મુંબઈ: વસઈ-વિરાર પાલિકા પ્રૉપર્ટી ટૅક્સમાં પાંચ ટકા રાહત આપશે

27 September, 2020 11:53 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: વસઈ-વિરાર પાલિકા પ્રૉપર્ટી ટૅક્સમાં પાંચ ટકા રાહત આપશે

પ્રતીકાત્મક તસવીર

વસઈ-વિરારમાં વધતી જતી લોકસંખ્યાને કારણે કચરાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. નાગરિકો દ્વારા સૂકા અને ભીના કચરાનું વર્ગીકરણ થતું ન હોવાથી મહાનગરપાલિકાને ડમ્પિંગ ગ્રાઉન્ડમાં કચરો જમા કરવાનું મુશ્કેલ બની જાય છે. સ્વચ્છ ભારત અભિયાનમાં આ કારણસર પાલિકાનો સ્વચ્છતાનો નંબર ખરાબ થઈ રહ્યો હોવાથી મહાનગરપાલિકાએ કચરાના વર્ગીકરણ પર ભાર આપવાનું શરૂ કર્યું છે. એ અનુસાર સૂકા-ભીના કચરાના વર્ગીકરણના નિયમનું લોકોએ સખતાઈથી પાલન કરવાનું રહેશે તેમ જ ભીના કચરામાંથી ખાતર બનાવનાર હાઉસિંગ સોસાયટીઓને પ્રૉપટી ટૅક્સમાં પાંચ ટકાની રાહત આપવાની જાહેરાત મહાનગરપાલિકાએ કરી છે.

મહાનગરપાલિકાના ગોખીવરેમાં આવેલા ડમ્પિંગ ગ્રાઉન્ડમાં દરરોજ અંદાજે ૭૫૦ મેટ્રિક ટન કચરો ઠલવાય છે. વસઈ-વિરારમાં મોટી હાઉસિંગ સોસાયટીમાં ભીના કચરામાંથી ખાતર નિર્માણ કરવું બંધનકારક અથવા એ માટે બાયો-ગૅસ પ્લાન્ટ ઊભો કરવાનું બંધનકારક કરવાનો નિર્ણય લીધો છે.

ઘન કચરા અધિનિયમ ૨૦૧૬ અંતર્ગત આ આદેશ લાગુ કરાયો છે. જે હાઉસિંગ સોસાયટી કે પ્રાઇવેટ પ્રૉપર્ટીમાં દરરોજ ૧૦૦ કિલો ભીનો કચરો એકઠો થાય છે એણે આમ કરવું ફરજિયાત છે. ઘન કચરા વ્યવસ્થાપન પ્રકલ્પ હાથ ધરનાર સોસાયટીઓને પ્રૉપર્ટી ટૅક્સમાંથી પાંચ ટકા છૂટ મળશે, પરંતુ નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાયદા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે, એમ પાલિકા દ્વારા બે દિવસ પહેલાં જારી કરાયેલા ફરમાનમાં જણાવાયું છે.

vasai virar brihanmumbai municipal corporation mumbai mumbai news