વરસાદની ખોટી આગાહી નવરાત્રિમાં આશીર્વાદરૂપ નીવડી

30 September, 2019 11:28 AM IST  |  મુંબઈ

વરસાદની ખોટી આગાહી નવરાત્રિમાં આશીર્વાદરૂપ નીવડી

બોરીવલી-વેસ્ટમાં ફાલ્ગુની પાઠકના ગરબાના તાલે ઝૂમતા ખેલૈયાઓ.

શહેરમાં વરસાદ પડવાની હવામાન વિભાગની ખોટી આગાહી ખૈલેયાઓ માટે આશીર્વાદરૂપ નીવડતાં ગઈ કાલથી શરૂ થયેલા નવરાત્રોત્સવના પહેલા દિવસે ખૈલેયાઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા હતા. પહેલું નોરતું રવિવારે શરૂ થતું હોવાથી ગરબે રમવા થનગની રહેલા રાસરસિયાઓની થાકીને લોથપોથ થઈ જવાય ત્યાં સુધી રાસ-ગરબા લેવાની ઈચ્છા પૂરી થઈ હતી. શહેરના લગભગ તમામ સાર્વજનિક નવરાત્રોત્સવના આયોજનમાં મોટી સંખ્યામાં લોકો ઊમટવાથી આ વખતની નવરાત્રિની સારી શરૂઆત થઈ હતી. નવરાત્રિમાં યુવતી-મહિલાઓ સજીધજીને રાસગરબા રમવા મોડે સુધી શહેરભરમાં ઘરની બહાર નીકળતાં હોવાથી તેમની છેડતી કરનારા રોમિયો પર નજર રાખવા મુંબઈ પોલીસ દ્વારા સ્પેશ્યલ સ્ક્વૉડ બનાવાઈ છે. એ સિવાય નવ રાતના તહેવારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

માતાની આરાધનાની નવરાત્રિમાં મુંબઈ સહિત આસપાસના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે સિવિલ ડ્રેસમાં પોલીસ દ્વારા છેડતી કરનારાઓ પર નજર રાખવાની ગોઠવણ કરવામાં આવી છે. સાર્વજનિક નવરાત્રોત્સવના દરેક આયોજન સ્થળે ભીડ પર નિયંત્રણ રાખવા પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

ગુજરાતીઓના ગઢ ઉત્તર મુંબઈમાં નવરાત્રિનાં સૌથી વધુ આયોજન કરાયાં છે. આ વિસ્તારના ઝોન-૧૧ના ડીસીપી મોહન દહીકરે કહ્યું હતું કે ‘ગઈ કાલથી શરૂ થયેલી નવરાત્રિમાં સિક્યૉરિટી તથા કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટે અમે દરેક વ્યવસ્થા કરી છે. રાસ-ગરબાના આયોજન સ્થળે છેડતીના બનાવ ન બને એવા અમારા પ્રયાસ હશે. આમ છતાં આવા લોકો સામે કડક પગલાં લેવામાં આવશે.’

દરેક મોટા નવરાત્રિ આયોજન સ્થળે મેદાનની અંદર અને બહારના ભાગમાં સીસીટીવી કૅમેરાની મદદથી પોલીસ દ્વારા નજર રખાશે. પોલીસ દ્વારા વિવિધ સ્થળે પેટ્રોલિંગ કરવાની સાથે ઍન્ટિ-રોમિયો સ્ક્વૉડ પણ આવી ઘટનાઓ પર બાજનજર રાખશે.

ઝોન-૧૨ના ડીસીપી ડૉ. ડી. એસ. સ્વામીએ જણાવ્યું હતું કે ‘પુરુષ અને મહિલા પોલીસ સાદા કપડામાં દરેક નવરાત્રિના આયોજન સ્થળે નવે-નવ દિવસ હાજર રહેશે. આ સિવાય મોડી રાત સુધી અસામાજિક તત્વો પર નજર રાખવા પેટ્રોલિંગ વધારવામાં આવશે.’

આ પણ જુઓ : ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

વાશી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અનિલ દેશમુખે કહ્યું હતું કે ‘આ વિસ્તારમાં ચાર મોટી નવરાત્રિનું આયોજન કરાયું છે. અહીં એન્ટિ રોમિયો સ્ક્વૉડનો બંદોબસ્ત કરાયો છે. રાસરસિયાઓની સલામતી માટે અમે દરેક નવરાત્રિ મંડળોને પંડાલની અંદર અને પ્રાઈમ લોકેશન પર સીસીટીવી કૅમેરા મૂકવાનું કહ્યું હતું.’

mumbai mumbai news navratri falguni pathak