17 February, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દહિસરમાં આવેલા એન. એલ. આર્યવર્ત બિલ્ડિંગમાંથી હિતેશ મહેતાને તાબામાં લઈને ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગ (EOW)ની ઑફિસમાં લઈ જવામાં આવ્યા ત્યારે મીડિયાથી બચવા તેમણે પોતાનો ચહેરો બચાવવાની સતત કોશિશ કરી હતી. એક સમયે તો તેમણે લિફ્ટની અંદર ઊંધા ઊભા રહીને પોતાનું મોઢું છુપાવવાની કોશિશ પણ કરી હતી. (તસવીરો: સતેજ શિંદે)
ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કના આર્થિક ગોટાળામાં દાદર પોલીસે ગઈ કાલે દહિસરમાં રહેતા બૅન્કના જનરલ મૅનેજર હિતેશ મહેતાની ૧૨૨ કરોડ રૂપિયાનો ગોટાળો કરવાના આરોપસર ધરપકડ કરી હતી. આ કેસની તપાસ કરી રહેલા ઇકૉનૉમિક ઑફેન્સિસ વિન્ગ (EOW)ના અધિકારીઓએ ગઈ કાલે દહિસર-ઈસ્ટના એન. એલ. આર્યવર્ત બિલ્ડિંગમાં આવેલા ફ્લૅટમાંથી હિતેશ મહેતાને તાબામાં લીધા હતા અને તેમને EOWની ઑફિસે લઈ જવામાં આવ્યા હતા. ત્રણ કલાક સુધી ચાલેલી પૂછપરછ બાદ આ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આજે તેમને કોર્ટમાં હાજર કરવામાં આવશે.