સફાઈ-દૂત બન્યા સેલિબ્રિટી

05 January, 2021 08:13 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

સફાઈ-દૂત બન્યા સેલિબ્રિટી

સફાઈનાં વાહનો પર સફાઈ-કર્મચારીઓના ફોટો ચોંટાડવામાં આવ્યા છે

નવી મુંબઈ મહાનગરપાલિકા દેશભરમાં સ્વચ્છતામાં લાંબા સમયથી ટોચનાં મહાનગરોમાં રહી છે. આ માટે મહત્ત્વનું યોગદાન આપ્યું હોય તો એ છે સફાઈ-કર્મચારીઓ. આથી પાલિકાએ અહીંના તમામ આઠ વૉર્ડમાંથી ૧ મહિલા અને ૧ પુરુષ સફાઈ-કર્મચારીને અનોખી રીતે સન્માનિત કર્યાં છે. પાલિકાએ આ ૧૬ સફાઈ-કર્મચારીઓના ફોટો સફાઈકામમાં ઉપયોગમાં લેવાતાં ૧૨૫ વાહનોમાં લગાવીને તેમને સફાઈનાં રોલ-મૉડલ બનાવ્યાં છે.

નવી મુંબઈ મહાનગરપાલિકામાં બેલાપુર, નેરુળ, વાશી, તુર્ભે, કોપરખૈરણે, ઘનસોલી, ઐરોલી અને ડીઘા મળીને કુલ ૮ વૉર્ડ છે. અહીં ૩૫૦૦ જેટલા સફાઈ-કર્મચારીઓ કામ કરે છે. પાલિકાના કમિશનર અભિજિત બાંગરે ૨૦૨૧ની ૧ જાન્યુઆરીએ આ તમામ વૉર્ડમાંથી જેમણે સૌથી સારું કામ કર્યું છે એવાં ૮ મહિલા અને ૮ પુરુષ સફાઈ-કર્મચારીઓનું ‘સ્વચ્છતા દૂત’ તરીકે સન્માન કર્યું હતું.

સામાન્ય રીતે સારું કામ કરનાર કર્મચારીઓનું સન્માન થાય છે, પરંતુ આખું શહેર તેમને ઓળખી શકે એવી રીતે તેમના ફોટો સફાઈકામના ઉપયોગમાં લેવાતાં વાહનો પર લગાવાય એવો વિચાર કરવો અને અમલમાં મૂકવો એવો નવો ચીલો ચાતર્યો છે, કારણ કે ઊંચા પદ પરના અધિકારીઓને સૌ બિરદાવે છે, પણ નાના કર્મચારીઓને આ રીતે સન્માનિત કરીને સેલિબ્રિટી બનાવી દેવાયા છે.

પાલિકાના બેલાપુર વૉર્ડમાંથી ધર્મા કૃષ્ણા મ્હાત્રે અને શાંતાબાઈ ટાંડેલ નામનાં સફાઈ-કર્મચારીઓને સફાઈ-દૂતથી સન્માનિત કરાયાં છે. કૃષ્ણા મ્હાત્રે નેરુળમાં રહે છે અને ૧૮ વર્ષથી પાલિકામાં કામ કરે છે, જ્યારે શાંતાબાઈ સીવુડ રેલવે-સ્ટેશન પાસેના કરાળા ગામમાં રહીને ૨૨ વર્ષથી પાલિકામાં કામ કરે છે.

ધર્મા અને શાંતાબાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જેવી રીતે આપણે ઘરની સરખી રીતે સફાઈ કરીએ છીએ એવી જ રીતે શહેરમાં પણ સફાઈ થવી જોઈએ. અમને જે વિસ્તારમાં સફાઈની જવાબદારી સોંપાઈ છે એ અમે પૂરી ધગશથી કરીએ છીએ. અમારું કામ જોઈને ઉપરી અધિકારીઓ અમારા વૉર્ડના બીજા સફાઈ-કર્મચારીઓને કાયમ કહે છે કે આ લોકોની જેમ બધા કામ કરે તો શહેર ચોખ્ખુંચણક થઈ જાય. વાહનોમાં અમારા ફોટો જોઈને ખૂબ ગર્વ થાય છે. કમિશનરસાહેબથી લઈને અમારા વિભાગના અધિકારીઓએ અમને સેલિબ્રિટી બનાવી દીધાં છે.’

નવી મુંબઈ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર અને સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ વિભાગના ઇન્ચાર્જ ડૉ. બાળાસાહેબ રાજળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા સફાઈ-કર્મચારીઓના સતત પ્રયાસને લીધે જ પાલિકા દર વર્ષે સ્વચ્છતાના માપદંડમાં ટૉપ મહાનગરોમાં આવે છે. આ રૅન્ક માટે અધિકારીઓની સાથે સફાઈ-કર્મચારીઓનો ખૂબ મહત્ત્વનો રોલ રહે છે. આથી કમિશનર અભિજિત બાંગરસાહેબે આ કર્મચારીઓને જુદી રીતે સન્માનિત કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે દરેક વૉર્ડ-ઑફિસરને તેમના વૉર્ડના બેસ્ટ સફાઈ કર્મચારીઓનું લિસ્ટ આપવાનું કહ્યું હતું. તેમણે પોતાના વિભાગમાં જેઓ લાંબા સમયથી સારામાં સારું કામ કરતા હોય એવો રેકૉર્ડ ચેક કર્યો હતો. એમાં જેમનાં નામ સામે આવ્યાં હતાં તેમનું સન્માન કરવામાં આવ્યું છે.’

પાલિકાએ ભવિષ્યમાં નવી મુંબઈ દેશની નંબર-વન સ્વચ્છ પાલિકા બને એવો નિર્ધાર કર્યો છે. આથી સફાઈનાં વાહનો પર નવી મુંબઈકરો તમે પણ આને માટે સફાઈ-કર્મચારીઓની જેમ સજ્જ થાઓ એવો મેસેજ આપવાનો પ્રયાસ કરાયો છે. ૧૨૫ સફાઈની ગાડીઓ પર આ સફાઈ-દૂતોના ફોટો સાથે ‘નિશ્ચય કેલા, નંબર પહિલા’ એવું લખાણ લખ્યું છે.

mumbai mumbai news navi mumbai prakash bambhrolia