Mumbai Weather: આજે મુંબઈમાં હીટ વેવની ચેતવણી, પારો 39.7 ડિગ્રીએ પહોંચ્યો

17 April, 2024 07:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈમાં સતત બીજા દિવસે ગરમી (Mumbai Weather)નો પ્રકોપ યથાવત રહ્યો હતો. ઉપનગરોમાં મહત્તમ તાપમાન 39.7 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું. હવામાન વિભાગે બુધવાર માટે પણ હીટ વેવની ચેતવણી જાહેર કરી છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં સતત બીજા દિવસે ગરમી (Mumbai Weather)નો પ્રકોપ યથાવત રહ્યો હતો. ઉપનગરોમાં મહત્તમ તાપમાન 39.7 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું. હવામાન વિભાગે બુધવાર માટે પણ હીટ વેવની ચેતવણી જાહેર કરી છે. મંગળવારે ઉપનગરોમાં આ વર્ષનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. પ્રાદેશિક હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ મંગળવારે ઉપનગરોમાં મહત્તમ તાપમાન (Mumbai Weather) 39.7 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું, જે સામાન્ય કરતાં 6.3 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. રાત્રે પણ તાપમાન 27.5 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું જે સામાન્ય કરતાં 3 ડિગ્રી વધારે હતું.

હવામાન વિભાગ (Mumbai Weather)ના જણાવ્યા અનુસાર 19 એપ્રિલથી દિવસના તાપમાનમાં ઘટાડો થશે. વેધર સ્પેશિયલિસ્ટ ઋષિકેશ આગ્રે નવભારત ટાઈમ્સને જણાવ્યું હતું કે, “બુધવારથી દિવસનું તાપમાન લગભગ 3થી 4 ડિગ્રી સેલ્સિયસ ઘટશે, પરંતુ રાત્રે કોઈ રાહત નહીં મળે, રાત્રિનું તાપમાન 25થી 27 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે.”

હીટ વેવને કારણે મુંબઈમાં લોકો ડિહાઈડ્રેશન અને રાજ્યના અન્ય ભાગોમાં હીટ સ્ટ્રૉકથી પ્રભાવિત થઈ રહ્યા છે. જેજે હૉસ્પિટલના યુનિટ હેડ ડૉ. મધુકર ગાયકવાડે જણાવ્યું હતું કે, “ઘણા લોકો નબળાઈ, માથાનો દુખાવો, ઉબકા આવવાની ફરિયાદો સાથે આવે છે, આ ડિહાઈડ્રેશનને કારણે થઈ રહ્યું છે. તેમને જરૂરી ગોળીઓ લેવાની, શક્ય તેટલું વધુ પાણી પીવા અને સૂર્યપ્રકાશથી બચવાની સલાહ આપવામાં આવી રહી છે.”

હીટથી હાર્ટને ખતરો

સાથે જ પુણેના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સુશીલ કુમાર માલાણીએ જણાવ્યું હતું કે, “ગરમીના મોજાને કારણે થતા ડિહાઈડ્રેશનની સીધી અસર હૃદયની કામગીરી પર પડી શકે છે. ડિહાઇડ્રેશનથી હૃદય પર તાણ વધે છે, હૃદયના ધબકારા વધે છે અને બ્લડ પ્રેશર ઓછું થાય છે. તેનાથી હાર્ટને નુકસાન પણ થઈ શકે છે અને હાર્ટ એટેક પણ આવી શકે છે.

મહારાષ્ટ્રમાં માર્ચથી હીટ-સ્ટ્રોકના ૭૭ કેસ

પહેલી માર્ચથી ૧૨ એપ્રિલ સુધીના ૪૨ દિવસમાં મહારાષ્ટ્રમાં હીટ-સ્ટ્રોકના ૭૭ કેસ નોંધાયા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. ૭૭ કેસમાંથી ૩૬ કેસ ૪થી ૧૨ એપ્રિલના ૯ દિવસમાં નોંધાયા હતા અને આ સમયગાળા દરમ્યાન ગરમીનો પારો વધી ગયો હતો.

હીટ-સ્ટ્રોકની સ્થિતિમાં શું કરવું જોઈએ એ વિશે બોલતાં આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, “લોકોએ વધારે પ્રમાણમાં પાણી પીવું જોઈએ અને બને તો દર ૨૦ મિનિટે પાણી પીવું જોઈએ. ગરમીમાં કામ કરતા લોકોએ એક કલાકના કામ બાદ પાંચ મિનિટનો બ્રેક લેવો જોઈએ. ઉષ્ણતામાન ૩૮ ડિગ્રી સેલ્સિયસથી વધારે થાય તો કામ વગર બપોરે ૧૨થી ૩ વાગ્યા સુધી ઘરની બહાર નીકળવું ન જોઈએ. આ સમયે બહાર નીકળવાથી ૧૫ મિનિટમાં શરીરનું તાપમાન વધી જાય છે.”

mumbai weather Weather Update mumbai mumbai news indian meteorological department