06 September, 2025 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હિજાબ પહેરીને આ જગ્યાને હલાલ વાતાવરણમાં બાળકોનો ઉછેર કરવા માટે યોગ્ય ગણાવતી જાહેરાત કરવામાં આવી.
નેરળનો એક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ એના માર્કેટિંગને કારણે વિવાદમાં સપડાયો છે. હિજાબ પહેરેલી મહિલા દ્વારા ‘હલાલ લાઇફસ્ટાઇલ ટાઉનશિપ’ તરીકે આ પ્રોજેક્ટનું માર્કેટિંગ કરવામાં આવતાં સોશ્યલ મીડિયા પર ડેવલપર્સની ટીકા થઈ રહી છે. ખરો વિવાદ તો ત્યારે શરૂ થયો જ્યારે નૅશનલ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (NCPCR)ના ભૂતપૂર્વ પ્રમુખ પ્રિયાંક કાનુંગોએ માર્કેટિંગની આ વિડિયો-ક્લિપ શૅર કરી.
પ્રિયાંક કાનુંગોએ એક દેશની અંદર બીજો દેશ ઊભો કરવા માટેનું ષડ્યંત્ર ગણાવીને આ પ્રોજેક્ટની ટીકા કરી છે. આ મુદ્દે મહારાષ્ટ્ર સરકારને નોટિસ પાઠવવામાં આવી છે. NCPCRની દખલગીરી બાદ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે પણ આ વિવાદમાં ઝંપલાવ્યું છે. ગ્રાહકોને આકર્ષવા માટે ધર્મ અને જાતિવાદનો મુદ્દો આગળ ધરવામાં આવ્યો છે જે સામાજિક એકતાને નુકસાનકારક હોવાનો મત માનવ અધિકાર પંચે રજૂ કર્યો હતો. આ બાબતે મહારાષ્ટ્ર સરકારે ઝીણવટભરી તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવો જોઈએ એવી માગણી માનવ અધિકાર પંચે કરી છે.
જોકે ચારે કોરથી ટીકા થવાને કારણે ટાઉનશિપના ડેવલપરે આ ક્લિપ મીડિયા પરથી હટાવી લીધી છે.
શું છે વાઇરલ વિડિયો-ક્લિપમાં?
આ વિડિયોમાં એક મહિલા હિજાબ પહેરીને સુકૂન ટાઉનશિપની માહિતી આપતાં આ જગ્યાને સમાન જીવનશૈલી અને વિચારધારા સાથે રહેતા પરિવારો માટેની જગ્યા હોવાનું કહે છે જ્યાં નમાજ માટેની ખાસ જગ્યા, સામાજિક મેળાવડા માટેની જગ્યા અને ખાસ તો હલાલ વાતાવરણમાં બાળકોનો ઉછેર કરવામાં આવશે એના પર ભાર મૂકવામાં આવ્યો છે.
મુસ્લિમ જમાતે પણ ‘હલાલ’ શબ્દ સામે વાંધો ઉઠાવ્યો
ઑલ ઇન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના શાહબુદ્દીન રાઝવી બરેલવીએ ‘હલાલ’ શબ્દના વપરાશ પર વાંધો ઉઠાવ્યો હતો. આ શબ્દ સમાજમાં નફરત ફેલાવવા માટે વપરાયો હોવાનું તેમણે જણાવ્યું હતું.