12 August, 2025 12:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઈ-ચલાન
લગભગ પાંચ વર્ષથી મુંબઈગરાઓએ ઈ-ચલાનના કુલ ૧૦૦૦ કરોડ રૂપિયા ભર્યા નથી. ટ્રાફિક ઑથોરિટી માટે હવે બાકી નીકળતી આ રકમ વસૂલવી પડકારજનક છે.
કલ્યાણના એક ઍક્ટિવિસ્ટ ઉન્નીકૃષ્ણન એન.એ રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટ હેઠળ કરેલી અરજીના જવાબમાં જણાયું હતું કે ૨૦૨૦ના જાન્યુઆરીથી ૨૦૨૫ના જુલાઈ મહિના સુધી કુલ ૧૮૧૭ કરોડ રૂપિયાના દંડ સામે ૮૧૭ કરોડ રૂપિયા જ વસૂલાયા છે. આ સમયગાળામાં કુલ ૩.૨ કરોડ ઈ- ચલાન ઇશ્યુ કરવામાં આવ્યાં હતાં. એપ્રિલ ૨૦૨૫થી અત્યાર સુધીમાં ડ્રિન્ક ઍન્ડ ડ્રાઇવના ગુના હેઠળ ૭૯૫ ડ્રાઇવિંગ લાઇસન્સ જપ્ત કરવામાં આવ્યાં હોવાનો પણ ખુલાસો થયો હતો.
એમ તો નિયમનું ઉલ્લંઘન કરનારની ઓળખ ઑનલાઇન મૂકવામાં આવે છે તેમ જ જપ્ત કરેલાં લાઇસન્સ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટને મોકલવામાં આવે છે, પરંતુ બાકી રહેલાં ઈ-ચલાનની વસૂલી માટે મોટા ડિફૉલ્ટરના ઘરે જઈને દંડ વસૂલવામાં આવતો હોવાનું એક ટ્રાફિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું, છતાં દંડવસૂલી માટે ટ્રાન્સપોર્ટ વિભાગે કડક પગલાં લેવાની જરૂર હોવાનું તેમણે કહ્યું હતું.