હિંગણઘાટ કૉલેજની ટીચરના હત્યારાને આકરી સજા ફટકારાશે : ઉદ્ધવ ઠાકરે

11 February, 2020 07:43 AM IST  |  Mumbai | Dharmendra Jore

હિંગણઘાટ કૉલેજની ટીચરના હત્યારાને આકરી સજા ફટકારાશે : ઉદ્ધવ ઠાકરે

આરોપી નિકેશ નાગરાળે

સાત દિવસ પહેલાં વર્ધા નજીક હિંગણઘાટમાં જીવતી સળગાવી દેવામાં આવેલી પચીસ વર્ષની યુવતીના મોતને પગલે ઉદ્ધવ ઠાકરેએ લોકોને ધીરજ ધરવાની વિનંતી કરી છે. તેમણે જણાવ્યું છે કે આ કેસને ફાસ્ટ-ટ્રૅક કરવામાં આવશે અને આરોપીને હત્યા બદલ આકરી સજા ફટકારવામાં આવશે.

યુવતીના પિતાએ આરોપી વિકેશ નાગરાલેને જીવતો સળગાવવામાં આવે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી. નાગરાલે હાલમાં જુડિશ્યલ કસ્ટડીમાં છે અને આઇપીસીની વિવિધ કલમો હેઠળ તેની વિરુદ્ધ ગુનો દાખલ થયો છે અને હવે એમાં હત્યાનો ઉમેરો થયો છે. હૈદરાબાદ જેવા તત્કાળ ન્યાયની માગણી કરતા લોકો સાથે રાજકારણીઓ પણ જોડાયા હતા. હૈદરાબાદમાં પોલીસ ટીમે ગયા મહિને ગૅન્ગરેપના ચાર આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા હતા.

ગઈ કાલે યુવતીના મરણ બાદ હિંગણઘાટના રહેવાસીઓએ હાઇવે બ્લૉક કર્યો હતો. (તસવીર પી.ટી.આઇ.)

હિંગણઘાટ મર્ડર કેસમાં પણ આ જ પ્રકારની માગણી ઊઠી છે. બીજેપીના ધારાસભ્ય નીતીશ રાણેએ જણાવ્યું હતું કે પોલીસે આરોપી સામે બુલેટ્સનો ઉપયોગ કરવો જોઈતો હતો. ઘણા રાજકારણીઓએ જણાવ્યું હતું કે આ ઘટનાએ હૈદરાબાદ શૂટઆઉટની સ્મૃતિ તાજી કરી દીધી છે, પરંતુ તેમણે કાનૂની પ્રક્રિયાને બદલે એન્કાઉન્ટર પરની લોકોની પસંદગી સામે પ્રશ્નાર્થ મૂક્યો હતો.

આ પણ વાંચો : 1993માં ઝવેરીબજારમાં RDX ભરેલું સ્કૂટર મૂકનાર હાલારી પકડાઈ ગયો

ઠાકરેએ જણાવ્યું હતું કે તેઓ આ ઉગ્ર પ્રત્યાઘાતોથી વાકેફ હતા. તેમણે જણાવ્યું હતું કે ‘કેસને ફાસ્ટ-ટ્રૅક કરવામાં આવશે અને આરોપીને કડક સજા ફટકારવામાં આવશે. આ કેસમાં જાણીતા ક્રિમિનલ લોયર ઉજ્જ્વલ નિકમ સરકારનું પ્રતિનિધિત્વ કરશે.’ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે ‘રાજ્ય સરકાર મહિલાઓ વિરુદ્ધના અપરાધમાં ઘટના બન્યાના ૨૧ દિવસની અંદર તપાસ અને ટ્રાયલ પૂરી કરવાની જોગવાઈ ધરાવતી આંધ્ર પ્રદેશ સરકારની સિસ્ટમને અનુસરવા વિશે વિચારણા હાથ ધરશે.’ વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે સરકારને ભવિષ્યમાં ધાક બેસાડે એવી કડક સજા ફટકારવામાં આવે, એ સુનિશ્ચિત કરવા માટે જણાવ્યું હતું.

mumbai mumbai news uddhav thackeray wardha nagpur Crime News mumbai crime news dharmendra jore