એસએસસીના ‌રિપીટર્સનું એક વર્ષ નકામું જશે?

08 August, 2020 06:59 AM IST  |  Mumbai | Mumbai correspondent

એસએસસીના ‌રિપીટર્સનું એક વર્ષ નકામું જશે?

પ્રતીકાત્મક તસવીર

કોરોના મહામારીના કારણે આ વર્ષે એસએસસીનું ‌રિઝલ્ટ મોડું જાહેર થયું હતું. જોકે હવે અગિયારમા ધોરણના પ્રવેશને લઈને ઑનલાઇન પ્ર‌ક્રિયા હાથ ધરાઈ રહી છે, જ્યારે બીજી બાજુ એસએસસીની પરીક્ષામાં નાપાસ થયેલા ‌વિદ્યાર્થીઓની રીએક્ઝામ ક્યારે થશે એવો પ્રશ્ન ‌વિદ્યાર્થીઓ સામે ઊભો થયો છે. ‌શિક્ષણ‌વિભાગ દ્વારા પુનઃ પરીક્ષા ‌વિશે કોઈ જાહેરાત થઈ ન હોવાથી ‌‌રિપીટર ‌વિદ્યાર્થીઓ વર્ષ નકામું તો નહીં જાયને એ ‌ચિંતામાં જોવા મળી રહ્યા છે. કોરોના મહામારીને લીધે નાપાસ થયેલા ‌વિદ્યાર્થીઓની એક્ઝામ કઈ રીતે લેવી એ ‌મૂંઝવણમાં ‌શિક્ષણ‌‌વિભાગ પોતે જોવા મળી રહ્યો છે.

વિશેષ ‌‌નિર્ણય લેવાની જરૂર

ટીચર્સ ‌ડેમોક્રેટ‌િક ફ્રન્ટના ઉપાધ્યક્ષ રાજેશ પંડ્યાએ ‘‌મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દર વર્ષે એસએસસીના ‌‌રિઝલ્ટ જાહેર થવાની સાથે તરત જ બોર્ડ દ્વારા યોજનાબધ્ધ રીતે નાપાસ થયેલા ‌વિદ્યાર્થીઓ માટે પણ પુનઃપરીક્ષાની વ્યવસ્થાનું ટાઇમટેબલ જાહેર કરવામાં આવતું હોય છે. પરંતુ આ વર્ષે રિઝલ્ટ પણ મોડું જાહેર થયું છે. દર વર્ષે નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પુનઃપરીક્ષાનું આયોજન સપ્ટેમ્બર મ‌હિનાના અંત સુધી થઈ જતું હોય છે, જેના લીધે આ ‌‌રિપીટર ‌વિદ્યાર્થીઓ ‌અગિયારમીમાં યોગ્ય રીતે પ્રવેશ મેળવી શકતા હોય છે. ત્રણ ‌વિષયમાં નાપાસ થયેલા ‌વિદ્યાર્થી નાપાસ હોવા છતાં અ‌ગિયારમીમાં પ્રવેશ મળતો હોય છે. પરંતુ નાપાસ થયેલા ‌વિષયની પરીક્ષા તો આપવી જ પડતી હોય છે જેથી વધુ ‌વિલંબ ન થાય એ માટે બોર્ડે ટાઇમટેબલ અને ફૉર્મ ભરવાની તારીખો વહેલી જાહેર કરવાનું જરૂરી છે.’

રાજ્ય સરકારનું કહેવું છે?

આ ‌વિશે મહારાષ્ટ્ર રાજ્યનાં ‌‌શિક્ષણપ્રધાન વર્ષા ગાયકવાડે ‘‌મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘‌રિપીટર્સની એક્ઝામ ‌વિશે અમે ‌‌‌વિચારી રહ્યા છીએ. જોકે કોરોના મહામારી વચ્ચે એક્ઝામ કેવી રીતે લેવી એ ‌વિશે ચર્ચાઓ થઈ રહી છે. એથી આ મ‌હિનાના અંત સુધીમાં એસએસસીના ‌રિપીટર્સ માટેની પરીક્ષાને લઈને કોઈ ‌નિર્ણય લેવામાં આવશે.’

mumbai mumbai news maharashtra