મિડનાઇટ નવરાત્રિ ૩ કે ૪ દિવસ?

18 September, 2022 09:16 AM IST  |  Mumbai | Mehul Jethva

આ વખતે બે વર્ષ પછી પૂરા જોશથી નવરાત્રિ રમવા ઊતરનારા ખેલૈયાઓને સરકાર સુખદ સરપ્રાઇઝ આપે એવી પૂરેપૂરી શક્યતા છે : બેને બદલે ૩ કે ૪ દિવસ માટે મધરાત સુધી ગરબા રમવાની પરમિશન મળી શકે છે

કેતન કોટક, જિતેન્દ્ર મહેતા

મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ અને દહીહંડીની ઉજવણીનાં બે વર્ષ બાદ હવે નવરાત્રોત્સવમાં નવા ઉત્સાહનો સંચાર કરવાનું આયોજન રાજ્ય સરકાર તરફ ચાલી રહ્યું છે. આ વર્ષે ગરબાને પણ મંજૂરી આપવામાં આવશે અને આ વિશે સરકાર ટૂંક સમયમાં જાહેરાત કરે એવી શક્યતા છે. રસપ્રદ વાત એ છે કે રાજ્યમાં હાલમાં બીજેપી અને એકનાથ શિંદે જૂથની સરકાર છે. આમ પણ મુંબઈમાં બીજેપીનો વોટિંગ બેઝ ગુજરાતીઓ છે અને બીએમસીનું ઇલેક્શન નજીક છે ત્યારે સરકાર આ છૂટ આપે તો નવાઈ નહીં. આ ઉપરાંત ઉત્તર મુંબઈના બીજેપીના સંસદસભ્ય ગોપાલ શેટ્ટી અને બોરીવલી વિસ્તારના શિંદે જૂથના વિધાનસભ્ય પ્રકાશ સુર્વે નવરાત્રિની મધરાત સુધીની ડેડલાઇનની છૂટ માટે અગાઉ જ પત્રો લખી ચૂક્યા છે. આ સરકાર પણ તેમની જ છે, એવામાં આવી છૂટ આપવામાં આવે એવું તો નક્કી જણાય છે; માત્ર એ છૂટ ત્રણ દિવસ માટે હશે કે ચાર દિવસ માટે એ હજી નિશ્ચિત નથી.

છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં કોરોનાના પ્રકોપને કારણે નવરાત્રિ સહિત તમામ તહેવાર નિયમના માળખામાં રહીને ઊજવવો જરૂરી હતો. આ વર્ષે રાજ્ય સરકારે કોરોના વાઇરસનો પ્રકોપ ઓછો જોતાં ગણેશોત્સવ અને દહીહંડી ઉત્સવ ધામધૂમથી ઊજવવાની મંજૂરી આપી હતી. એને જોતાં શિંદે જૂથના ધારાસભ્ય પ્રકાશ સુર્વેએ માગ કરી હતી કે રાજ્ય સરકારે મધરાત સુધી ખુલ્લી જગ્યાઓમાં દાંડિયા-રાસ રમવાની મંજૂરી આપવી જોઈએ. ઉત્તર મુંબઈથી ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય ગોપાલ શેટ્ટીએ પણ નવરાત્રિ દરમ્યાન રાતે ચાર દિવસ ૧૨ વાગ્યા સુધી પરમિશન આપવામાં આવે એવી માગણી કરતો પત્ર મુખ્ય પ્રધાનને આપ્યો હતો. જોકે આ વિશે શિંદે-ફડણવીસ સરકાર શું નિર્ણય લે છે એના પર સૌએ મીટ માંડી છે.

ઉત્તર મુંબઈથી ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના સંસદસભ્ય ગોપાલ શેટ્ટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાજ્યના મુખ્ય પ્રધાન પાસે મેં સૌથી પહેલાં માગણી કરી હતી, જેમાં નવરાત્રિ દરમ્યાન ચાર દિવસ રાતે ૧૨ વાગ્યા સુધી રાસ-ગરબા રમવા માટેની પરવાનગીની માગણી કરી હતી. આવી ડિમાન્ડ પાછળનું કારણ એ છે કે નોકરિયાત લોકોને પણ નવરાત્રિનો લહાવો મળી શકે, તેઓ પણ ઉત્સવ મનાવી શકે. આ ઉપરાંત મેં ગયા વર્ષે નવરાત્રિમાં કરેલા કેસ પણ પાછા ખેંચવાની માગણી કરી છે.’

મુલુંડ પ્રેરણા-રાસના આયોજક કેતન કોટકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લાં બે વર્ષથી કોરોના અને એના પછી લૉકડાઉનમાં લોકોએ નવરાત્રિનો આંનદ માણ્યો નથી. આ વખતે રાજ્ય સરકાર ગણેશોત્સવ અને જન્માષ્ટમીની જેમ નવરાત્રિમાં થોડી છૂટ આપે તો ખેલૈયાઓ અને તેમને જોવા આવતા લોકોને મજા પડી જાય. નવરાત્રિ દરમ્યાન રાતે ૧૨ વાગ્યા સુધીના દિવસોમાં બે દિવસ તો છે જ, હજી બે દિવસ વધારી આપવામાં આવે એની સરકાર પાસે અમે માગણી કરીશું, જેથી રમવા અને જોવા આવતા લોકો નવરાત્રિનો આંનદ માણી શકે.’
થાણે રાસ-રંગના અધ્યક્ષ જિતેન્દ્ર મહેતાએ ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહ્યું કે ‘દરેક રાજ્યને સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે અમુક દિવસ રાતે ૧૨ વાગ્યા સુધી તહેવાર મનાવવા માટે મળતા હોય છે, જેમાંના મોટા ભાગના દિવસ વર્ષની શરૂઆતમાં નક્કી કરવામાં આવે છે. એમ છતાં રાજ્ય સરકાર વધુ એકથી બે દિવસ રાતે ૧૨ વાગ્યા સુધીની નવરાત્રિમાં પરવાનગી આપે તો ખેલૈયાઓનો આંનદ બેવડાઈ જશે અને જોવા આવતા લોકો પણ શાંતિથી ઊભા રહીને નવરાત્રિ માણી શકશે.

એક વધારાનો દિવસ 
વર્ષમાં માત્ર ૧૫ દિવસ જ રાતે ૧૨ વાગ્યા સુધી ખુલ્લી જગ્યાઓએ કાર્યક્રમો યોજવાની છૂટ છે. ચાલુ વર્ષમાં ગણેશોત્સવ માટે ચાર દિવસ, શિવજયંતી, ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતી, મહારાષ્ટ્ર દિન, ઈદ-એ-મિલાદ, દિવાળીમાં લક્ષ્મીપૂજન, નાતાલ, થર્ટીફર્સ્ટ ડિસેમ્બર અને નવરાત્રિમાં અષ્ટમી તથા નવમી પહેલાંથી જ નક્કી કરવામાં આવી છે. બાકીના બે દિવસમાંથી દર વર્ષે એક દિવસ પોલીસ ઇવેન્ટ્સ માટે અનામત રાખવામાં આવે છે. એટલે નિયમ મુજબ નવરાત્રિ માટે બૅલૅન્સમાં માત્ર એક જ દિવસ લંબાવી શકાય એમ છે.

mumbai mumbai news navratri mehul jethva