15 July, 2026 10:53 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
મુંબઈ (Mumbai)ના મુખ્ય શહેર અને ઉપનગરીય વિસ્તારોમાં બુધવારે સવારે હળવો વરસાદ (Mumbai Rains makes comeback) નોંધાયો હતો, જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલા ગરમ અને ભેજયુક્ત (બફારાવાળા) વાતાવરણમાંથી લોકોને મોટી રાહત મળી છે. ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department)એ આગાહી કરી છે કે આજે દિવસ દરમિયાન મુંબઈ શહેર અને ઉપનગરોમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને વચ્ચે-વચ્ચે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં (Mumbai Rains) પડી શકે છે.
દક્ષિણ મુંબઈના ભાયખલા (Byculla), ગિરગાંવ (Girgaon) અને પરેલ (Parel) સહિતના કેટલાક વિસ્તારો તેમજ ઘાટકોપર (Ghatkopar), અંધેરી (Andheri) અને ગોરેગાંવ (Goregaon) જેવા ઉપનગરોમાં સવારના સમયે વરસાદી ઝાપટાં પડ્યા હતા, જેને લીધે ભેજવાળા વાતાવરણથી (Mumbai Weather Today) લોકોને રાહત મળી હતી.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, મુંબઈમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડવાની સંભાવના છે.
બુધવારે સવારે મુંબઈનું લઘુત્તમ તાપમાન ૨૯ ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું, જ્યારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ૨૬ ડિગ્રી સેલ્સિયસથી ૩૨ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. ઓછી વરસાદી પ્રવૃત્તિ છતાં હવામાં ભેજનું પ્રમાણ ઊંચું રહેવાની ધારણા છે.
હવામાન વિભાગે મુંબઈ અને તેની આસપાસના જિલ્લાઓ માટે `યલો નાવકાસ્ટ વોર્નિંગ` (Yellow Nowcast Warning) જાહેર કરી છે.
૧૫ જુલાઈના રોજ સવારે ૪ વાગ્યે ત્રણ કલાકની સમયમર્યાદા માટે જારી કરાયેલી આ માર્ગદર્શિકા અનુસાર, મુંબઈ, ઠાણે (Thane), પાલઘર (Palghar), રાયગઢ (Raigadh), રત્નાગિરી (Ratnagiri) અને સિંધુદુર્ગ (Sindhudurg)ના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી. જોકે, દિવસ દરમિયાન કોઈ મોટી ચેતવણી આપવામાં આવી નથી, તેમ છતાં હવામાન વિભાગે નાગરિકોને હવામાનના પલટાતા મિજાજથી માહિતગાર રહેવા માટે નવીનતમ આગાહીઓ પર નજર રાખવાની સલાહ આપી છે.
બીજી તરફ, તાજેતરમાં પડેલા ચોમાસાના વરસાદને કારણે મુંબઈની હવાની ગુણવત્તા (Air Quality Index) અત્યંત ઉત્તમ સ્તરે પહોંચી ગઈ છે.
સત્તાવાર આંકડાઓ અનુસાર, બુધવારે સવારે મુંબઈનો એકંદર એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ૩૩ નોંધાયો હતો, જે `ગુડ` (સારી) શ્રેણીમાં આવે છે. પ્રમાણભૂત માપદંડ મુજબ, ૦ થી ૫૦ વચ્ચેનો એક્યુઆઈ (AQI) ઉત્તમ ગણાય છે, જે જાહેર સ્વાસ્થ્ય પર નહિવત અસર દર્શાવે છે.
આગામી દિવસોમાં પણ ચોમાસાની આવી જ સ્થિતિ રહેવાની શક્યતા હોવાથી, નાગરિકોને પોતાની સાથે છત્રી રાખવા અને તે મુજબ જ મુસાફરીનું આયોજન કરવાની સલાહ આપવામાં આવી છે; ખાસ કરીને ઓફિસ કે મુસાફરીના વ્યસ્ત સમય દરમિયાન, કારણ કે હળવા વરસાદી ઝાપટાંને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે અને ટ્રાફિક જામ (Mumbai Traffic)ની સમસ્યા સર્જાઈ શકે છે. જોકે, આ વરસાદથી તાજેતરના અસહ્ય ગરમી અને બફારામાંથી ઘણી રાહત મળી છે.