ઇમર્જન્સી સર્વિસના કર્મચારીઓ માટે લોકલ ટ્રેન શરૂ કરાવો : ઉદ્ધવ ઠાકરે

12 May, 2020 08:13 AM IST  |  Mumbai | Mumbai Correspondent

ઇમર્જન્સી સર્વિસના કર્મચારીઓ માટે લોકલ ટ્રેન શરૂ કરાવો : ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે લૉકડાઉન દ્વારા પાંચમી વખત વિવિધ રાજ્યના મુખ્ય પ્રધાનો સાથે વિડિયો-કૉન્ફરન્સિંગના માધ્યમથી વાતચીત કરી હતી. આ સમયે કોરોના સામેની લડતમાં મુંબઈ શહેરમાં અસંખ્ય લોકો ઇમર્જન્સી સર્વિસમાં જોડાયેલા છે. આ લોકોની અવરજવર માટે લોકલ ટ્રેન શરૂ કરવાની વિનંતી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ કરી હતી.

મુંબઈમાં લૉકડાઉન કરાયાના કેટલાક દિવસ પહેલાં સામાન્ય જનતા માટે લોકલ ટ્રેન બંધ કરાઈ હતી. આ સમયે ઇમર્જન્સી સર્વિસ સાથે જોડાયેલા કર્મચારીઓની અવરજવર માટે આઇડેન્ટિટી કાર્ડ બતાવીને પ્રવાસની મંજૂરી અપાતી હતી. આવી જ રીતે લોકલ ટ્રેન શરૂ કરાય તો હજારો કર્મચારીઓને રાહત થશે એમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં પ્રવાસ કરવા માટે લોકલ ટ્રેન સૌથી સરળ અને ઝડપી પર્યાય હોવાથી એને લાઇફલાઇન કહેવામાં આવે છે. આજના કોરોનાના સંકટમાં દિવસ-રાત ઇમર્જન્સી સેવામાં જોડાયેલા લોકોને ટ્રેનની સુવિધા મળે તો તેઓ ઝડપથી ઘરે કે કામકાજના સ્થળે પહોંચી શકશે.

ઉદ્ધવ ઠાકરે પાસે ૧૨૫ કરોડની સંપત્તિ

ઉદ્ધવ ઠાકરેએ તેમના વિધાન પરિષદના નૉમિનેશન-ફૉર્મમાં જણાવ્યું છે કે મારી પાસે અંદાજે ૧૨૫ કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમની પાસે પોતાની માલિકીનું એક પણ વાહન નથી. તેમની પાસે બે બંગલા છે, કલાનગરમાં માતોશ્રી અને એની નજીકમાં જ તૈયાર કરાયેલો બીજો બંગલો. એ ઉપરાંત પનવેલમાં એક ફાર્મહાઉસ પણ તેઓ ધરાવે છે.

વિવિધ કંપનીઓના શૅર્સ તેમ જ કંપનીમાં ભાગીદારી અને ડિવિડન્ડની આવકની વિગતો પણ તેમણે નૉમિનેશન-ફૉર્મમાં જાહેર કરી છે. આમ ચલ-અચલ મળીને તેમની કુલ સંપત્તિ ૧૨૫ કરોડ રૂપિયા જેટલી થવા જાય છે.

નૉમિનેશનમાં તેમની વિરુદ્ધ કેટલા ગુના નોંધાયા છે એની પણ વિગતો આપવાની રહે છે એ મુજબ તેમની વિરુદ્ધ કુલ ૨૩ ગુના નોંધાયા હતા, જેમાંથી ૧૨ ગુના રદ થયા છે, જ્યારે બાકીના ગુના સામાન્ય ફરિયાદના છે.

uddhav thackeray mumbai mumbai news coronavirus covid19 lockdown