હોલસેલ બજારમાં લીલા શાકભાજીના ભાવ ઘટ્યા

19 November, 2020 08:01 AM IST  |  Mumbai | Mumbai Correspondent

હોલસેલ બજારમાં લીલા શાકભાજીના ભાવ ઘટ્યા

શાકભાજી

લૉકડાઉનના કપરા કાળમાં લીલા શાકભાજીના વધી ગયેલા ભાવે લોકોને રડાવ્યા બાદ રાહતના સમાચાર છે. નવી મુંબઈની હોલસેલ બજારમાં આ શાકભાજીની ભારે આવક શરૂ થતાં ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ૪૦થી ૫૦ રૂપિયે કિલો મળતાં શાકભાજી હોલસેલ બજારમાં કિલોદીઠ ૮થી ૧૦ રૂપિયામાં મળવા લાગ્યાં છે.

નવી મુંબઈમાં આવેલી એપીએમસી હોલસેલ બજારમાં છેલ્લા કેટલાક દિવસથી લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા હતા. જોકે ગઈ કાલે શાકભાજીની ૬૨૫ ગાડીની આવક થતાં ભાવમાં ઘટાડો થયો હતો. ચોમાસાના વળતા વરસાદને લીધે ખેતીમાં નુકસાન થવાથી કેટલાક સમયથી શાકભાજીની આવક હોલસેલ બજારમાં ઘટી હતી. જોકે હવે આવક વધવાથી ભાવમાં ઘટાડો થયો છે.

લીલા શાકભાજીની આવક વધવાથી મંગળવારે જે કોબી અને ફ્લાવર ૪૦ રૂપિયે કિલો મળતાં હતાં એ ગઈ કાલે એના ભાવ ઘટીને ૧૦ રૂપિયા થઈ ગયા હતા. ભીંડો ૧૫ રૂપિયા કિલો, કોથમીરની ઝૂડીનો ભાવ મંગળવારે ૩૦ રૂપિયા હતો એ ગઈ કાલે ૮ રૂપિયામાં મળતી હતી.

એપીએમસી હોલસેલ બજારના શાકભાજીના વેપારીઓના જણાવ્યા મુજબ મંગળવાર સુધી લીલા શાકભાજીની આવક બહુ ઓછી હતી, પરંતુ ગઈ કાલે ૬૨૫ ગાડી શાકભાજી અચાનક આવી પહોંચતાં ભાવમાં જોરદાર કડાકો થયો હતો. આ હોલસેલના ભાવ છે. રીટેલ માર્કેટમાં ગ્રાહકોએ વધારે રૂપિયા ચૂકવવા પડી શકે છે.

બુધવારે શાકભાજીના ભાવ (કિલોદીઠ)

* ફણસી ૩૦થી ૪૦ રૂપિયા
* ફ્લાવર ૮થી ૧૦ રૂપિયા
* ગુવાર ૩૦થી ૪૦ રૂપિયા
* ગાજર ૨૦થી ૩૦ રૂપિયા
* ભીંડો ૧૦થી ૧૫ રૂપિયા
* કોબી ૮થી ૧૨ રૂપિયા
* મરચાં ૨૫થી ૩૫ રૂપિયા
* ટામેટાં ૧૫થી ૨૦ રૂપિયા
* કાકડી ૬થી ૧૦ રૂપિયા
* વટાણા ૨૬થી ૪૦ રૂપિયા
* રીંગણા ૨૦થી ૩૦ રૂપિયા
* કોથમીર ૮થી ૧૦ રૂપિયા ઝૂડી

mumbai mumbai news navi mumbai apmc market