નવરાિત્રના ડોનેશનની રામાયણ

15 September, 2022 09:27 AM IST  |  Mumbai | Sanjeev Shivadekar

બોરીવલીમાં બીજેપીના નેતાઓ નવરાિત્રનું આયોજન કરી રહ્યા છે ત્યારે ગોપાલ શેટ્ટીએ નિવેદન બહાર પાડ્યું છે કે ડોનેશનની જરૂરિયાતની મારી ઑફિસ સાથે ચકાસણી કરવી

બીજેપીના સંસદસભ્ય ગોપાલ શેટ્ટીએ ફાલ્ગુની પાઠકની હાજરીમાં મીડિયાને સંબોધન કર્યું હતું તેની ફાઇલ તસવીર.

નવરાત્રિની ઉજવણીના સ્વરૂપમાં બીજેપીના નેતાઓ વચ્ચે ચાલી રહેલું શીતયુદ્ધ ડોનેશનને લઈને વધુ ઉગ્ર બન્યું છે. ઉત્તર મુંબઈથી સંસદમાં ચૂંટાયેલા બીજેપીના સંસદસભ્ય ગોપાલ શેટ્ટીએ વેપારીઓને તેમની ઑફિસમાં ડોનેશનની જરૂરત છે કે નહીં એની ચકાસણી કરતાં પહેલાં કોઈ પણ પ્રકારનું ડોનેશન આપવાથી દૂર રહેવા જણાવ્યું હતું. અત્યારે નેતાઓ બીએમસી ચૂંટણીના ભાગરૂપે મતદારોને રીઝવવા માટે દોડમાં છે.

ગોપાલ શેટ્ટીની ઑફિસમાંથી કરવામાં આવેલો સંદેશ ‘મિડ-ડે’ને મળ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે ‘આ વખતે અનેક જણે નવરાત્રિેનું ભવ્ય આયોજન કર્યું છે. આથી જો કોઈ મારા નામે ડોનેશન માગવા આવે તો મારી ઑફિસનો સંપર્ક કરી ચકાસણી કરવા વિનંતી.’

ગઈ કાલે ‘મિડ-ડે’એ બીજેપીમાં નવરાિત્રને નામે જૂથવાદના અન્ડરકરન્ટનો અહેવાલ આપ્યો હતો. ગોપાલ શેટ્ટી સહિતના બીજેપીના ત્રણ વરિષ્ઠ નેતાઓએ બોરીવલી વેસ્ટમાં ત્રણ જુદાં-જુદાં સ્થળોએ નવરાત્રિિના ગરબાનું આયોજન કર્યું છે. ગોપાલ શેટ્ટીના આયોજનમાં ફાલ્ગુની પાઠક મુખ્ય આકર્ષણ છે, જ્યારે કે વિધાનસભ્ય સુનીલ રાણેના કાર્યક્રમમાં પર્ફોર્મ કરવા કિંજલ દવેને લાવી રહ્યા છે. વિરોધ પક્ષના ભૂતપૂર્વ નેતા અને વિધાન પરિષદના સભ્ય પ્રવીણ દરેકર અને તેમના ભાઈ પ્રકાશ દરેકર તેમના કાર્યક્રમ માટે પ્રીતિ-પિન્કી સાથે કાર્યક્રમ કરવા ગોઠવણ કરી રહ્યા છે.

નવરાત્રિવની ભવ્ય ઉજવણીને ધ્યાનમાં રાખીને ઘણા ઍડ્વર્ટાઇઝર્સ પોતાની પબ્લિસિટી સારી રીતે થાય એ સુનિશ્ચિત કરવા તથા પોતાની બ્રૅન્ડનું માર્કેટિંગ કરવા આયોજકોનો સંપર્ક કરી રહ્યા છે. બીજેપીનો ગઢ મનાતા બોરીવલીમાં અત્યાર સુધી મુખ્ય બે સ્થળોએ ગરબાના કાર્યક્રમ યોજાતા હતા, જેમાંથી એક સ્થળે ગોપાલ શેટ્ટી દ્વારા ગરબાનું આયોજન કરાય છે. હવે આમાં રાણે અને દરેકરની એન્ટ્રીએ ગરબાનું આયોજન કરનારાં ચાર સ્થળો રહેશે.

ગોપાલ શેટ્ટીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મને જાણવા મળ્યું છે કે લોકો મારા નામે ડોનેશન્સ મેળવી રહ્યા છે. આથી મેં એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો છે કે ડોનેશન્સ આપતાં પહેલાં ચોકસાઈ કરવી જોઈએ કે એ લોકો મારી ઑફિસમાંથી જ આવ્યા છે?’

રાજકીય વર્તુળોમાંની ચર્ચા કે ગોપાલ શેટ્ટી અને સુનીલ રાણે વચ્ચે કંઈક ખટપટ છેને બન્ને નેતા ‘ગૉસિપ’ ગણાવી રહ્યા છે.

સુનીલ રાણેએ ગોપાલ શેટ્ટીના આ નિવેદન પર ટિપ્પણી કરવાની ના પાડી હતી. જોકે તેમના ઉત્તર પર સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું હતું કે ‘તહેવારની ઉજવણી પર કોઈની ઇજારાશાહી નથી. બોરીવલી દાંડિયા હબ છે. આ નવ-દિવસીય ઉત્સવની ઇવેન્ટ દ્વારા જાહેરાતકર્તાઓ તેમના લક્ષ્ય એટલે કે ગરબારસિકો સુધી પહોંચવા માગે છે જે દાતા અને પ્રાયોજકની પસંદગી છે, કોણ કોની સાથે સંકળાયેલા છે એ કોઈ વ્યક્તિ દ્વારા નક્કી કરી શકાતું નથી.’

mumbai mumbai news navratri borivali bharatiya janata party falguni pathak