01 October, 2023 08:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ઃ કાંદાની લિલામી બાબતે નાશિક જિલ્લા વેપારી અસોસિએશનની બેઠક ગઈ કાલે થઈ હતી, જેમાં સરકારે વેપારીઓની એક પણ માગણી માન્ય ન રાખી હોવાથી કાંદાની લિલામી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આથી આજથી નાશિકમાં ફરી કાંદાનું વેચાણ ઠપ થઈ જશે.
અસોસિએશનના પ્રવક્તા પ્રવીણ કદમે ગઈ કાલે કહ્યું હતું કે ‘કાંદાના વેચાણ અને ભાવ બાબતે ઊભી થયેલી સમસ્યા બાબતે રાજ્ય સરકારે વેપારીઓની કોઈ માગણી પર ધ્યાન નથી આપ્યું એટલે જિલ્લાના કાંદાના તમામ વેપારીઓએ ફરી કાંદાની લિલામી ન કરવાનો નિર્ણય લીધો છે. નાફેડના માધ્યમથી કાંદા ખરીદીને સરકાર ખેડૂતોને નુકસાન પહોંચાડી રહી છે. કાંદાના ભાવ વધવા માટે દોષ વેપારીઓને આપવામાં આવે છે. વિંચૂરના કેટલાક વેપારીઓ પર દબાણ લાવીને કાંદાની લિલામી શરૂ કરવામાં આવી છે. જોકે વિંચૂરના પચાસ ટકા વેપારીઓ અમારી સાથે છે. સરકાર અમારી માગણી પ્રત્યે ધ્યાન નહીં આપે તો રાજ્યના બીજા જિલ્લાના વેપારીઓનો સંપર્ક કરીને રાજ્યભરમાં બંધ કરવામાં આવશે.’