ફિટનેસ કે ચીટનેસ સેન્ટર?

03 November, 2019 08:23 AM IST  |  મુંબઈ | જયદીપ ગણાત્રા

ફિટનેસ કે ચીટનેસ સેન્ટર?

ફિટનેસ કે ચીટનેસ સેન્ટર?

મુંબઈ શહેરના એક પ્રખ્યાત ફિટનેસ સેન્ટરે એના મેમ્બરો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મેમ્બરો પાસેથી મેમ્બરશિપને બહાને હજારો રૂપિયા લઈને માલિકોએ ફિટનેસ સેન્ટર શરૂ ન કરતાં મેમ્બરોમાં રોષ ભભૂક્યો હતો. છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની જાણ થતાં મેમ્બરોએ વી. પી. રોડ પોલીસ-સ્ટેશનમાં આ સંદર્ભે ફરિયાદ નોંધાવી છે. વી. પી. રોડ પોલીસે ફિટનેસ સેન્ટરના માલિકો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
શહેરમાં અનેક ઠેકાણે ‘વાયએફસી’ લાઇવ ફિટ ફિટનેસ ક્લબ છે. કહેવાય છે કે બૉલીવુડની હસ્તીઓ પણ આ ક્લબમાં મેમ્બર છે. ત્રણ વર્ષથી ઑપેરા હાઉસનું સેન્ટર અચાનક જ બંધ કરીને ત્રણેક મિનિટના અંતરે આવેલા રાજારામ મોહનરાય રોડ પરના ચર્ચ નજીક ખસેડવામાં આવ્યું. અહીં જૂના મેમ્બરોને રિન્યુઅલ અને નવા મેમ્બરો બનાવવામાં આવ્યા, પણ આ જગ્યાએ પણ સેન્ટર શરૂ ન થઈ શક્યું. આ ફિટનેસ સેન્ટરનું મોટું નામ હોવાથી દક્ષિણ મુંબઈના અનેક રહેવાસીઓએ ૧૨થી ૧૫ હજાર રૂપિયા ભરીને વર્ષની મેમ્બરશિપ લીધી હતી. જોકે બીજી જગ્યાએ પણ સેન્ટર શરૂ ન થઈ શક્યા બાદ માલિકોએ ગ્રાન્ટ રોડ નજીકના શાલીમાર ટૉકીઝના બેઝમેન્ટમાં સેન્ટર શરૂ કરવામાં આવ્યું હોવાનું મેમ્બરોને જણાવ્યું હતું. મેમ્બરોએ ત્યાં જઈને તપાસ કરી તો અહીં પણ સેન્ટર ખૂલ્યું નહોતું. આને આધારે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું મેમ્બરોને જણાતાં પોલીસ-ફરિયાદ નોંધાવી હતી.
વી. પી. રોડ પોલીસ-સ્ટેશનમાં અંદાજે પંચાવન જેટલા મેમ્બરોએ સેન્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે અનેકનાં નિવેદન નોંધીને ફિટનેસ સેન્ટરના માલિકો રિઝવાન મોઇનુદ્દીન સૈયદ અને મનીષા રિઝવાન સૈયદ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો.
ઠાકુરદ્વારમાં રહેતા અને વાયએફસી ફિટનેસ સેન્ટર દ્વારા છેતરપિંડીનો ભોગ બનેલા ફરિયાદી હિતેશ વસાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં મારી બે દીકરી અને મારી એક સંબંધીની દીકરીની મેમ્બરશિપ લીધી હતી. ત્રણેક વર્ષથી ઑપેરા હાઉસના સેન્ટ્રલ પ્લાઝા નજીક આ ફિટનેસ ચાલી રહ્યું હતું અને અનેક લોકો આ સેન્ટરમાં જતા હોવાથી અમને એવો ખ્યાલ નહોતો કે અમારી સાથે આવું બનશે. ૪ ઑગસ્ટે મેં નવી જગ્યાએ એટલે કે રાજારામ મોહનરાય નજીકના ચર્ચ પાસે ખોલવામાં આવેલા સેન્ટરમાં જઈને પૂછપરછ કરી હતી. પૂછપરછ કરી એના બીજા જ દિવસે સેન્ટરનો કર્મચારી મારી દુકાને મેમ્બર-ફીના પૈસા લેવા પહોંચી ગયો હતો. ફી ભર્યા બાદ અમને ૧૦ ઑગસ્ટે સેન્ટરમાં આવવાનું કહેવામાં આવ્યું હતું. ૧૦ ઑગસ્ટે જઈને જોયું તો સેન્ટર શરૂ નહોતું થયું. જેમ તેમ કરીને ઑગસ્ટ મહિનાનો સમય કાઢી નાખવામાં આવ્યા બાદ અમને ગ્રાન્ટ રોડ નજીક સેન્ટર ખોલવામાં આવ્યું હોવાની જાણ કરવામાં આવી હતી. જોકે અમારે ગ્રાન્ટ રોડ જવું નહોતું, એટલે રિઝવાન સૈયદે અમને પૈસા પાછા લઈ જવાનું કહ્યું હતું. જોકે આજે બે મહિના વીતી ગયા, પણ હજી સુધી એકેય ફદિયું આપ્યું નથી અને હવે તો રિઝવાન સૈયદ ફોન પણ નથી ઉપાડતા.’
ગ્રાન્ટ રોડમાં રહેતો દ્વીપ શાહ પણ ત્રણ વર્ષથી મેમ્બર હતો અને તેણે એપ્રિલમાં રિન્યુઅલની ફી ભરી એ પછી સેન્ટર શિફ્ટિંગ થઈ રહ્યું હોવાનું જ ગાણું ગાવામાં આવી રહ્યું છે. સી. પી. ટૅન્કમાં રહેતા અમિત ગડિયા, ગોળ દેવળમાં રહેતા દીપક વૈષ્ણવ સહિત અનેક લોકોએ મેમ્બરશિપ ફી ભરી છે અને તેઓને પણ અન્ય લોકોની જેમ સેન્ટરના માલિકો દ્વારા વાયદા જ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ફિટનેસ સેન્ટરમાં કસરત કરવા અને ફિટ રહેવા માટેનાં પૂરતાં સાધનો હોવાનું કહેવામાં આવ્યું હતું, પણ આ વિશે પણ માત્ર વાયદા જ કરવામાં આવ્યા હોવાની ફરિયાદ મેમ્બરોએ કરી છે.
વી. પી. રોડ પોલીસ-સ્ટેશનના વરિષ્ઠ અધિકારી ગુલાબરાવ મોરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પાસે અનેક લોકોએ વાયએફસી ફિટનેસ સેન્ટરના માલિકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અત્યાર સુધી અમારી પાસે પંચાવન જણે ફરિયાદ કરી છે અને હજી વધુ ફરિયાદ આવી શકે છે. અમે ફરિયાદીઓનાં નિવેદન નોંધી રહ્યા છીએ. હાલમાં અમે રિઝવાન સૈયદ અને મનીષા સૈયદ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. આ વિશે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.’

આ પણ જુઓઃ મિત્ર ગઢવીની આગામી ફિલ્મનું શૂટ થયું પૂર્ણ, જાણો ફિલ્મ વિશે બધું જ તસવીરો સાથે....

એકાદ મહિના પહેલાં જ્યારે ફિટનેસ સેન્ટરના માલિક રિઝવાન સૈયદનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે અમે જે મેમ્બરોને ફિટનેસ સેન્ટરમાં જોડાવું હોય તે ગ્રાન્ટ રોડ આવી શકે છે અને જેમને પૈસા જોઈતા હોય તેમને અમે પૈસા પાછા આપવા તૈયાર છીએ. જોકે રિઝવાન સૈયદે જે મેમ્બરોને ચેકમાં પૈસા પાછા આપ્યા છે તેઓના ચેક બાઉન્સ થયા હોવાની ફરિયાદ અનેક ઠેકાણે કરવામાં આવી છે. પોલીસ-સ્ટેશનમાં ફિટનેસ સેન્ટરના માલિકો રિઝવાન અને મનીષા સૈયદ વિરુદ્ધ ગુનો નોંધાયો એ પછી ‘મિડ-ડે’એ તેમનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પણ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.

mumbai grant road