નવી મુંબઈની એપીએમસી માર્કેટ ૧૪ ડિસેમ્બરે બંધ

09 December, 2020 11:34 AM IST  |  New Mumbai | Gujarati Mid-day Correspondent

નવી મુંબઈની એપીએમસી માર્કેટ ૧૪ ડિસેમ્બરે બંધ

ફાઈલ તસવીર

મહારાષ્ટ્ર રાજ્ય માથાડી, ટ્રાન્સપોર્ટ અને જનરલ કામગાર યુનિયન દ્વારા માથાડી કામગારોએ રાજ્ય સરકાર પાસે કોરોના વાઇરસમાં મૃત્યુ પામેલા કામગારોના પરિવારજનોને આર્થિક સહાય મળે, રેલવેમાં મુસાફરી કરવા માટે સીઝન ટિકિટ અને ટિકિટ આપવામાં આવે, તેમનાં બાળકોને માથાડી કાર્યાલયમાં કામ કરવાની છૂટ આપવામાં આવે જેવી વિવિધ માગણીઓ કરવામાં આવી છે. આ સિવાય વર્ષોજૂની અનેક માથાડી કામગારોની માગણીઓ પર સરકાર દુર્લક્ષ સેવી રહી હોવાથી માથાડી કામગારોમાં અસંતોષ ફેલાયો છે. આ કારણોસર માથાડી કામગારોએ ૧૪ ડિસેમ્બરે નવી મુંબઈના વાશીની એપીએમસી માર્કેટ બંધનું એલાન કર્યું છે. ગઈ કાલે માથાડી કામગારો કેન્દ્રના કૃષિ બિલના વિરોધમાં એપીએમસી માર્કેટના વેપારીઓ સાથે બંધમાં જોડાયા હતા.

આ યુનિયનના સરચીટણીસ નરેન્દ્ર પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માથાડી કામગારોની અનેક માગણીઓ વર્ષોથી મહારાષ્ટ્ર સરકાર પાસે વિલંબિત છે. અત્યારે કોરોનાકાળમાં જીવનાવશ્યક વસ્તુઓનો પુરવઠો લોકોને મળતો રહે એના માટે માથાડી કામગારોએ જીવને જોખમમાં મૂકીને તેમની ફરજ બજાવી છે. આ ફરજ બજાવતાં-બજાવતાં અનેક માથાડી કામગારો કોરોના મહામારીથી સંક્રમિત થયા હતા, જેમાંથી અમુકનાં તો મૃત્યુ પણ થયાં છે. સરકારે આ મૃત્યુ પામેલા કામગારોનાં સગાંસંબંધીઓને આર્થિક સહાય આપવી જોઈએ. રેલવેમાં અવરજવર માટે આ કામગારોને સીઝન ટિકિટ અને ટિકિટ મળવી જોઈએ.’

નરેન્દ્ર પાટીલે તેમની જૂની માગણીઓની માહિતી આપતાં કહ્યું હતું કે ‘કાંદા-બટાટા, શાકભાજી માર્કેટને બજાર સમિતિના નિયમોમાંથી મુક્ત કરવાથી માથાડી કામગારોને બહુ મોટું નુકસાન જાય છે. આથી બજાર સમિતિના નિયમોને કાયમી કરવા જોઈએ. વિવિધ માથાડી કામગારોના કાર્યાલયમાં માથાડી કામગારોનાં બાળકોને કામ કરવાની પરવાનગી આપવી જોઈએ. એપીએમસીના અંતર્ગત માથાડી કામગારોને અનેક સુવિધાઓ રાજ્ય સરકારે ઉપલબ્ધ કરાવવી જોઈએ. આ સિવાય પણ અનેક માગણીઓ પર વર્ષોથી રાજ્ય સરકારે કોઈ નિર્ણય લીધો નથી. સરકાર અમારી વિવિધ માગણીઓ જલદીથી પૂરી કરે એ માટે અમે ૧૪ ડિસેમ્બરે એપીએમસી માર્કેટ બંધની જાહેરાત કરી છે.’

mumbai mumbai news navi mumbai apmc market