26 June, 2025 12:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિત પવાર, કિરીટ સોમૈયા
પોલીસ મસ્જિદ પર બેસાડવામાં આવેલાં લાઉડસ્પીકર ઉતારવાની કાર્યવાહી કરતી હોવાથી મુસ્લિમ નેતાઓ એ મુદ્દે ગઈ કાલે રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારને મળ્યા હતા અને રજૂઆત કરી હતી.
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નવાબ મલિક, ઑલ ઇન્ડિયા મજલિસ–એ–ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના ભૂતપૂ્ર્વ વિધાનસભ્ય વારિસ પઠાણ, NCPનાં સંસદસભ્ય સના મલિક અને સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમી અને અન્ય મુસ્લિમ નેતાઓએ મળીને અજિત પવારને રજૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા કિરીટ સોમૈયા મસ્જિદ પર લાઉડસ્પીકર લગાડાયાં હોય તો પોલીસ-ફરિયાદ કરે છે અને પછી પોલીસ તેમની ફરિયાદ પર ઍક્શન લઈને લાઉડસ્પીકર ઉતરાવી લે છે.
અજિત પવારે તેમને કહ્યું હતું કે લોકોએ બૉમ્બે હાઈ કોર્ટે બાંધી આપેલી ડેસિબલ લિમિટ ફૉલો કરવી જોઈએ અને જો એ લિમિટનું ઉલ્લંઘન થશે તો પોલીસ કાર્યવાહી કરશે. મુસ્લિમ નેતાઓએ કહ્યું હતું કે અમારા લોકો હાઈ કોર્ટની એ ડેસિબલ લિમિટનું પાલન કરે છે છતાં પોલીસ કાર્યવાહી કરીને લાઉડસ્પીકર ઉતારવાનું કહે છે.
નવાબ મલિકે કહ્યું હતું કે ‘કોર્ટ દ્વારા નિશ્ચિત કરાયેલી ડેસિબલ લિમિટ દિવસના સમયે પંચાવન ડેસિબલ છે, જ્યારે રાતે ૪૫ ડેસિબલ છે એટલું જ નહીં, રાતે ૧૦થી સવારે ૬ વાગ્યા સુધી તો લાઉડસ્પીકર પર પ્રતિબંધ મુકાયો છે.’