ભીડને ખાળવા APMCની શાકમાર્કેટ ખારઘરના મેદાનમાં ખસેડવાની તૈયારી

31 March, 2020 11:18 AM IST  |  Mumbai | Mumbai Correspondent

ભીડને ખાળવા APMCની શાકમાર્કેટ ખારઘરના મેદાનમાં ખસેડવાની તૈયારી

નવી મુંબઈની એપીએમસી વેજિટેબલ માર્કેટમાં જવા માટે સલામત અંતર રાખી મોટી લાઇનમાં ઊભેલા લોકો. તસવીર. પી.ટી.આઇ.

નવી મુંબઈના વાશીમાં આવેલી એપીએમસીની શાકમાર્કેટમાં બહુ જ રશ થતો હોવાથી કોરોનાના સંદર્ભે સાવચેતી રાખવા એ માર્કેટ ખારઘર નજીકના ખુલ્લા વિશાળ મેદાનમાં લઈ જવાનું વિચારી એની તૈયારીઓ ચાલુ કરાઈ છે ત્યારે માર્કેટના અગ્રણીઓનું કહેવું છે કે આ બાબતે વેપારીઓને કોઈ જાણ કરાઈ નથી.

એપીએમસીની શાકમાર્કેટમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ટ્રકો ભરીને અલગ-અલગ શાકભાજી આવતાં હોય છે. જ્યારે સામે પક્ષે એ શાકભાજી ખરીદવા પણ અનેક વેપારીઓ આવે છે જેના કારણે બહુ મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે. હાલ કોરોનાના કારણે જ્યાં લોકોની ભીડ ટાળવી જરૂરી છે અને સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવાની તાતી જરૂર છે ત્યારે માર્કેટમાં ભાગ્યે જ એ બાબતે જાગરૂકતા દેખાય છે. એથી આ બાત સાવચેતી રાખી શાકમાર્કેટ ખારઘરના સેન્ટર પાર્ક મેદાનની બાજુના ૫૦ એકરના ખુલ્લા પ્લૉટ પર ખસેડવાનું પગલું રેવન્યુ કમિશનર શિવાજીરાવ દોણેના કહેવાથી લેવાયું છે. એ માટે એ ખુલ્લા મેદાનની ૧૦,૦૦૦ સ્ક્વેર ફીટની જગ્યામાં ૧૨૦૦થી ૧૩૦૦ વેપારીઓને દૂર-દૂર બેસી તેમનો માલ લગાડી શકે એ માટે ખાસ સફેદ પટ્ટા અને ચોરસ ખાનાં બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જોકે એક સવાલ એ પણ પુછાઈ રહ્યો છે કે ખારઘરની એ માર્કેટ એપીએમસીની માર્કેટ કરતા વીસ કિલોમીટર દૂર છે, તકો શું માર્કેટના માથાડી કામગારો રોજ ત્યાં માલ ચડાવવા ઉતારવા જશે. સામે પક્ષે વેપારીઓ પણ એ માલ ખરીદવા ત્યાં જશે કે કેમ એ પ્રશ્ન હાલ ચર્ચાના ચગડોળે ચડ્યો છે.
આ બાબતે જ્યારે એપીએમસીના શાકમાર્કેટના ડિરેક્ટર સંજય પાનસરેની મિડ-ડેએ પૃચ્છા કરી ત્યારે તેમણે કહ્યું હતું કે ‘શાસન આવાં કોઈ પગલાં લઈ રહ્યું હોવાની જાણ અમને નથી. વેપારીઓને એ બાબતે માહિતી અપાઈ નથી. બીજું, હાલ શાકમાર્કેટના વેપારીઓમાં પણ બહુ જ ગભરાટ ફેલાયેલો છે અને પહેલાં જે રોજની ૫૦૦થી ૬૦૦ ટ્રક શાકભાજી આવતાં હતાં અને જગ્યાએ ૨૦૦ જેટલી જ ટ્રક આવી રહી છે. અમને એવુ સાંભળવામાં આવ્યું છે કે શાસન વેપારીઓ માટે વ્યવસ્થા કરી રહ્યું છે પણ એ વ્યવસ્થા અન્ય માર્કેટના વેપારીઓ માટે છે, અમારા માટે નહીં.’

mumbai mumbai news navi mumbai kharghar apmc market