો ન ધરાવતા ૨૯ વર્ષ કરતાં વધુ વયના તેમ જ નિયમિત રીતે કામ પર જતા લોકોને પકડે છે. સૌપ્રથમ ડબલ મ્યુટન્ટ પ્રકારનો વાઇરસ કૅલિફૉર્નિયામાં જોવા મળ્યો હતો, જેને કોઈ રસીથી દબાવી કે નાથી શકાતો નથી.’

આ ડબલ મ્યુટન્ટ સ્ટ્રેન ૧૦,૦૦૦ સૅમ્પલ્સમાંથી ૨૦૬માં મળી આવ્યો હતો એમ જણાવીને ડૉક્ટર ગાંગુલીએ ઉમેર્યું હતું કે ‘આ સ્ટ્રેન બે વેરિઅન્ટનું સંયોજન છે. આ બન્ને પ્રકાર પર કોઈ જ ઍન્ટિ-બૉડીની અસર થતી ન હોવાથી એને ડીપ સિક્વન્સિંગ દ્વારા જ શોધી શકાય છે.’

coronavirus covid19 maharashtra mumbai mumbai news gaurav sarkar