પેરેલિસીસના એટેક બાદ પણ કર્યું મતદાન

30 April, 2019 12:15 PM IST  |  મુંબઈ

પેરેલિસીસના એટેક બાદ પણ કર્યું મતદાન

ઘાટકોપર (વેસ્ટ) ના ૭૬ વર્ષના ગિરીશ એન. પુરોહિતને ત્રણ દિવસ પહેલાં જ પૅરૅલિસિસનો અટૅક આવ્યો હતો. જેને લીધે તેમને હૉસ્પિટલમાં ઍડમિટ કરવામાં આવ્યા હતા. જોકે ગિરીશભાઈએ એમના મતદાન અધિકારનો ઉપયોગ કરવાની જિદ પકડી હતી. એમની સામે તેમનો પરિવાર અને ડૉકટરો ઝૂકી ગયા હતા. આખરે ગઈ કાલે ડૉકટરની સ્પેશ્યલ પરમિશન લઈને હૉસ્પિટલનાં કપડાંમાં જ સીધા મતદાન- મથકે મત આપવા તેમનો પરિવાર લઈ ગયો હતો. ત્યારબાદ ગિરીશભાઈ ફરીથી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ ગયા હતા.

એમની હાલત નાજૂક હતી પરંતુ તેમની મત આપવાની જિદ હતી, એમ જણાવતા ડૉ. રાજેન્દ્ર પંડયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘લોકશાહીમાં એક-એક મતની કિંમત છે. ગિરીશભાઈએ દાખવેલી હિંમત ખરેખર આ દેશના મત નહીં આપતા લોકો માટે ઉદાહરણ રૂપ છે. ગિરીશભાઈને ઘાટકોપર (વેસ્ટ)ની ઝાયનોવા હૉસ્પિટલમાં બ્લડ પ્રેશર અને પૅરૅલિસિસનો અટૅક આવ્યો હોવાથી દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે તેમણે એમના પરિવાર સામે ગઈકાલે મતદાન માટે તો મારે જવું જ છે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી. એમના પરિવારે તેમની હાલત જોતાં મતદાન કરવા જવાનો સ્પષ્ટ ઈનકાર કયોર્ હતો. જોકે ગિરીશભાઈએ મતદાનની જિદ પકડી રાખી હતી. જેની સામે ઝાયનોવાના ડૉ. નિલેશ પડિયાર સહિત ડૉકટરો ઝૂકી ગયા હતા અને એમને મતદાન કરવા જવાની પરવાનગી આપી હતી.’

આ પણ વાંચોઃ બ્રેઈન સ્ટ્રોક છતાંય આપ્યો વોટ, યે હૈ સચ્ચા રાષ્ટ્રપ્રેમ

આખરે પ્રાઈવેટ કારમાં હૉસ્પિટલથી અડધો કિલોમીટર દૂર આવેલાં મતદાન-મથક પર જઈને ગિરીશભાઈએ મતદાન કર્યું હતું, એમ જણાવતા ડૉ. રાજેન્દ્ર પંડયાએ કહ્યું હતું કે ‘ગિરીશભાઈ હૉસ્પિટલનાં કપડાંમાં જ મતદાન કેન્દ્ર પર ગયા હતા. તેમને મતદાન કરીને હૉસ્પિટલમાં પાછા આવતા અંદાજે પોણો કલાક લાગ્યો હતો. એમનો પરિવાર સંઘાણી એસ્ટેટના મતદાન કેન્દ્ર પર તેમની સાથે રહ્યો હતો. ત્યાં એમને પોલીસ તરફથી મત આપવા લઈ જવામાં આવ્યા હતા. મત આપીને આવ્યા પછી એમના ચહેરા પર રાષ્ટ્રપેમ માટે કરેલા મતદાનનો ઉત્સાહ વર્તાઈ રહ્યો હતો. એમની તબિયત આ દરમ્યાન સારી રહી હતી.’

 

mumbai Election 2019 news