30 June, 2025 06:56 AM IST | Nashik | Gujarati Mid-day Correspondent
હરિહર ફોર્ટ
ચોમાસું શરૂ થતાં જ પર્યટકો પહાડો, ડૅમ અને ધોધની મજા માણવા ઊપડી જાય છે, પણ આ બધી જ જગ્યાઓ જેટલી રમણીય છે એટલી જ રિસ્કી પણ છે. નાશિકમાં આવેલા હરિહર ફોર્ટ પર તાજેતરમાં જ પર્યટકોની ભીડ ઊમટી હતી એ જોતાં કોઈ અક્સ્માત કે નાસભાગ થવાનો ડર ત્યાં હાજર લોકો અને તેમનો વાઇરલ વિડિયો જોનારા નેટિઝન્સને લાગ્યો હતો.
ભારતના સૌથી અઘરા ટ્રેકિંગ સ્પૉટ્સમાંના એક નાશિકના હરિહર ફોર્ટની મુલાકાત રોજના હજારો ટ્રેકર્સ લે છે. તેમને સુરક્ષિત રીતે ટ્રેકિંગ કરવામાં આસપાસનાં ગામોના સ્વયંસેવકો મદદ કરે છે. જોકે પર્યટકોની ભીડ વધી જતાં પર્યટકોની સુરક્ષા ચિંતાનો વિષય બન્યો છે. સોશ્યલ મીડિયા પરની એક પોસ્ટમાં કહેવાયું હતું કે ‘બીજો એક ગંભીર અકસ્માત થવાની રાહ જોવાઈ રહી છે? હરિહર ફોર્ટ પર વીક-એન્ડ ક્રાઉડ ડેથ-ટ્રૅપ બની ગયું છે. આને રોકવું જરૂરી છે, નહીં તો સ્ટેમ્પીડ કે કોઈ એક વ્યક્તિનું બૅલૅન્સ જશે તો સેંકડો લોકો પડીને જીવ ગુમાવશે.’
હરિહર ફોર્ટ ત્રિકોણ પ્રિઝમ જેવા મોટા પથ્થર પર બનાવવામાં આવ્યો છે જેમાં પથ્થરની ત્રણેય બાજુ સીધી ૯૦ ડિગ્રી પર ઊભી છે. માત્ર એક જ મીટર પહોળી પથ્થરમાંથી બનેલી સીડી છે, જેમાં ૧૧૭ પગથિયાં છે. વનવિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ‘પર્યટકોની સુરક્ષા વધારવા માટે અમે પોલીસ ડિપાર્ટમેન્ટની મદદ પણ લીધી છે. હરિહર ફોર્ટ પર દર શનિવારે અને રવિવારે ૩૦૦ લોકોને જ ઉપર ચડવાની પરમિશન આપવામાં આવશે. સ્વયંસેવકો અને ફૉરેસ્ટ ગાર્ડ પણ ફોર્ટ પર હાજર રહેશે.’