જો તમારામાં હિંમત હોય તો મારી સામે ચૂંટણી લડો

09 May, 2022 09:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મેળવ્યા બાદ નવનીત રાણાએ ઉદ્ધવ ઠાકરેને આપી ચૅલેન્જ : જામીનની શરતનાે ભંગ કરવા બદલ રાણા દંપતીની ફરી ધરપકડ થઈ શકે

નવનીત રાણા

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના બાંદરામાં આવેલા નિવાસસ્થાન માતોશ્રી સામે હનુમાન ચાલીસા વગાડવાની જાહેરાત કરવાના તેમ જ દેશદ્રોહના આરોપસર મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલાં અમરાવતીનાં અપક્ષ સંસદસભ્ય નવનીત રાણાને ગઈ કાલે હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. હૉસ્પિટલમાંથી બહાર નીકળ્યા બાદ તેમણે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેંક્યો હતો કે તેમનામાં હિંમત હોય તો રાજ્યમાં કોઈ પણ બેઠક પર પોતાની સામે ચૂંટણી લડે. કોર્ટે પત્રકારો સાથે વાતચીત ન કરવાની શરતે જામીન મંજૂર કર્યા હતા એટલે તેમની શરતનું ઉલ્લંઘન કરવા બદલ ફરી ધરપકડ થવાની શક્યતા છે.

નવનીત રાણાની જેલમાં તબિયત ખરાબ થતાં તેમને બાંદરાની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યાં હતાં. તેમની તબિયતમાં સુધારો થયા બાદ ગઈ કાલે તેમને અહીંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. તેમણે હૉસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ મુખ્ય પ્રધાન અને શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પડકાર્યા હતા. હિંમત હોય તો રાજ્યની કોઈ પણ બેઠક પર પોતાની સામે ચૂંટણી લડે. મુંબઈની જનતા અને ભગવાન રામ શિવસેનાને બરાબરના પાઠ ભણાવશે એવો દાવો કર્યો હતો.

પત્રકારો સમક્ષ નવનીત રાણેએ કહ્યું હતું કે ‘ઉદ્વવ ઠાકરે નક્કી કરે એ વિધાનસભામાં હું તેમની સામે ચૂંટણી લડીશ. હું ઈમાનદારીથી ખૂબ મહેનત કરીને ચૂંટણી જીતવાનો પ્રયાસ કરીશ. મુખ્ય પ્રધાનને જનતાની તાકાત શું હોય છે એનો ખ્યાલ આવશે. મેં એવો શું ગુનો કર્યો હતો કે મને ૧૪ દિવસ જેલમાં રાખવામાં આવી? તમે મને ૧૪ વર્ષ જેલમાં રાખશો તો પણ હું ભગવાન રામ અને હનુમાન ચાલીસાનું નામ લેવાનું બંધ નહીં કરું. મુંબઈગરો અને ભગવાન રામ શિવસેનાને મુંબઈની ચૂંટણીમાં બરાબરના પાઠ ભણાવશે. મુંબઈમાં શિવસેનાના ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે ભગવાન રામના અનુયાયીઓને સમર્થન કરીશ અને પ્રચાર પણ કરીશ.’

નવનીત રાણા અને તેમના વિધાનસભ્ય પતિ રવિ રાણાને જેલમાંથી બહાર આવ્યા બાદ પત્રકારો સાથે વાતચીત ન કરવાની શરત મૂકી હતી. ગઈ કાલે બંનેએ શરતનો ભંગ કર્યો હતો. આથી તેમની ફરી ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સંજય રાઉત ચવન્નીછાપ : રવિ રાણા
નવનીત રાણાના વિધાનસભ્ય પતિ રવિ રાણાએ ગઈ કાલે શિવસેનાના મુખ્ય પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉત પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘જ્યારે પોલીસ અમારા ઘરે આવી ત્યારે અમારી સાથે પોલીસ સ્ટેશન આવશો તો તમને જામીન અપાશે એમ કહ્યું હતું. અમે પોલીસ પાસે વૉરન્ટ માગ્યું હતું તો પણ તેમણે અમને ગાડીમાં બેસાડી દીધા હતા.

શિવસૈનિકોએ પોલીસની ગાડી પર પથ્થર અને પાણીની બૉટલો ફેંકી હતી. તેમના પર કોઈ કાર્યવાહી નહોતી થઈ. હું કોર્ટના નિર્ણયનો આદર કરું છું. રાજદ્રોહનો ગુનો ભૂલ ભરેલો હોવાનું કોર્ટે કહ્યા બાદ પણ તેના પર વાંધો લેવાનું કામ સંજય રાઉતે કર્યું છે. મને લાગે છે કે સંજય રાઉત ચવન્નીછાપ છે. તેઓ કોર્ટના નિર્ણયની પણ ટીકા કરે છે. અમને ૨૦ ફુટ ખાડામાં દાટવાની ધમકી આપે છે. તેમના પર રાજ્ય સરકારે ગુનો દાખલ નથી કર્યો, પણ ભગવાન હનુમાનનું નામ લેનારા સામે દેશદ્રોહનો ગુનો દાખલ કરે છે. મુખ્ય પ્રધાન એક મહિલાથી ડરી ગયા છે.’
હનુમાનની ભૂર્તિ ભેટ આપી

નવનીત રાણા ગઈ કાલે હૉસ્પિટલમાંથી બહાર આવ્યાં ત્યારે તેમના સમર્થકોએ તેમનું સ્વાગત કરીને તેમને સફેદ શાલ ઓઢાડી હતી અને હનુમાનની મૂર્તિ ભેટ આપી હતી. એ પહેલા બાંદરાની પ્રાઇવેટ હૉસ્પિટલમાં બીજેપીના વરિષ્ઠ અને વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ અને બાંદરાના વિધાનસભ્ય ઍડ. આશિષ શેલારે નવનીત રાણાની તબિયતની પૃચ્છા કરી હતી.

mumbai mumbai news shiv sena uddhav thackeray