વૅક્સિનને લઈને કેન્દ્ર અને રાજ્યની લડાઈમાં મરો થયો મુંબઈગરાઓનો

10 April, 2021 08:52 AM IST  |  Mumbai | Mehul Jethva

મુંબઈમાં તમામ વૅક્સિનેશન સેન્ટરો પર વૅક્સિનનો સ્ટૉક પૂરો થઈ જવાથી સેન્ટરો બંધ. ગઈ કાલે આ સેન્ટરો પર મોટી ભીડ જોવા મળી

વૅક્સિનને લઈને કેન્દ્ર અને રાજ્યની લડાઈમાં મરો થયો મુંબઈગરાઓનો

 મહારાષ્ટ્રમાં બધાં રાજ્યો કરતાં સૌથી કોરોનાના વધુ કેસ બહાર આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ઍક્ટિવ કેસની સંખ્યા પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. જોકે રાજ્ય અને કેન્દ્રની લડાઈમાં સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડતી હોવાનું જોવા મળી રહ્યું છે. હાલમાં મહારાષ્ટ્ર પાસે કોવિન વૅક્સિનનો જે સ્ટૉક હતો એ પૂરો થવામાં છે ત્યારે મુંબઈમાં અનેક સેન્ટરોએ વૅક્સિનેશન સેન્ટરો બંધ કરી દીધાં છે. ગઈ કાલે આ સેન્ટરો પર મોટી ભીડ જોવા મળી હતી.
મુંબઈમાં પ્રાઇવેટ અને સરકારી મળીને કુલ ૧૩૦ વૅક્સિનેશન સેન્ટરો છે. એમાંથી 50 ટકા જેટલાં સેન્ટરો સરકારી હોવાથી ત્યાં મોટા પ્રમાણમાં લોકો વૅક્સિનેશન લઈ રહ્યા છે. ગઈ કાલે બાંદરાના જમ્બો કોવિડ સેન્ટર, મુલુંડ જમ્બો કોવિડ સેન્ટર, દહિસર જમ્બો સેન્ટર જ્યાં મોટા પ્રમાણમાં લોકોને વૅક્સિન અપાય છે તેમની પાસે વૅક્સિનના ૧૦૦થી ૧૫૦ ડોઝ રહ્યા હતા. સામે પ્રાઇવેટ વૅક્સિનેશન સેન્ટરો પર તો છેલ્લા બે દિવસથી સ્ટૉક પૂરો થઈ ગયો છે. હાલમાં મુંબઈનાં વૅક્સિનેશન સેન્ટરો ફરી એક વાર બધી તૈયારીઓ સાથે શરૂ કરવા માટે ૧.૮૦ લાખ વૅક્સિનના ડોઝની જરૂર જણાઈ રહી છે ત્યારે હાલમાં મહારાષ્ટ્ર પાસે આટલા મોટા પ્રમાણમાં વૅક્સિન ન હોવાથી સેન્ટરો બંધ કરવામાં આવ્યાં છે. જોકે ડૉક્ટરોનું કહેવું છે કે જલદી જ આ સેન્ટરો શરૂ કરવામાં આવશે.
મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરેએ કહ્યું હતું કે ‘હાલમાં મુંબઈમાં તમામ સેન્ટરો પર વૅક્સિનનો સ્ટૉક પૂરો થતાં વૅક્સિનેશન સેન્ટરો બંધ કરવામાં આવ્યાં છે. જલદી સ્ટૉક મળતાં સેન્ટરોને પૂરી તૈયારી સાથે આવતા દિવસોમાં શરૂ કરવામાં આવશે.’
મુલુંડ જમ્બો કોવિડ સેન્ટરના ડીન પ્રદીપ આંગ્રેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે અમારા સેન્ટર પર મોટા પ્રમાણમાં લોકોની વૅક્સિન માટે લાઇન લાગી હતી. જોકે અમારી પાસે માત્ર ૬૧૦ ડોઝ હોવાથી એ અમે લોકોને આપીને સેન્ટર એક વાગ્યા પછી બંધ કર્યું હતું.’
ગઈ કાલે મુલુંડના સેન્ટર પર વૅક્સિન લેવા આવેલા એક સિનિયર સિટિઝન પ્રફુલ ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારની તૂતૂ-મૈંમૈંમાં સામાન્ય જનતાનો મરો થઈ રહ્યો છે. જો અહીં બીજેપીની સરકાર હોત તો મહારાષ્ટ્ર સરકારને પણ મોટા પ્રમાણમાં વૅક્સિન ઉપલબ્ધ થઈ હોત. જોકે હાલની સરકારમાં આવી પરેશાનીઓ લોકોએ ભોગવવી જ પડશે.’

mumbai mumbai news mehul jethva