મુંબઈ માટે નવી ફ્લડ-વૉર્નિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી

13 June, 2020 08:04 AM IST  |  Mumbai | Agencies

મુંબઈ માટે નવી ફ્લડ-વૉર્નિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી

ફાઈલ તસવીર

મુંબઈ માટે વિશેષ રૂપે વિકસાવવામાં આવેલી ફલડ-વૉર્નિંગ સિસ્ટમનું ગઈ કાલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ઉદ્ઘાટન કર્યું હતું. એ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રના આરોગ્ય, કુટુંબ કલ્યાણ, વિજ્ઞાન, ટેક્નૉલૉજી અને ભૂમિ વિજ્ઞાન ખાતાના પ્રધાન હર્ષવર્ધન ઉપસ્થિત રહ્યા હતા. ભૂમિ વિજ્ઞાન મંત્રાલયે મુંબઈ મહાનગરપાલિકાના સહયોગમાં ભારતની ઘરઆંગણાની ટેક્નૉલૉજી દ્વારા સિસ્ટમ વિકસાવી છે.

હર્ષવર્ધને જણાવ્યું હતું કે ‘અદ્યતન iflows-mumbai સિસ્ટમ પૂર આવવાની આગાહીઓ ચોકસાઈપૂર્વક કરવાની ક્ષમતા ધરાવતી હોવાથી ચોમાસામાં શહેરના લોકોને ખૂબ ઉપયોગી થશે. મુંબઈમાં ભારે વરસાદ અને પાણી ભરાવાની સમસ્યાના ઉકેલમાં નવી સિસ્ટમ મદદરૂપ થશે. વાવાઝોડાની સ્થિતિમાં પણ નવી સિસ્ટમ પ્રભાવક રીતે વૉર્નિંગ આપી શકે છે.’

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં નિસર્ગ વાવાઝોડું ત્રાટકવાની સૂચના બે-ત્રણ દિવસ પહેલાં મળી હતી. એ વૉર્નિંગ સમયસર મળતાં સરકાર સંબંધિત વિસ્તારોના લોકોને સલામતી સ્થળે પહોંચાડી શકી હતી. એથી માનવ જાનહાનિ ઓછી થઈ હતી. મુંબઈના કેટલાક વિસ્તારો સમુદ્રની સપાટીથી નીચે હોવાથી ત્યાં પાણી ભરાઈ જાય છે. એ સંજોગોમાં વર્ષ ૨૦૦૫માં મોટા પ્રમાણમાં પાણી ભરાવાની સમસ્યા અને જાનમાલના ભારે નુકસાન થયું હતું. ત્યાર પછી શહેરમાં મહત્ત્વનાં ઠેકાણાં પર પાણી ઉલેચવા પમ્પિંગ સ્ટેશન ઊભાં કરાયાં છે. શહેરમાં ચાર ડૉપ્લર રાડારની પણ જરૂર છે.’

mumbai mumbai news mumbai rains uddhav thackeray maharashtra