મહારાષ્ટ્રમાં એનઆરસીનો અમલ કોઈ કાળે નહીં કરાય : ઉદ્ધવ ઠાકરે

03 February, 2020 07:46 AM IST  |  Mumbai

મહારાષ્ટ્રમાં એનઆરસીનો અમલ કોઈ કાળે નહીં કરાય : ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (એનઆરસી) લાગુ નહીં કરવાની જાહેરાત કરી હતી. શિવસેનાના મુખપત્ર ‘સામના’ના ગઈ કાલના અંકમાં પ્રકાશિત ઇન્ટરવ્યુમાં ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘નાગરિકતા (સુધારિત) કાયદો નાગરિકતા આપવા માટે છે, છીનવવા માટે નહીં. એ કાયદા હેઠળ નાગરિકતા સાબિત કરવી હિન્દુઓ અને મુસલમાનો બધા માટે મુશ્કેલ બનશે.’

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ નાગરિકતા સંશોધનનું સમર્થન કર્યું છે. તેમનું કહેવું છે કે સીએએથી કોઈની પણ નાગરિકતા છીનવાશે નહીં, પરંતુ તેમણે એનઆરસીને લઈને મોદી સરકારને આંચકો આપ્યો છે. થોડા દિવસ પહેલાં જ એનઆરસીનું સમર્થન કરવાના સંકેત બાદ અચાનક જ ઉદ્ધવ ઠાકરેએ પોતાનું વલણ બદલ્યું છે.

નાગરિકતા કાયદા માટેનો ખરડો લોકસભામાં રજૂ કરાયો ત્યારે એને શિવસેનાએ સમર્થન આપ્યું હતું, પરંતુ એ ખરડો રાજ્યસભામાં રજૂ કરાયો ત્યારે શિવસેનાના સભ્યોએ સભાત્યાગ કર્યો હતો. દિલ્હીના શાહીનબાગ, જામિયા મિલિયા અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી તથા મુંબઈના નાગપાડા વિસ્તારના મુંબઈ બાગ જેવા અનેક વિસ્તારોમાં નાગરિકતા કાયદા વિરુદ્ધ ઉગ્ર દેખાવો ચાલે છે, એવા વખતમાં ઉદ્ધવ ઠાકરેએ ઉપરોક્ત જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ બંગલાદેશી અને પાકિસ્તાની ઘૂસણખોરોને બહાર કાઢવાની બાબતે મોદી સરકારને સમર્થન આપ્યાના બે દિવસ પછી શિવસેનાએ પણ એ ઘૂસણખોરોને ભગાડવાની જરૂરિયાત દર્શાવી હતી.

mumbai mumbai news uddhav thackeray nrc caa 2019 maharashtra