બ્લાસ્ટનો અવાજ એટલો બધો જોરદાર હતો કે લોકો રસ્તા પર ભાગવા લાગ્યા

18 June, 2021 08:59 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

વેલ્ડિંગનું કામ થઈ રહ્યું હતું ત્યારે થયો દહાણુમાં ફડાકડાના યુનિટમાં બ્લાસ્ટ : ૧૦ લોકો જખમી

દહાણુ રોડ પર આવેલી વિશાલ ફટાકડાની ફૅક્ટરીમાં અચાનક ગઈ કાલે સવારે મોટો વિસ્ફોટ થયો હતો

પાલઘર જિલ્લાના દેહાણે ગામના વાણગાવ-દહાણુ રોડ પર આવેલી વિશાલ ફટાકડાની ફૅક્ટરીમાં અચાનક ગઈ કાલે સવારે મોટો વિસ્ફોટ થયો હતો. આ બનાવને કારણે ફૅક્ટરીના ૧૦ કામદારો બળીને ઈજાગ્રસ્ત થયા હતા. તેમને દહાણુની કૉટેજ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ બન્યો એ વખતે આ ફૅક્ટરી યુનિટમાં ૧૦૦થી વધુ કામદારો હાજર હતા. દુર્ઘટના બાદ દહાણુના વિધાનસભ્ય વિનોદ નિકોલે ઘટનાસ્થળની મુલાકાત લીધી ત્યારે તેમનું કહેવું હતું કે વેલ્ડિંગનું કામ હાથ ધરવામાં આવ્યું હતું, જેના કારણે આગ લાગી હોય એવું પ્રાથમિક કારણ લાગી રહ્યું છે. વિસ્ફોટ થતાં એટલો ભયંકર અવાજ થયો અને ધુમાડો બહાર આવવા લાગ્યો કે આસપાસ રહેતા લોકો ઘરમાંથી બહાર આવીને છેક દોઢ-બે કિલોમીટર સુધી રસ્તા પર ભાગવા લાગ્યા હતા.  ઘટનાસ્થળની મુલાકાત લેનાર વિનોદ નિકોલેએ કહ્યું હતું કે ‘આશરે ૨૫ વર્ષ જૂનું આ યુનિટ છે અને આ એકમાત્ર ફૅક્ટરી છે જે દહાણુમાં છે. દુર્ઘટનામાં વિસ્ફોટનો અવાજ એટલો મોટો હતો એ સ્થળથી આશરે ૧૫ કિલોમીટર દૂર સુધી અવાજ સંભળાયો હતો. યુનિટમાં ફટાકડા હોય ત્યારે વેલ્ડિંગની જરૂર નહોતી. જોકે સ્પાર્ક થવાથી આગ લાગી હતી. વિસ્ટોફનો અવાજ સાંભળીને લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.’

દુર્ઘટના બાદ દહાણુ મ્યુનિસિપલ કાઉન્સિલ અને અદાણી થર્મલ પાવર સ્ટેશનનાં બે ફાયર ટેન્ડર આગ ઓલવવાનું કામ કરી રહ્યાં હતાં, પરંતુ જોરદાર પવન અને વરસાદને કારણે કામમાં અડચણ આવી રહી હતી. ડીવાયએસપી દત્તા નલાવડે અને તેમની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં. ફૅક્ટરીના ફટાકડાનો સામાન ઊડીને છેક બહારના રસ્તા સુધી આવ્યો હતો. દુર્ઘટના વખતે યુનિટમાં ૧૦૦થી વધુ મહિલાઓ અને પુરુષો ઉપસ્થિત હતાં. નવીન લોટે નામનો મજૂર ગંભીર રીતે જખમી થયો હોવાથી તે ૫૦ ટકા દાઝી ગયો હતો અને તેને વાપીની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દહાણુનાં સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ (એસડીએમ) અસીમા મિત્તલે પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. વરસાદને કારણે શેડ નાખવાનું કામ ચાલી રહ્યું હોવાથી વેલ્ડિંગ કરાઈ રહ્યું હતું. એથી વેલ્ડિંગના સ્પાર્કના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. જોકે દુર્ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

ધરતીકંપ જેવો અનુભવ થયો
દહાણુના તહસીલદાર રાહુલ સારંગે કહ્યું હતું કે ‘આ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે એનું વાઇબ્રેશન ફૅક્ટરીથી ઘણે લાંબે સુધી અનુભવાયું હતું. બારીઓ પણ હાલવા લાગી હતી. પહેસાં તો બધાને એવું લાગ્યું કે ધરતીકંપ આવ્યો છે, પરંતુ ત્યાર બાદ આ બનાવ વિશે જાણવા મળ્યું હતું.’

મોટા પ્રમાણમાં ફટાકડાનો સ્ટૉક
એસડીએમ અસીમા મિત્તલે જણાવ્યું હતું કે ‘યુનિટને આટલા મોટા પ્રમાણમાં ફટાકડા રાખવાની પરવાનગી અપાઈ હતી કે કેમ અને ફાયર સેફ્ટીનાં પગલાં લેવાયાં હતાં કે નહીં એની તપાસ કરાશે. યુનિટના માલિક નરેશ કર્ણાવત સામે એફઆઇઆર નોંધવાની પ્રક્રિયા દહાણુ પોલીસે હાથ ધરી છે.’ 

બનાવ વખતે માલિક નરેશ યુનિટમાં ઉપસ્થિત નહોતો, કારણ કે તે હૉસ્પિટલમાં દાખલ હતો. જોકે તેના સંબંધીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. છ ઍમ્બ્યુલન્સ દ્વારા જખમીઓને હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. 

mumbai mumbai news palghar dahanu preeti khuman-thakur