31 July, 2026 11:23 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
આજે એટલે કે, શુક્રવારે સવારે મુંબઈ (Mumbai) માં વાદળછાયું વાતાવરણ, હળવો વરસાદ અને ઝડપી પવન જોવા મળ્યો હતો, જેનાથી સમગ્ર શહેરમાં ચોમાસાની સ્થિતિ યથાવત રહી છે. ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department) એ આજે પણ વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરી છે, જેમાં મુંબઈમાં મધ્યમ વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ ભારે ઝાપટાં પડવાની શક્યતા (Mumbai Weather Updates) દર્શાવવામાં આવી છે.
હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, મુંબઈ શહેર અને તેના ઉપનગરોમાં આજે દિવસ દરમિયાન સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેશે અને ભારે વરસાદની સંભાવના છે. અમુક અલગ-અલગ વિસ્તારોમાં ક્યારેક-ક્યારેક ઝડપી પવન સાથે મધ્યમથી ભારે વરસાદી સ્પેલ આવી શકે છે. એટલે આજે, હવામાન વિભાગે શહેરમાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં (Yellow Alert in Mumbai) આવ્યું છે.
આજે શહેર અને ઉપનગરમાં વરસાદની તીવ્રતા દરમિયાન પવનની ઝડપ ૪૦ થી ૫૦ કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જે વધીને પવનના ઝાપટાં ૫૦-૬૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે, જ્યારે લઘુત્તમ તાપમાન ૨૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હવામાન વિભાગે આજે મુંબઈ અને પડોશી થાણે (Thane) જિલ્લા માટે ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે, જેમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
બીજી તરફ, પાલઘર (Palghar) અને રાયગઢ (Raigadh) જિલ્લાઓ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે, જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.
વીકેન્ડ દરમિયાન એટલે કે આવાનારા શનિવાર – રવિવાર દરમિયાન મુંબઈ માટે કોઈ હવામાન એલર્ટ જારી કરવામાં આવ્યું નથી, જોકે વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની ધારણા છે.
સતત પડી રહેલા ચોમાસાના વરસાદને કારણે શુક્રવારે સવારે મુંબઈની હવાની ગુણવત્તા (Air Quality) `સારી` (Good) શ્રેણીમાં જળવાઈ રહી હતી. સત્તાવાર આંકડા મુજબ, શહેરનો એકંદર એર ક્વોલિટી ઈન્ડેક્સ (Air Quality Index) ૩૬ નોંધાયો હતો. તમને જણાવી દઈએ કે, AQI વર્ગીકરણ હેઠળ, ૦ થી ૫૦ વચ્ચેનો સ્કોર `સારી` શ્રેણીમાં આવે છે, જે સામાન્ય જનતા માટે ન્યૂનતમ આરોગ્ય જોખમ સાથે સ્વચ્છ હવાનો નિર્દેશ કરે છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation) ના હાઇડ્રોલિક એન્જિનિયર વિભાગ (Hydraulic Engineer`s Department) દ્વારા શુક્રવાર, ૩૧ જુલાઈના રોજ સવારે ૬ વાગ્યે જાહેર કરવામાં આવેલા અહેવાલ મુજબ, મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત તળાવોમાં હાલમાં કુલ ૧૨,૮૨,૦૨૯ મિલિયન લિટર (ML) પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે તેમની કુલ ૧૪,૪૭,૩૬૩ ML જીવંત સંગ્રહ ક્ષમતાના ૮૮.૫૮ ટકા જેટલો થાય છે.