માનસિક રીતે અસ્થિર ગુજરાતી યુવકની હત્યા?

24 May, 2022 08:46 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

વસઈમાં રહેતા પ્રદીપ જોશીની ડેડ-બૉડી નાલાસોપારાના નાળામાંથી મળી આવી : બે દિવસ પહેલાં તેને બે યુવક મારતા હોવાનું સીસીટીવી કૅમેરાનું ફુટેજ વાઇરલ થયું હતું

પ્રદીપ જોશી


મુંબઈ : વસઈ-વેસ્ટમાં દીનદયાળનગરમાં આવેલા વિઠોબા બિલ્ડિંગમાં રહેતો પ્રદીપ પન્નાલાલ જોશી નામનો ગુજરાતી યુવાન માનસિક રીતે અસ્થિર હતો. તેનો મૃતદેહ નાલાસોપારામાં રેલવે-ટ્રૅક પાસે આવેલા નાળામાંથી મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ આ યુવકને બે જણે મોબાઇલ ચોરી કર્યો હોવાનું કહીને ખૂબ માર્યો હતો. પોલીસે આ વિશે કેસ નોંધીને તપાસ કરી રહી છે. 
વસઈમાં રહેતો પ્રદીપ માનસિક રીતે અસ્થિર હોવાથી તેના પરિસરમાં અને સ્ટેશનના પરિસરમાં ફરતો રહેતો હતો. આખો દિવસ તે કંઈ ને કંઈ બડબડ કરતો રહેતો હતો. તેને શાહરુખ નામથી પણ લોકો ઓળખતા હતા. પ્રદીપને દીનદયાળ મસ્જિદ પાસે બે યુવકે ખૂબ માર માર્યો હતો. એ વખતે તેનો ભાઈ ક્રિષ્ણા ત્યાં આવી પહોંચ્યો હતો. ક્રિષ્ણાના મિત્રના કહેવા પ્રમાણે તેના ભાઈને મસ્જિદ પાસે બે યુવકોએ ખૂબ માર્યો હતો. એનું સીસીટીવી કૅમેરાનું ફુટેજ પણ વાઇરલ થયું હતું. તેમનું કહેવું હતું કે તેણે મોબાઇલ ચોર્યો હતો. એથી ક્રિષ્ણાએ તેમને કહ્યું કે તેણે ચોરી કરી હોય તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો અને પોલીસને સોંપી દો, શા માટે તેને મારો છો? ક્રિષ્ણાએ આમ કહેતાં યુવકોએ કહ્યું કે હવે જો અમે શું કરીશું. ત્યાર બાદ શનિવારે યુવકો પ્રદીપને રિક્ષામાં બેસાડીને લઈ ગયા હતા. એ પછી તેની ડેડ-બૉડી નાલાસોપારા-ઈસ્ટમાં મૉલની સામે રેલવે-ટ્રૅક પાસેના નાળામાંથી મળી આવી હતી. ક્રિષ્ણાએ કહ્યું હતું કે ‘મારા ભાઈ સાથે અન્યાય થયો છે એટલે તેને ન્યાય મળવો જ જોઈએ. પોલીસ વહેલી તકે આરોપીઓને પકડે એવી અમે આશા રાખીએ છીએ.’
નાલોસાપારાના આચોલે પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ અધિકારી ચંદ્રકાંત સરોડેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ડેડ-બૉડી મળ્યા બાદ અમે ઍક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધ્યો છે. ગઈ કાલે અમે ડેડ-બૉડી પોસ્ટમૉર્ટમ માટે જે. જે. હૉસ્પિટલમાં મોકલી છે. એના રિપોર્ટની અમે રાહ જોઈ રહ્યા છીએ. એ મળ્યા બાદ આગળની તપાસ હાથ ધરીશું.’

mumbai news Crime News vasai