હવે ફરી પેપર આપવાની હિંમત નથી, સૉરી મમ્મી-પપ્પા

05 June, 2026 12:10 PM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

NEET-UGનું પેપર લીક થયું એને પગલે હતાશ થયેલી ટીનેજરે આવી સુસાઇડ-નોટ લખીને આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો : મૂળ મધ્ય પ્રદેશની આકાંક્ષા ચતુર્વેદી નાગપુરમાં રહીને પરીક્ષાની તૈયારી કરતી હતી

આકાંક્ષા ચતુર્વેદીએ લખેલી સુસાઇડ-નોટ પણ ઇન્ટરનેટ પર વાઇરલ થઈ હતી

નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)ને કારણે સ્ટુડન્ટે આત્મહત્યા કર્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મૂળ મધ્ય પ્રદેશની અને નાગપુરમાં રહીને 
NEET-UGની પરીક્ષાની તૈયારી કરતી આકાંક્ષા ચતુર્વેદીએ ગયા મહિને ૨૦ તારીખે તે જે રૂમમાં રહેતી હતી ત્યાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પોલીસને તેની રૂમમાંથી સુસાઇડ-નોટ મળી ત્યારે આ બનાવ આત્મહત્યાનો હતો એવું જાણવા મળ્યું હતું. આકાંક્ષા ચતુર્વેદીએ લખેલી સુસાઇડ-નોટ પણ ઇન્ટરનેટ પર વાઇરલ થઈ હતી, જેમાં લખ્યું હતું કે એક વખત મને NEET-UGની પરીક્ષામાં સારા માર્ક્‍સ આવવાની આશા હતી, પરંતુ હવે ફરી પાછી પરીક્ષા આપવાની હિંમત મારામાં નથી. સૉરી મમ્મી-પપ્પા, મેં તમને નિરાશ કર્યાં છે.’

આકાંક્ષાના કુટુંબીજનોએ કરેલા દાવા મુજબ તેને ડર હતો કે ફરી પાછી પરીક્ષા આપ્યા બાદ તેને સારા માર્ક્‍સ આવશે કે નહીં અને એ ચિંતામાં તેણે જીવન ટૂંકાવ્યું હતું.

ખેડૂતની દીકરી હતી આકાંક્ષા, ઉછીના પૈસા લઈને કોચિંગ કરવા મોકલી હતી

મધ્ય પ્રદેશના રેવા જિલ્લાના માગનિયા ગામમાં આકાંક્ષા ચતુર્વેદીના પિતા ખેડૂત છે અને તે વધુ કમાણી માટે રસોઇયા તરીકે પણ કામ કરે છે. કુટુંબીજનો પાસેથી ઉછીના પૈસા લઈને તેમ જ કિસાન ક્રેડિટ કાર્ડથી ત્રણ લાખ રૂપિયાની લોન લઈને આકાંક્ષાની કોચિંગની બાકીની તૈયારી માટે તેમણે રૂપિયા ભેગા કર્યા હતા. આકાંક્ષાને તેનાં મમ્મી-પપ્પા સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતાં હોવાનું ભાન હતું અને એટલે જ તે ડિપ્રેશનમાં ગઈ હોવાનું પોલીસનું માનવું છે.

neet exam nagpur maharashtra maharashtra news mumbai mumbai news suicide