પ્યાર તૂને ક્યા કિયા

25 September, 2021 01:54 PM IST  |  Mumbai | Mehul Jethva

પ્રેમિકાએ દાગીના તડફાવી લેવાનો આરોપ મૂકતાં ડિપ્રેશનમાં આવી ગયેલો યુવાન ઝેર ખાઈને કલંબોલી પોલીસ સ્ટેશનમાં ગયો અને ત્યાં જ ટેબલ પર ઢળી પડ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રેમિકાએ પ્રેમી પર દાગીના તડફાવી લેવાનો આરોપ મૂકતાં પોલીસે પ્રેમીને તપાસ માટે બોલાવ્યો હતો. જોકે એ પહેલાં જ પ્રેમીએ ડિપ્રેશનમાં આવીને ઝેરી દવા પી લીધી હતી. પછી પોલીસ સ્ટેશનમાં આવતાંની સાથે તે પોલીસના ટેબલ પર ઢળી પડ્યો હતો. તેને ઇલાજ માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવતાં ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો. કલંબોલી પોલીસે એડીઆર નોંધીને તપાસ શરૂ કરી છે.

નવી મુંબઈમાં રહેતા રોહન પાટીલ પર તેની પ્રેમિકાએ દાગીના તડફાવી લીધા હોવાનો આરોપ મૂકીને એની ફરિયાદ કલંબોલી પોલીસ સ્ટેશનમાં કરી હતી. એ ફરિયાદના આધારે પોલીસ સ્ટેશનના અધિકારીઓએ રોહનને તપાસ માટે બોલાવ્યો હતો. બુધવારે સાંજના તે પોલીસ સ્ટેશનમાં આવી સ્ટેશન હાઉસ (ફરિયાદ નોંધતી જગ્યા)માં આવીને બેસી ગયો હતો અને થોડી વારમાં જ જમીન પર ઢળી પડ્યો હતો. તેને તરત જ સ્થાનિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં ડૉક્ટરે તેને મૃત જાહરે કર્યો હતો. તેની ડેડ-બૉડીને પોસ્ટમૉર્ટમ માટે મોકલતાં તેનું મૃત્યુ ઝેર પીવાથી થયું હોવાનું જાણવા મળ્યું હતું.

રોહનના એક મિત્રએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેની પ્રેમિકા સાથે તે છેલ્લાં કેટલાંક વર્ષોથી સંબંધમાં હતો. રોહને તેના દાગીના કયા કારણસર માગ્યા હશે એની ખબર નથી. રોહને આત્મહત્યા કરવા પહેલાં એક ચિઠ્ઠી લખી હતી. એમાં તેણે પ્રેમપ્રકરણમાં તેના પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો હોવાથી આવું પગલું ભર્યું હોવાની માહિતી આપી હતી.’

કલંબોલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનામાં અમે એડીઆર નોંધીને તપાસ શરૂ કરી છે. આત્મહત્યા પહેલાં લખેલી ચિઠ્ઠીમાં તેણે આત્મહત્યા માટે કોઈને જવાબદાર ગણ્યા નથી. વધુ તપાસ કરવામાં આવી રહી છે.’

mumbai mumbai news navi mumbai mehul jethva