બેસ્ટનો પ્રવાસ મોંઘો થવાની શક્યતા, ૨૨૫૦ કરોડનું બેસ્ટનું બજેટ મંજૂર

25 November, 2019 12:27 PM IST  |  Mumbai

બેસ્ટનો પ્રવાસ મોંઘો થવાની શક્યતા, ૨૨૫૦ કરોડનું બેસ્ટનું બજેટ મંજૂર

BESTના ભાડામાં થશે વધારો

બીઈએસટી (બેસ્ટ) બસના કાફલામાં ભાડાતત્ત્વ પરનાં વાહનોનો સમાવેશ અવિરત ચાલી રહ્યો છે અને પ્રવાસીઓની સંખ્યામાં પણ ખાસ્સો વધારો થયો છે, પણ બેસ્ટની આવકમાં ઘટાડો થયો છે. આવતા સમયમાં પ્રવાસીઓના પ્રતિસાદને ધ્યાનમાં રાખીને ટિકિટનો ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવશે એવો સંકેત બેસ્ટ ઉપક્રમે શુક્રવારે બેસ્ટ સમિતિની બેઠકમાં આપ્યો હોય એવું જાણવા મળ્યું છે. દરમ્યાન ૨૦૨૦-’૨૧ના ૨૨૪૯.૭૪ કરોડ રૂપિયાના અંદાજિત નુકસાનનું બજેટ શુક્રવારે રાતે સાડાઅગિયાર વાગ્યે મંજૂર કરવામાં આવ્યું હતું. બેસ્ટ સમિતિની મંજૂરી બાદ પાલિકાની સ્થાયી સમિતિ અને સભાગૃહમાં મંજૂરી માટે આવશે.
લોકસભાની ચૂંટણી પહેલાં બેસ્ટ બસની ટિકિટના ભાડામાં ઘટાડો કરીને હાલમાં બસની ટિકિટના ભાવ ૧૦ કિલોમીટર માટે પાંચ રૂપિયા, ઍર-કન્ડિશન્ડ (એસી) બસની ટિકિટના ભાવ ૬ રૂપિયા કરવામાં આવ્યા હતા. બેસ્ટની બસમાં ટિકિટના ભાવમાં ઘટાડો લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હોવાનો આરોપ વિરોધ પક્ષોએ કર્યો હતો.
બેસ્ટના કાફલામાં હાલમાં ૩૩૩૭ બસ છે, જ્યારે ભાડાતત્ત્વ પરની એસી અને ઇલેક્ટ્રિક બસો પણ બેસ્ટના કાફલામાં જ ગણાય છે. ડિસેમ્બર સુધી ભાડાતત્ત્વ પર ૧૦૦૦ એસી બસનો સમાવેશ થવાનો છે. ભવિષ્યમાં એસી બસના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. એસી બસનું ભાડું ઘણું ઓછું હોવાથી એનું ભાડું ૧૦ રૂપિયા કરવું એવી માગણી બેસ્ટ સમિતિના સભ્ય શ્રીકાંત કવઠણકરે કરી હતી.

brihanmumbai electricity supply and transport mumbai