નાશિક : કાંદાની નિકાસ પર પ્રતિબંધ સામે નાશિકમાં વિરોધનો વંટોળ

16 September, 2020 07:38 AM IST  |  Nashik | Agency

નાશિક : કાંદાની નિકાસ પર પ્રતિબંધ સામે નાશિકમાં વિરોધનો વંટોળ

ફરી કાંદાની મોકાણ - ગઈ કાલે પુણે જિલ્લામાં કાંદાથી ભરેલી ગૂણીઓ બજારમાં ભારે માત્રામાં ઉપલબ્ધ થઈ હતી. સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે . તસવીર : પી.ટી.આઇ.

કાંદાની નિકાસ પર પ્રતિબંધ સામે નાશિકના લાસલગાંવ તથા કાંદાના અન્ય ઉત્પાદન-વેચાણ મથકો ખાતે વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નાશિકનું લાસલગાંવ વૈશ્વિક સ્તરે કાંદાના સૌથી મોટાં બજારોમાંથી એક છે. મુંગસે, પિંપળગાંવ, નામપુર અને ઉમરાણેની બજારોમાં આંદોલનકારીઓએ બજારમાં આવેલા ૧૦,૦૦૦ ક્વિન્ટલ કાંદાનું લિલામ અટકાવીને મુંબઈ-આગ્રા રોડ પર રસ્તારોકો આંદોલન કર્યું હતું.

એશિયામાં કાંદાના સૌથી મોટા બજાર લાસલગાંવમાં ૨૨૦૦ રૂપિયે ક્વિન્ટલના ભાવે લિલામની શરૂઆત થઈ ત્યારે કેટલાક ખેડૂતો ઉશ્કેરાયા હતા. એ ખેડૂતોએ કહ્યું હતું કે નિકાસ પર પ્રતિબંધને કારણે ભાવ નીચે ઊતરી રહ્યા છે. સોમવારે બજારમાં કાંદાના ક્વિન્ટલના લઘુતમ ભાવ ૧૧૦૦ રૂપિયા, મહત્તમ ભાવ ૩૨૦૯ રૂપિયા અને સરેરાશ ૨૯૫૦ રૂપિયા હતા, પરંતુ નિકાસ પર પ્રતિબંધનો નિર્ણય લેવાયા પછી થોડા કલાકોમાં ક્વિન્ટલના ભાવ ઘટીને ૨૭૦૦ રૂપિયા થઈ ગયા હતા.

કેન્દ્ર સરકારે સોમવારે ભારતના બજારમાં કાંદાના ભાવ અંકુશમાં રાખવા અને સ્થાનિક સ્તરે કાંદાનો જથ્થો ઉપલબ્ધ રહે એ ઉદ્દેશથી તાત્કાલિક અમલમાં આવે એ રીતે એની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. એ પ્રતિબંધ મુકાયા પછી બજારોની સ્થિતિ અને ખેડૂતો તથા વેપારીઓનાં વલણ અને વર્તનમાં મોટો ફેર પડ્યો હતો. વાણિજ્ય મંત્રાલયમાં આયાત-નિકાસ અને વિદેશ વ્યાપારનો અખત્યાર સંભાળતા ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ(DGFT)એ સોમવારે નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું હતું કે તાત્કાલિક અમલમાં આવે એ રીતે કાંદાની તમામ વરાયટીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

mumbai mumbai news nashik onion prices maharashtra