મલ્ટિપલ એજન્સીઓથી મુંબઈને કરવું છે મુક્ત: આદિત્ય ઠાકરે

04 March, 2021 08:41 AM IST  |  Mumbai | Agency

મલ્ટિપલ એજન્સીઓથી મુંબઈને કરવું છે મુક્ત: આદિત્ય ઠાકરે

આદિત્ય ઠાકરે

મહારાષ્ટ્રના પર્યટન અને પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરેએ બુધવારે જણાવ્યું હતું કે ‘દેશની આર્થિક રાજધાની મુંબઈ માટે એક જ ઑથોરિટીનું નિર્માણ કરવું એ રાજ્ય સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. એ બહેતર ઉત્તરદાયિત્વ પ્રસ્થાપિત કરવા માટે ઉપયોગી નીવડશે.’

મહાનગરપાલિકા, હાઉસિંગ માટે મ્હાડા અને એમએમઆરડીએ જેવા રાજ્ય સરકાર હેઠળના એકમો તથા કેન્દ્ર સરકાર હેઠળના ઍરપોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા અને પોર્ટ્સ જેવા એકમો સહિતની સોળ સંસ્થાઓ વર્તમાન સમયમાં મુંબઈમાં સંચાલન સંભાળે છે. આ વિશે વધુ સમજાવતાં તેમણે જણાવ્યું હતું કે એકહથ્થુ સત્તા શહેરની તમામ જરૂરિયાતો માટે એક જ એકમને જવાબદારી સોંપીને બહેતર ઉત્તરદાયિત્વ પ્રસ્થાપિત કરવામાં મદદરૂપ બનશે.

ઔદ્યોગિક એકમ સીઆઇઆઇ સાથેના સેશન દરમિયાન આદિત્ય ઠાકરેને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે વર્તમાન સમયમાં રાજ્ય સરકારની ટોચની પ્રાથમિકતા કઈ છે?

એના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ‘હવે અમે મુંબઈમાં એકહથ્થુ ઑથોરિટી પ્રસ્થાપિત કરવા વિચારી રહ્યા છીએ. એક પેરન્ટ એકમ જે મુંબઈનું સંચાલન કરશે.’

mumbai mumbai news aaditya thackeray maharashtra