ફક્ત અમારા પર જ નિયંત્રણો શું કામ?

14 March, 2021 10:45 AM IST  |  Mumbai | Rohit Parikh

ફક્ત અમારા પર જ નિયંત્રણો શું કામ?

ડોમ્બિવલીના સ્ટેશન રોડ પર પી-વન, પી-ટૂનો ગઈ કાલથી અમલ શરૂ થઈ ગયો હતો.

કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાના ક્ષેત્રમાં દુકાનદારો પર સમયની પાબંદી અને ઑલ્ટરનેટ ડેએ દુકાનો ખોલવાના પ્રથમ દિવસે જ ગઈ કાલે મહાનગરપાલિકા ઍક્શનમાં આવી જતાં દુકાનદારોમાં રોષ ફેલાયો હતો.

ડોમ્બિવલી વ્યાપારી મહામંડળના અધ્યક્ષના નેતૃત્વ હેઠળ દુકાનદારો પી-વન, પી-ટૂ અને પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા દુકાનોના સમયનો વિરોધ કરવા ડોમ્બિવલીના ‘જી’ વૉર્ડ પર ન્યાય મેળવવા માટે જમા થઈ ગયા હતા. જોકે પ્રશાસન દુકાનદારો અને વેપારીઓની માગણી પર આવતી કાલે કેડીએમસીના કમિશનર સાથેની મીટિંગ બાદ નિર્ણય લેશે.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાના ક્ષેત્રમાં કોરોનાવાઇરસના કેસમાં ઉછાળો આવતાં શુક્રવારથી આ બન્ને ઉપનગરોમાં રાત્રિ-કરફ્યુ જાહેર કરવામાં આવ્યો હતો અને દુકાનદારો પર દુકાનો ખોલવા માટે સમયની પાબંદી લગાડી દેવામાં આવી હતી. સરકારના આદેશ પ્રમાણે આ બન્ને ઉપનગરોમાં પી-વન, પી-ટૂના અમલ સાથે દુકાનો સવારના સાતથી સાંજના સાત સુધી ખુલ્લી રાખવાની રહેશે.

‘જી’ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર સમક્ષ નવા આદેશને હટાવવાની માગણી કરી રહેલા ડોમ્બિવલીના દુકાનદારો.  

આ આદેશનો વિરોધ કરવા શુક્રવારે કલ્યાણ અને ડોમ્બિવલીનાં વિવિધ વેપારી સંગઠનો કેડીએમસીના કમિશનર ડૉ. વિજય સૂર્યવંશીને મળવા ગયા હતા, પણ કમિશનર રજા પર હોવાથી વેપારીઓ ઍડિશનલ કમિશનર સુનીલ પવારને મળ્યા હતા. ત્યાં તેમણે શાસનના તઘલખી નિર્ણયો સામે વિરોધ વ્યક્ત કરતાં કહ્યું હતું કે વેપારીઓ પી-વન, પી-ટૂની ફૉર્મ્યુલા સાથે સવારના સાતથી સાંજના સાત સુધી દુકાનો ખુલ્લી રાખવાના પ્રશાસનના આદેશનો સખત વિરોધ કરે છે. બીજું, આ આદેશ હોટેલો અને બાર માટે કેમ નથી એવો સવાલ પણ તેમણે કર્યો હતો.

ગઈ કાલે ડોમ્બિવલીના સ્ટેશન રોડના દુકાનદારો પણ આ મુદ્દા સાથે જ મહાનગરપાલિકાની ‘જી’ વૉર્ડની ઑફિસ પર જમા થઈ ગયા હતા. આ બાબતની જાણકારી આપતાં ડોમ્બિવલી વ્યાપારી મહામંડળના અધ્યક્ષ દિનેશ ગોરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે કમિશનર જ્યાં સુધી આખરી નિર્ણય લે નહીં ત્યાં સુધી અમને મહાનગરપાલ‌િકાના અધિકારીઓએ ગઈ કાલે અને રવિવારે પ્રશાસનના બુધવારના આદેશ પ્રમાણે પી-વન, પી-ટૂની ફૉર્મ્યુલા સાથે સવારના સાતથી સાંજના સાત સુધી દુકાનો ખુલ્લી રાખવા કહ્યું હતું. જોકે ગઈ કાલે દુકાનો ખોલતાં જ ડોમ્બિવલીના સ્ટેશન રોડના દુકાનદારો વચ્ચે થોડી ચકમક ઝરી હતી અને તેમનામાં વિવાદ સર્જાયો હતો. અમારો પહેલા દિવસથી જ પી-વન, પી-ટૂની ફૉર્મ્યુલા સાથે સવારના સાતથી સાંજના સાત સુધી દુકાનો ખુલ્લી રાખવા સામે વિરોધ છે. અમે સવારે દસથી રાતના નવ સુધી અને બીજા કોઈ પણ નિયંત્રણ વગર દુકાનો ખુલ્લી રાખવાની માગણી કરી છે. આમ છતાં મહાનગરપાલિકા મનસ્વી નિર્ણય લઈને વેપારીઓને ટાર્ગેટ બનાવી રહી છે. આથી જ ગઈ કાલે સ્ટેશન રોડના દુકાનદારો પ્રશાસનના નિર્ણયનો વિરોધ કરવા ‘જી’ વૉર્ડની ઑફિસ પર ન્યાય મેળવવા જમા થયા હતા.’

મુખ્ય પ્રધાન સતત કહે છે કે અમને લોકડાઉન કરવામાં રસ નથી, તો પછી અમારી મહાનગરપાલિકા કેમ અમારા પર લૉકડાઉન ઠોકી બેસાડવા ઇચ્છે છે એ જ સમજાતું નથી એમ જણાવતાં દુકાનદારોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલા લોકડાઉનમાં પી-વન, પી-ટૂને કારણે ઊલટાનો કોરોના વકર્યો હતો, કારણ કે અમુક સમય અને અમુક દિવસો માટે દુકાનો ખુલ્લી રહેવાથી જનમેદની વધી જાય છે. બીજું, અમારે ત્યાંની મચ્છી અને મટન માર્કેટ માટે આવા કોઈ નિયમો જાહેર કરવામાં આવ્યા નથી, ફેરિયાઓ પર કોઈ નિયંત્રણ નથી તો અમારા પર જ શું કામ? અમારી મહાનગરપાલિકા કચ્છી, ગુજરાતી અને રાજસ્થાની દુકાનદારોને આડકતરી રીતે આવા આદેશોથી ટાર્ગેટ બનાવી રહી છે.’

અમે પ્રશાસનની આ નીતિનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ એમ જણાવતાં દિનેશ ગોરે કહ્યું હતું કે ‘આ બાબત અમે ગઈ કાલે ‘જી’ વૉર્ડ પર જમા થઈને ત્યાંના અસિસ્ટન્ટ કમિશનર સંદીપ રોકડે અને ‘એફ’ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર ‌રાજેશ સાવંતને સમજાવ્યા હતા. આ સમયે રામનગરના પોલીસ-અધિકારીઓ પણ ત્યાં હાજર હતા. અમારી એક જ માગણી છે કે જે આદેશ આપો એ કોઈ પણ જાતના ભેદભાવ વગર અને સમજણપૂર્વક આપો. બીજું, જ્યાં સુધી કમિશનર આ આદેશ પર ફેરવિચારણા કરીને અન્ય આદેશ જાહેર ન કરે ત્યાં સુધી દુકાનદારો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી ન કરો.’

અસિસ્ટન્ટ કમિશનરનું શું કહેવું છે?

‘જી’ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર સંદીપ રોકડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પાસે ડોમ્બિવલીના દુકાનદારો તેમની માગણીને લઈને આવ્યા હતા. અમે તેમની સમસ્યાઓની નોંધ લીધી છે. જોકે આ બાબતનો આખરી નિર્ણય ફક્ત કમિશનર જ લઈ શકે. તેમની સાથે અમારી સોમવારે મીટિંગ છે.’

coronavirus covid19 dombivli mumbai mumbai news maharashtra