13 July, 2024 07:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર: પીટીઆઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીના પરિણામો બાદ આજે પહેલીવાર મહારાષ્ટ્રની મુલાકાત લીધી છે. નરેન્દ્ર મોદીએ રાજધાની મુંબઈ (PM Modi in Mumbai)ના પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોને જોડતા મહત્વાકાંક્ષી ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ (તબક્કો III) હેઠળ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન હેઠળ ટ્વીન ટનલનો શિલાન્યાસ કર્યો હતો. આ સમારોહ ગોરેગાંવના નેસ્કો એક્ઝિબિશન સેન્ટરમાં યોજાઈ રહ્યો છે અને 30 હજાર કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન મોદી (PM Modi in Mumbai)એ કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાને મુંબઈની સાથે મહારાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. મોદીએ કહ્યું કે, “મુંબઈ દેશની આર્થિક રાજધાની છે અને તેને વિશ્વની આર્થિક રાજધાની બનાવવાનું મારું સપનું છે.”
મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને બંને નાયબ મુખ્ય પ્રધાનોએ વડા પ્રધાનનું સ્વાગત કર્યું. આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર, દેવેન્દ્ર ફડણવીસ બાદ મુખ્યપ્રધાન શિંદેએ પણ ભાષણ આપ્યું હતું અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંકલનમાં થઈ રહેલા વિકાસ કાર્યોની માહિતી આપી હતી. તો રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યપ્રધાનએ મુખ્યમંત્રી લાડકી બહિણ યોજનાનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, આ યોજના મહિલાઓની ઉન્નતિ માટે અમલમાં મૂકવામાં આવી છે.
મોદીએ મહારાષ્ટ્રના તમામ ભાઈ-બહેનોને મારી શુભેચ્છાઓ કહીને ભાષણની શરૂઆત કરી. તેમણે કહ્યું કે, “અહીં 30 હજાર કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ્સથી મુંબઈને વધુ ગતિશીલ બનાવવામાં ફાયદો થશે. લોકોએ ત્રીજી વખત અમારું સ્વાગત કર્યું છે, લોકો જાણે છે કે NDA સરકારને સ્થિરતા આપી શકે છે. ત્રીજા કાર્યકાળમાં એનડીએ સરકાર ત્રણ ગણું વધુ કામ કરશે.”
તેમણે કહ્યું કે, “મહારાષ્ટ્રનો ભવ્ય ઇતિહાસ છે, શક્તિશાળી વર્તમાન છે અને સમૃદ્ધ ભવિષ્યના સપના છે. મુંબઈ દેશની આર્થિક રાજધાની છે, મારું સ્વપ્ન તેને વિશ્વની આર્થિક રાજધાની બનાવવાનું છે.”
મુંબઈને વિશ્વની આર્થિક રાજધાની બનાવવાનું સપનું
મોદીએ કહ્યું કે, “છેલ્લા એક મહિનામાં મુંબઈમાં દેશ-વિદેશના રોકાણકારોનો ધસારો જોવા મળી રહ્યો છે, અમારી સરકારની ત્રીજી ટર્મને રોકાણકારોએ આવકારી છે. લોકો જાણે છે કે માત્ર એનડીએ સરકાર જ સ્થિરતા આપી શકે છે, મેં ત્રીજી વખત શપથ લીધા ત્યારે કહ્યું હતું. અમે ત્રણ ગણી ઝડપથી કામ કરીશું, અમે આજે આ જોઈ રહ્યા છીએ. મહારાષ્ટ્રનો ગૌરવશાળી ઈતિહાસ છે, મહારાષ્ટ્રમાં મજબૂત વર્તમાન છે અને મહારાષ્ટ્રમાં સમૃદ્ધ વિકાસનું સ્વપ્ન છે. વિકસિત ભારતમાં મહારાષ્ટ્રનો મોટો હિસ્સો છે, મહારાષ્ટ્ર પાસે ઉદ્યોગ, કૃષિ, નાણાં ક્ષેત્રની શક્તિ છે. તેથી મુંબઈ પાવર હબ છે, મહારાષ્ટ્ર વિશ્વનું સૌથી મોટું નાણાકીય પાવર હાઉસ બનાવવા માગે છે. મુંબઈને વિશ્વની ફિનટેક કેપિટલ બનાવવાનું મારું સપનું છે, મોદીએ કહ્યું કે મુંબઈને વિશ્વની આર્થિક રાજધાની બનાવવાનું તેમનું સ્વપ્ન હતું.”