23 May, 2024 12:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ અને મુલુંડના કેટલાક વિસ્તારોમાં શુક્રવાર રાતે ૧૧ વાગ્યાથી શનિવારે રાતે ૧૧ વાગ્યા દરમ્યાન પાણીની સપ્લાય નહીં થાય.
ગોરગામ-મુલુંડ લિન્ક રોડ પર મુલુંડમાં બ્રિજ બનાવવાનો છે અને એના પાયા જ્યાં નાખવાના છે ત્યાં મુલુંડ-વેસ્ટમાં ફોર્ટિસ હૉસ્પિટલ પાસે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ૧૨૦૦ મિલીમીટર વ્યાસવાળી પાણીની મુખ્ય પાઇપલાઇન વચ્ચે આવી રહી છે. એથી એને ૧૨૦૦x૧૨૦૦ મિલીમીટરની પાઇપનું ક્રૉસ કનેક્શન આપીને ખસેડવાની છે. એથી આ કામ માટે પાણીની સપ્લાય ૨૪ કલાક માટે રોકવામાં આવી છે.
આ સમય દરમ્યાન વિક્રોલી ગાંવ (ઈસ્ટ), ગોદરેજ પ્રૉપર્ટીઝ અને ગોદરેજ હૉસ્પિટલ વિસ્તારમાં પાણી નહીં આવે. ભાંડુપના નાહુર વિલેજ (ઈસ્ટ), ભાંડુપ-ઈસ્ટ, આખું ટાગોરનગર અને કન્નમવરનગર બિલ્ડિંગ નંબર ૧થી ૩૨; મુલુંડ–ગોરેગામ લિન્ક રોડની બન્ને તરફનો વિસ્તાર; મુલુંડ-વેસ્ટમાં ઍશફોર્ડ ટાવર, રુણવાલ ટાવર, ફોર્ટિસ હૉસ્પિટલ વિસ્તાર, LBS રોડ સહિત મુલુંડ-વેસ્ટનો મોટા ભાગનો વિસ્તાર; ભાંડુપ સોનાપુર, જંગલમંગલ રોડ, ટૅન્ક રોડ, મહારાષ્ટ્રનગર, કોંકણનગર, સહ્યાદ્રિનગર, ક્વેરી રોડ અને અન્ય વિસ્તારોમાં પાણીની સપ્લાય નહીં થાય.
મીરા-ભાઈંદરને પાણી પૂરી પાડતી મેઇન પાઇપલાઇનનું મેઇન્ટેનન્સ અને સમારકામ કરવાનું હોવાથી ગુરુવારે રાતે ૧૨ વાગ્યાથી શુક્રવાર રાતે ૧૨ વાગ્યા સુધી પાણીની સપ્લાય નહીં થઈ શકે. મીરા-ભાઈંદરને સ્ટેમ પ્રાધિકરણ અને મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેલવપમેન્ટ કૉર્પોરેશન (MIDC) તરફથી પાણી પૂરું પાડવામાં આવતું હોય છે. MIDCની બારવી મેઇન પાઇપલાઇનનું મૉન્સૂન પહેલાં મેઇન્ટેનન્સ કરવાનું હોવાથી શુક્રવારે એમાંથી પાણીની સપ્લાય નહીં થઈ શકે, જ્યારે સ્ટેમ પ્રાધિકરણની લાઇન ચાલુ રહેશે પણ એમાં ફોર્સ ઓછો રહેશે. એથી મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશને લોકોને પાણીનો વપરાશ સાચવીને કરવા જણાવ્યું છે.