જૈન સાધુએ જેલના કેદીઓ પાસે ગોચરીમાં શું માગ્યું?

30 September, 2022 01:17 PM IST  |  Mumbai | Bakulesh Trivedi

મુનિ શ્રી રાજસુંદરવિજયજી મ.સા.એ ભાયખલા કારાગૃહમાં જઈને કેદીઓને સંબોધ્યા અને તેમને વ્યસન છોડવાનું આહવાન કર્યું : પાંચ કેદીએ આજીવન વ્યસનનો ત્યાગ કર્યો

ભાયખલાની જેલમાં કેદીઓને સંબોધી રહેલા પ.પૂ. મુનિ શ્રી રાજસુંદરવિજયજી મ.સા.

સામાન્યપણે વ્યસનમુક્તિ માટે અનેક સેમિનાર યોજાતા હોય છે, પણ જૈનોના શ્વેતામ્બર મૂર્તિપૂજક ફિરકાના જૈન સાધુ પ.પૂ. મુનિ શ્રી રાજસુંદરવિજયજી મહારાજસાહેબે ભાયખલા જિલ્લા કારાગૃહમાં જઈને કેદીઓને સંબોધ્યા હતા. એટલું જ નહીં, તેમણે ગોચરીમાં એ કેદીઓ પાસેથી તેમનું વ્યસન છોડવાનું વચન માગ્યું હતું અને એને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો. પાંચ કેદીઓએ તો તેમની સમજાવટને કારણે આજીવન વ્યસનનો ત્યાગ કર્યો હતો.

જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓને મળીને તેમને વ્યસન છોડવાનું કહેવા પાછળ કારણ શું હતું એ જાણવા મહારાજસાહેબનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘મૂળમાં જેલમાં બધા કેદીઓ કોઈ ને કોઈ ગુનો કરીને આવ્યા હોય છે અને તેમની આસપાસ પણ એવા જ લોકો હોય છે. તેઓ હતાશ થયેલા હોય છે. એ આખું વાતાવરણ નેગેટિવ બાબતોથી છવાયેલું હોય છે. એટલે વ્યસનના સહારે તેઓ તેમની તાણમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરતા હોય છે. એથી જો તેઓ વ્યસનમુક્તિના માર્ગે ચાલે તો ધીમે-ધીમે પૉઝિટવિટી વધે છે. થોડા વખત પહેલાં એક વ્યક્તિનું નાની ઉંમરે મોત થયું હતું. તેને તમાકુ ખાવાની આદત હતી. એ પછી તેને મોંનું કૅન્સર થયું અને આખરે મૃત્યુ થયું. તેનો પરિવાર હવે રખડી પડ્યો છે. માત્ર વ્યસનને કારણે તેને, તેમના પરિવારને, સમાજને અને દેશને બધાને નુકસાન થયું. જો આમાંથી બહાર આવવું હોય તો વ્યસન છોડવું રહ્યું.’

બિગ લાયન ફાઉન્ડેશનના સહકાર સાથે યોજાયેલા આ કાર્યક્રમના આયોજક અભિજિત મહેતાએ ​‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાજસાહેબે કેદીઓ સાથે સહજ અને સરળતાથી ઉદાહરણો આપીને સંવાદ સાધ્યો હતો. એટલું જ નહીં, તેમણે કેટલીક વાર્તાઓ અને કવિતાઓ પણ સંભળાવી હતી. એ પછી કેદીઓ સાથે થયેલી પ્રશ્નોત્તરીમાં પણ તેમણે બહુ જ રસ દાખવ્યો હતો. એ પછી મ.સા.એ કેદીઓ સામે તેમની ઝોળી લંબાવીને કહ્યું હતું કે અમે સાધુઓ અમારું ભોજન બનાવતા નથી, ગોચરીમાં માગીને જે મ‍ળે એના પર જ અમારો નિર્વાહ કરતા હોઈએ છીએ. આજે મને તમારી પાસેથી ગોચરી જોઈએ છે. જોકે મને કોઈ જ ભોજનની અપેક્ષા નથી. મારી માગ એટલી જ છે કે તમારામાંથી કોઈ એક વ્યક્તિ મને આજીવન વ્યસન છોડવાનું વચન આપે. તેમની એ હાકલ બાદ તેમની વાણી અને કથનથી પ્રભાવિત થયેલા એક નહીં પણ પાંચ કેદી ઊભા થઈ ગયા હતા અને તેઓ આજીવન વ્યસન નહીં લે એવું વચન આપ્યું હતું, જ્યારે સાત કેદીઓએ એક વર્ષ સુધી વ્યસન નહીં લે એવી ખાતરી આપી હતી. જોકે મહારાજસાહેબે ત્યાર બાદ કેદીઓને આહવાન કરતાં કહ્યું હતું કે અહીંથી છૂટ્યા બાદ ફરી એક વાર જ્યારે તમે જાહેર જીવનમાં પ્રવેશો ત્યારે ઍટ લીસ્ટ એક મહિનો વ્યસન ટાળો એ તમારા, તમારા પરિવાર અને દેશના હિતમાં રહેશે. તેમના એ આહવાનને કેદીઓએ વધાવી લીધું હતું અને હાથ ઊંચા કરીને એ માટે મંજૂરી દર્શાવી હતી.’  

mumbai mumbai news byculla bakulesh trivedi