મુંબઈના માનીતા બાપ્પા ઇઝ બૅક

02 August, 2021 08:18 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

કોરોનાને લીધે ગયા વર્ષે બ્રેક લીધા બાદ આ વર્ષે લાલબાગચા રાજાની પધરામણી તો થશે, પણ મૂર્તિ ચાર ફુટની હશે અને દર્શન ઑનલાઇન

લાલબાગચા રાજાની ફાઈલ તસવીર

મુંબઈના લાડકા બાપ્પાની પધરામણી થઈ રહી છે ત્યારે સારા સામાચાર છે. ગયા વર્ષે કોવિડ-19ના કારણે ૮૬ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર લાલબાગચા રાજાની પધરામણી નહોતી કરાઈ અને બ્લડ ડોનેશન કૅમ્પ તથા પ્લાઝામા ડોનેશન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ વખતે મંડળે સરકારના કોરોનાના નિયમોમાં રહીને લાલબાગચા રાજાની પધરામણી કરવાનો નિર્ણય લીધો છે. ગણપતિબાપ્પાનું સ્વરૂપ સિંહાસન પર આરૂઢ થયેલા છે એ જ રહેશે, પણ મૂર્તિ ચાર ફૂટની રહેશે. ભક્તો માટે ઑનલાઇન દર્શનની વ્યવસ્થા કરવામાં આવશે. ભક્તોએ પ્રત્યક્ષ દર્શન માટે ન આવવું એવું આહવાન મંડળ દ્વારા કરવામાં આવ્યું છે.

લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળના અધ્યક્ષ બાળાસાહેબ કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વર્ષે અમે લાલબાગચા રાજાની પધરામણી કરવાના છીએ. જોકે ઉજવણી સરકારી નિયમો અંતર્ગત રહીને જ કરાશે. આરતી-પૂજા થશે, પણ ભક્તો રાજાનાં દર્શન કરી શકે એ માટે ઑનલાઇન દર્શનની વ્યવસ્થા કરવામાં આવશે. પ્રત્યક્ષ દર્શન બંધ રહેશે. દર વર્ષે રાજાની ૧૮ ફૂટ ઊંચી મૂર્તિ જૂન-જુલાઈમાં એ જ સ્થળે પાદપૂજન કરીને બનાવવામાં આવતી હોય છે. આ વર્ષે મૂર્તિ ત્યાં જ બનાવવી કે પછી બહાર બનાવીને લાવવી એ બાબતે હજી મંડળે નિર્ણય કર્યો નથી. ટૂંક સમયમાં એનો પણ નિર્ણય લેવાશે. એ જ રીતે ભક્તોએ કોઈ વસ્તુ ભેટ ચડાવવી હોય તો એ માટે કઈ રીતે વ્યવસ્થા કરવી અને બાપ્પાના વિસર્જન બાબતનો નિર્ણય પણ ટૂંક સમયમાં મંડળની મીટિંગમાં લેવામાં આવશે. ’

લાખો ભક્તો અને કરોડોની ભેટ ધરાવતા લાલબાગચા રાજાની આ વર્ષે પધરામણી થશે એ જાણીને ભક્તોમાં આનંદ છે. ઘણા શ્રદ્ધાળુઓ તેમની માનતા રાખતા હોય છે. એની પણ દર વર્ષે અલગ લાઇન હોય છે. સામાન્ય સંજોગોમાં ૨૪ કલાક દર્શનની સુવિધા હોવાથી અદમ્ય ઉત્સાહ રહેતો હતો. ગયા વર્ષના વિરામ બાદ ફરી એક વખત રાજાની પધરામણીના સમાચાર મળતાં ભક્તોમાં આનંદ છવાઈ ગયો છે અને ઍટ લીસ્ટ ઑનલાઇન દર્શન કરવા મળશે એ જાણવા મળતાં તેમને હાશકારો થયો છે.

mumbai mumbai news ganesh chaturthi lalbaugcha raja bakulesh trivedi