મુંબઈ : પશ્ચિમ રેલવે દાદર-અમદાવાદ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે

19 December, 2020 07:33 AM IST  |  Mumbai

મુંબઈ : પશ્ચિમ રેલવે દાદર-અમદાવાદ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે

પ્રતીકાત્મક તસવીર

પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે દાદર-અમદાવાદ વચ્ચે ગુજરાત મેલ સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. આગામી નોટિસ સુધી આ સ્પેશ્યલ ટ્રેન દાદર-અમદાવાદ-દાદર વચ્ચે દરરોજ દોડાવાશે.

પશ્ચિમ રેલવેના ચીફ પીઆરઓ સુમીત ઠાકુરે ઇશ્યુ કરેલી અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ટ્રેન-નંબર ૦૯૨૦૧ દાદર-અમદાવાદ સ્પેશ્યલ ટ્રેન ૨૨ ડિસેમ્બરથી દરરોજ રાતે ૯.૪૦ વાગ્યે દાદરથી રવાના થશે અને બીજા દિવસે વહેલી સવારે ૫.૫૫ વાગ્યે અમદાવાદ પહોંચશે.

આ જ રીતે ટ્રેન નંબર ૦૯૨૦૨ અમદાવાદ-દાદર સ્પેશ્યલ ટ્રેન ૨૧મીએ રાતે ૧૦.૫૦ વાગ્યે અમદાવાદથી રવાના થશે અને બીજા દિવસે સવારે ૬.૧૫ વાગ્યે દાદર પહોંચશે.

આ ટ્રેન બોરીવલી, દહાણુ રોડ, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, મહેમદાવાદ અને મણિનગર સ્ટેશને ઊભી રહેશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી-ટૂ ટિયર, એસી થ્રી ટિયર સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ રહેશે.

૦૯૨૦૧ અને ૦૯૨૦૨નું બુકિંગ ૨૦ ડિસેમ્બરથી નિર્દિષ્ટ પીએસઆર કાઉન્ટર પર અને આઇઆરસીટીસી વેબસાઇટ પરથી મળી શકશે. આ ટ્રેનો ફુલ્લી રિઝર્વ્ડ ટ્રેન હશે.

mumbai railways indian railways western railway dadar ahmedabad