1993માં ઝવેરીબજારમાં RDX ભરેલું સ્કૂટર મૂકનાર હાલારી પકડાઈ ગયો

Published: Feb 11, 2020, 07:43 IST | Ahmedabad

મુંબઈ સહિત સમગ્ર ભારત અને વિશ્વને હચમચાવી મૂકનાર મુંબઈના બૉમ્બ-બ્લાસ્ટ કેસના વૉન્ટેડ આરોપી મોહમ્મદ અનવર ઉર્ફે મુનાફ હાલારીને ગોઝારી ઘટના બન્યાના ૨૭ વર્ષ બાદ ગુજરાત એટીએસે મુંબઈના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી ઝડપી લીધો હતો.

હાલારી
હાલારી

મુંબઈ સહિત સમગ્ર ભારત અને વિશ્વને હચમચાવી મૂકનાર મુંબઈના બૉમ્બ-બ્લાસ્ટ કેસના વૉન્ટેડ આરોપી મોહમ્મદ અનવર ઉર્ફે મુનાફ હાલારીને ગોઝારી ઘટના બન્યાના ૨૭ વર્ષ બાદ ગુજરાત એટીએસે મુંબઈના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી ઝડપી લીધો હતો. મળેલી બાતમીના આધારે રવિવારે રાતે ગુજરાત એટીએસના અધિકારી સહિતના જવાનોએ મુંબઈ ઍરપોર્ટ પર પહોંચીને કનેક્ટિવ ફ્લાઇટ બદલવા જતા મુનાફને પકડીને અમદાવાદ લઈ આવી હતી.

૧૯૯૩ની ૧૨ માર્ચે મુંબઈમાં થયેલા સિરિયલ બૉમ્બ-બ્લાસ્ટમાં મુંબઈની મનીષ માર્કેટ પાસે રહેતા મુનાફ હાલારીએ ૩ સ્કૂટર ખરીદીને એમાં આરડીએક્સ ભરીને ઝવેરીબજાર અને દાદરમાં મૂક્યાં હતાં જેમાંથી ઝવેરીબજારમાં મૂકેલા એક સ્કૂટરમાં બ્લાસ્ટ થયો હતો.

ગુજરાત કાંઠેથી વિસ્ફોટક ઘુસાડવાની હાલારીની યોજના હતી

દાઉદ ઇબ્રાહિમ ગૅન્ગનો સાગરીત અને ટાઇગર મેમણની મદદથી પાકિસ્તાની નાગરિક બની ગયેલો મુનાફ હાલારી ગુજરાતના દરિયાકિનારેથી એક્સપ્લોઝિવ ઘુસાડીને ગુજરાત અને ભારતમાં બ્લાસ્ટ કરવા માટેની પેરવીમાં હતો એ દરમ્યાન ૩૫ કિલો હેરોઇન સ્મગલિંગ કેસમાં ગુજરાત એટીએસના હાથે ૬ જાન્યુઆરીએ હાઈ સીમાંથી પકડાયેલા પાંચ પાકિસ્તાનીઓની પૂછપરછમાં મુંબઈ બ્લાસ્ટના વૉન્ટેડ આરોપી મુનાફ હાલારીનું નામ ખૂલ્યું હતું. આ કેસની પૂછપરછ દરમ્યાન મુનાફ નૈરોબીથી દુબઈ વાયા મુંબઈ થઈને જવાનો છે એવી બાતમી મળતાં ગુજરાત એટીએસ રવિવારે રાતે મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર પહોંચી ગઈ હતી અને મુનાફ હાલારી ઍરપોર્ટ પર દુબઈ જવા માટે બીજી કનેક્ટિવ ફ્લાઇટમાં બેસવા માટે નીચે ઊતર્યો ત્યારે એટીએસે તેને ઝડપી લીધો હતો.

ગુજરાત ઍન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડના એસીપી કે. કે. પટેલે આ માહિતી આપતાં કહ્યું હતું કે ‘મોહમ્મદ ઉર્ફે મુનાફ દુબઈ વાયા મુંબઈ થઈને જવાનો છે એવી બાતમીના જ આધારે ગુજરાત એટીએસ મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર પહોંચી ગઈ હતી અને દુબઈ જવા માટે કનેક્ટિવિટી ફ્લાઇટ માટે બહાર નીકળ્યો અને નીચે ઊતર્યો ત્યારે તેને પકડી લીધો હતો. તેમને અમદાવાદ લવાયો છે. મુંબઈમાં બૉમ્બ-બ્લાસ્ટ બાદ મુનાફ હાલારી ટાઇગર મેમણના માર્ગદર્શન હેઠળ બરેલી ભાગી ગયો હતો. ત્યાંથી તે બૅન્ગકૉક, દુબઈ, કેન્યા અને ત્યાંથી પાકિસ્તાન ગયો હતો. ટાઇગર મેમણના સપોર્ટથી તેણે પાકિસ્તાની સિટિઝનશિપ લઈ લીધું હતું. પાકિસ્તાન ઑથોરિટીએ મોહમ્મદ અનવર અબ્દુલ મજીદ નામનો પાસપોર્ટ ઇશ્યુ કર્યો હતો.’

કે. કે. પટેલે ‘મિડ ડે’ને કહ્યું હતું કે અમારી તપાસ પૂરી થયા બાદ મુનાફની જાણ મુંબઈ પોલીસ અને સીબીઆઇને કરીશું.

ચોખાની આડમાં ગુજરાતના દરિયાકિનારાથી એક્સપ્લોઝિવ પહોંચાડવાની પેરવીમાં હતો

બૉમ્બ-બ્લાસ્ટ કેસના વૉન્ટેડ આરોપી મુનાફ હાલારી ચોખાની આડમાં ગુજરાતના દરિયાકિનારેથી એક્સપ્લોઝિવ પહોંચાડવાની પેરવીમાં હોવાની વિગતો એટીએસની તપાસમાં બહાર આવી છે.

passport-01

મુંબઈ બૉમ્બ બ્લાસ્ટના આરોપી મુનાફ હાલારીને પાકિસ્તાની નાગરિકત્વ મળી ગયું હતું અને આ પાસપોર્ટ પણ ઇશ્યુ થયો હતો.

ગુજરાત એટીએસના એસીપી કે. કે. પટેલે કહ્યું કે ‘૬ઠ્ઠી જાન્યુઆરીએ હાઈ સીમાંથી ૩૫ કિલો હેરોઇન પકડાયું હતું એમાં ધરપકડ કરાયેલા પાકિસ્તાનીઓની પૂછપરછમાં મુનાફ હાલારીનું નામ ખૂલ્યું હતું. જે ડ્રગ્સ પકડાયું હતું એમાં કરાચીના હાજી હસન અને મુનાફ હાલારી વચ્ચે ટેલિફોનિક વાત થઈ હતી જેમાં મુનાફે કહ્યું હતું કે ડ્રગ્સ પહોંચાડવાની સાથોસાથે આરડીએક્સ પહોંચાડવાની વ્યવસ્થા કરી શકું છું. મુનાફ હાલારી દાઉદ ઇબ્રાહિમ ગૅન્ગનો જ સભ્ય છે. તે સતત ટાઇગર મેમણના સંપર્કમાં હતો. પાકિસ્તાન, કેન્યા, બૅન્ગકૉક, દુબઈ સહિતનાં સ્થળોએ આવતો-જતો રહેતો હતો. આરોપી ચોખાનો ઇમ્પોર્ટ–એક્સપોર્ટનો વેપાર કરતો હતો અને તેની આડ લઈને ગુજરાતના દરિયાકિનારેથી નાર્કોટિક્સની સાથોસાથ એક્સપ્લોઝિવ પહોંચાડવાની પેરવીમાં હતો.’

૨૦૧૪માં મુંબઈ પણ આવ્યો હતો

મુંબઈની મનીષ માર્કેટ પાસે રહેતો મુનાફ હાલારી બૉમ્બ-બ્લાસ્ટ બાદ ભાગી ગયો હતો. પોલીસના ચોપડે તે વૉન્ટેડ હતો છતાં તે પાકિસ્તાનના પાસપોર્ટ પર બે વખત ભારત આવ્યો હતો. છેલ્લે તે ૨૦૧૪માં અટારી બૉર્ડર પરથી ભારત આવ્યો હતો અને તેણે મુંબઈની વિઝિટ કરીને પાછો પાકિસ્તાન જતો રહ્યો હતો. બૉમ્બ-બ્લાસ્ટ જેવા ગંભીર કેસનો વૉન્ટેડ આરોપી મુંબઈમાં આવે અને જતો પણ રહે અને એની કોઈ એજન્સીને ખબર પણ ન પડી એ આશ્ચર્યજનક બાબત છે. જોકે તે પકડાઈ જતાં ગુજરાત એટીએસે પાકિસ્તાની પાસપોર્ટ કબજે કરી લીધો છે.

પોલીસ-સૂત્રોએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ટાઇગર મેમણ સાથે મુનાફ હાલારી મુંબઈની ગલીમાં ક્રિકેટ રમતો હતો. મુનાફ મૂળ અમરેલીનો છે અને હાલમાં તેની ફૅમિલી નૈરોબીમાં છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK