વધુ વરસાદ પડ્યો તો ગયા વર્ષ જેવી હાલત થવાનો ડર વસઈ-વિરારના લોકોમાં

27 June, 2020 08:04 AM IST  |  Mumbai | Diwakar Sharma

વધુ વરસાદ પડ્યો તો ગયા વર્ષ જેવી હાલત થવાનો ડર વસઈ-વિરારના લોકોમાં

ગયા વર્ષે વસઈ-વિરારમાં પૂર આવ્યું હતું

રાજ્યમાં ચોમાસું હજી પૂરેપૂરું જામ્યું નથી, પણ જ્યારે જામશે ત્યારે શું હાલત થશે એ વિચારમાત્રથી વસઈ-નાલાસોપારા-વિરારના લોકો ફફડી રહ્યા છે. એક તો કોરોનાનો માર તો ખરો જ અને સાથે ભારે વરસાદમાં પાણી ભરાઈ જવાનો ડર. ગયા વર્ષે વસઈ-વિરાર વિસ્તારોમાં ચોમાસામાં ભયંકર પાણી ભરાયાં હતાં અને એ પાણી ઝડપથી ઊતર્યાં પણ નહોતાં.

મહામારીનો માર સહન કરી રહેલા વસઈ-નાલાસોપારા-વિરારવાસીઓએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ગ્રાઉન્ડ ફ્લોરના રહેવાસીઓનાં ઘર પાણીમાં ડૂબી ગયાં હતાં અને લાખો રૂપિયાના માલ-સામાનને નુકસાન પહોંચ્યું હતું.

જોકે પાલિકાના સત્તાધિકારીઓએ દાવો કર્યો હતો કે તમામ મોટાં નાળાં, ખાડી, ગરનાળાં વગેરે સાફ કરી દેવામાં આવ્યાં છે.

સંદીપ ટેમ્ભેકર નામના રહેવાસીનો ક્રિષ્ના ટાઉનશિપમાં આવેલો આનંદ ધામ ખાતેનો ગ્રાઉન્ડ ફ્લોર પરનો ફ્લૅટ ગયા વર્ષે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સંદીપે કહ્યું‍ કે ‘ગયા વર્ષે મારું ફર્નિચર તથા અન્ય માલ-સામાન મારા ફ્લૅટની અંદર તરી રહ્યાં હતાં. વરસાદનાં પાણી ત્રણ દિવસ કરતાં વધુ સમય સુધી રહ્યાં હતાં. મારે બધું ફર્નિચર નવેસરથી બનાવવું પડ્યું હતું, જે માટે દોઢ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો અને સરકારે ઘરદીઠ માત્ર ૧૫,૦૦૦ રૂપિયાની રાહત-સહાય પૂરી પાડી હતી. અમારામાંથી મોટા ભાગના લોકો નોકરીવિહોણા છે. આ નાણાકીય કટોકટી વચ્ચે અમને બીજું નુકસાન પરવડી શકે એમ નથી.’

આનંદ ધામ બિલ્ડિંગના ચૅરમૅન પ્રદીપ સૂર્યકાંત દાંડેકરે જણાવ્યું કે ‘હું છેલ્લાં ૨૦ વર્ષથી અહીં રહું છું અને અમને કદી પાણી ભરાવાની સમસ્યાનો સામનો નથી કરવો પડ્યો, પરંતુ ક્રિષ્ના ટાઉનશિપમાં પાર્ક બનાવવા માટે સોપારા ખાડીનું લેવલ ઊંચું કરવામાં આવ્યું છે. ખાડીના કુદરતી પ્રવાહમાં થયેલા આ વિક્ષેપને કારણે પાણી ભરાવાની તથા પૂરની સમસ્યા ઉદ્ભવી છે.’

નૅશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (એનઈઈઆરઆઇ-નીરી)ના નિષ્ણાતોને પાણી ભરાવાનું કારણ શોધવાનું કામ વસઈ-વિરાર પાલિકાએ સોંપ્યું હતું, પણ તેમના દ્વારા કરાયેલાં સૂચનોને અવગણવામાં આવ્યાં છે એવો આક્ષેપ કરતાં યશસ્વી ફાઉન્ડેશનના પ્રમુખ મિલિંદ શિવરામ ચવાણ કહે છે કે સોપારા ખાડી પરનાં અતિક્રમણો તથા એના ગેરકાયદે લેવલિંગ કામને કારણે પાણી ભરાય છે.

અમારામાંથી મોટા ભાગના લોકો નોકરીવિહોણા છે. આ નાણાકીય કટોકટી વચ્ચે અમને બીજું નુકસાન પરવડી શકે એમ નથી.

- સંદીપ ટેમ્ભેકર, રહેવાસી

નીરી દ્વારા એપ્રિલમાં મહત્ત્વની ભલામણો કરવામાં આવી હતી અને આના અમલ માટેનો કુલ ખર્ચ ૩૦૦ કરોડ રૂપિયા આવે એમ છે. આ કામ તબક્કાવાર કરવામાં આવશે. જોકે ૨૦૦ મિમીથી વધુ વરસાદ હાઇટાઇડના સમયે પડે તો મુશ્કેલી સર્જાઈ શકે છે.
- રાજેન્દ્ર લાડ, વસઈ-વિરાર પાલિકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર

vasai virar mumbai rains mumbai monsoon coronavirus covid19 lockdown mumbai news diwakar sharma