ગુડ ન્યુઝ, પણ નૉટ ગુડ ઇનફ

18 September, 2021 09:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સીરો સર્વેમાં ૮૬.૬૪ ટકા મુંબઈગરામાં ઍન્ટિ-બૉડીઝ મળ્યાં છતાં બીએમસી કહે છે કે હજી મહિનો અલર્ટ રહેવું જરૂરી ને નિયંત્રણોમાં રાહત હાલ નહીં મળે

મુંબઈમાં ગઈ કાલે લેડીઝ સ્પેશ્યલ વૅક્સિનેશન ડ્રાઇવમાં નાયર હૉસ્પિટલમાં રસી લઈ રહેલી મહિલાઓ (તસવીર : આશિષ રાજે)

સુધરાઈના પાંચમા સીરો સર્વે અનુસાર મુંબઈગરાઓને ગુડ ન્યુઝ તો મળ્યા છે, પણ એનો મતલબ એવો નથી કે અત્યારે જે નિયંત્રણો છે એને ઉઠાવી લેવામાં આવશે. આ સર્વેના આધારે પરિસ્થિતિ કાબૂમાં રહે તો કદાચ નવાં નિયંત્રણો લગાવવામાં ન આવે, પણ સંપૂર્ણ રાહત મળી શકે છે કે નહીં એ માટે હજી એક મહિનો રાહ જોવાની નીતિ અત્યારે તો સુધરાઈ અપનાવી રહી છે.

ગઈ કાલે બહાર પાડવામાં આવેલા પાંચમા સીરો સર્વે મુજબ ૮૬.૬૪ ટકા લોકોમાં ઍન્ટિ-બૉડીઝ મળી આવ્યાં હતાં. આ બાબતે સુધરાઈના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈ માટે આ ગુડ ન્યુઝ જરૂર કહેવાય, પણ આપણે બેદરકાર રહીએ એ જરાય ચાલે એમ નથી. એનું કારણ એ છે કે ઑક્ટોબર મહિનાથી પોતાના ગામમાં ગયેલા લોકો મોટી સંખ્યામાં મુંબઈમાં પાછા ફરે એમ છે અને આ લોકો જો સંક્રમિત હશે તો અહીં તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ સંક્રમિત કરી શકે છે. આવા સમયે જે લોકોમાં ઇન્ફેક્શનનું પ્રમાણ વધારે હશે એવા લોકોમાં કોરોનાનાં લક્ષણો જોવા મળી શકે છે અને આ રીતે સંક્રમણ ફેલાવાની શક્યતા રહેલી છે. હજી એક મહિનો આપણે અલર્ટ રહેવાની જરૂર છે. અત્યારે આપણી પાસે એવું કોઈ પ્રમાણ નથી જેના આધારે રિલૅક્સ થઈને બેસી શકીએ.’

દિલ્હીમાં જીવલેણ બીજી લહેર ત્યાંના લોકોમાં ૬૦ ટકાથી વધારે ઍન્ટિ-બૉડીઝ જોવા મળ્યા બાદ આવી હતી. શુક્રવારે જાહેર કરેલા પાંચમા સીરો સર્વેમાં મુંબઈના ૯૦.૨૬ ટકા ફુલ્લી-પાર્શિયલી વૅક્સિનેટેડ નાગરિકોમાં ઍન્ટિ-બૉડીઝની ઉપસ્થિતિ નોંધાઈ છે. નાગરિકોમાં રોગ-પ્રતિકારકતા અને તેમના લોહીમાં ઍન્ટિ-બૉડીઝની ઉપસ્થિતિ વિશેના સીરો પ્રિવેલન્સ સર્વેની વિગતો આ પ્રમાણે છે:

- એકંદરે ૮૬.૬૪ ટકા સીરો પ્રિવેલન્સ નોંધાયું છે. ઝૂંપડપટ્ટીઓમાં ૮૭.૦૨ ટકા અને એ સિવાયના વિસ્તારોમાં ૮૬.૨૨ ટકા સીરો પ્રિવેલન્સ નોંધાયું છે.

- સીરો પ્રિવેલન્સ પુરુષોમાં ૮૫.૦૭ ટકા અને મહિલાઓમાં ૮૮.૨૯ ટકા નોંધાયું છે.

- સર્વેમાં સામેલ નાગરિકોમાંથી ૬૫ ટકાએ વૅક્સિન લીધી હતી અને ૩૫ ટકાએ વૅક્સિનનો એક પણ ડોઝ લીધો નહોતો.

- ફુલ્લી અને પાર્શિયલી વૅક્સિનેટેડ નાગરિકોમાંથી ૯૦.૨૬ ટકા લોકોમાં સીરો પ્રિવેલન્સ એટલે કે લોહીમાં ઍન્ટિ-બૉડીઝની ઉપસ્થિતિ છે.

- ઍન્ટિ-કોવિડ વૅક્સિન ન લીધી હોય એવા ૭૯.૮૬ ટકા નાગરિકોમાં સીરો પ્રિવેલન્સ નોંધાયું છે.

- સૅમ્પલ્સમાં ૨૦ ટકા હેલ્થકૅર વર્કર્સના હતા. હેલ્થકૅર વર્કર્સમાંથી ૮૭.૧૪ ટકામાં સીરો પ્રિવેલન્સ નોંધાયું છે.

- સર્વેમાં ઉંમરના તફાવત અનુસાર સીરો પ્રિવેલન્સ ૮૦ ટકાથી ૯૧ ટકા વચ્ચે નોંધાયું છે.

mumbai mumbai news coronavirus covid19 covid vaccine vaccination drive brihanmumbai municipal corporation