મુંબઈ: અંધેરીના યારી રોડ પર સિલિન્ડર બ્લાસ્ટને લીધે લાગી ભીષણ આગ

06 May, 2019 08:19 AM IST  |  મુંબઈ | (મિડ-ડે પ્રતિનિધિ)

મુંબઈ: અંધેરીના યારી રોડ પર સિલિન્ડર બ્લાસ્ટને લીધે લાગી ભીષણ આગ

ભીષણ આગ

અંધેરીના યારી રોડમાં આવેલા આઠ માળના કવિતા બિલ્ડિંગના ચોથા માળે સિલિન્ડર-બ્લાસ્ટ થતાં બે જણને ગંભીર ઈજા થઈ હતી, જ્યારે અનેક જણને મામૂલી ઈજા થઈ હતી. ધડાકો એટલો ભયાનક હતો કે જે ફ્લૅટમાં બ્લાસ્ટ થયો હતો એ અને એની બાજુનો ફ્લૅટ કાટમાળમાં ફેરવાઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં સિલિન્ડર-બ્લાસ્ટ થવાથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આગમાં કેટલું નુકસાન થયું છે એની તપાસ ચાલી રહી છે.

કવિતા બિલ્ડિંગના ચોથે માળે સવારે ૧૧.૨૫ વાગ્યે ધડાકો થવાની સાથે આગની જ્વાળાઓ ઊઠી હતી. ફાયરબ્રિગેડ અને પોલીસની ટુકડી રાહત-કામગીરી કરવા તાબડતોબ પહોંચી જતાં રહેવાસીઓને સુખરૂપ બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આગમાં ૩૫ વર્ષના દીપ હિમાંશુ દેસાઈને હાથમાં ગંભીર ઈજા થઈ હતી તથા ૬૦ વર્ષનાં નીલિમા રાવન પણ ઘાયલ થયાં હતાં. આ બ્લાસ્ટમાં અમનદીપ ઇન્દ્રપાલ સિંહને મામૂલી ઈજા થઈ હતી જેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી.

કવિતા બિલ્ડિંગમાં ચોથે માળે લાગેલી આગમાં ઘાયલ થયેલા અમનદીપ સિંહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રવિવારની રજા હોવાથી અમે બધા આરામ કરી રહ્યા હતા. અમે ત્રણ ભાઈઓ ૪૦૩ નંબરના ફ્લૅટમાં રહીએ છીએ અને હું એક બેડરૂમમાં સૂતો હતો. અચાનક બ્લાસ્ટનો અવાજ આવ્યો અને મારી ઊંઘ ઊડી ગઈ હતી. હું હજી કંઈ વિચારું એ પહેલાં જ મારા શરીર પર અનેક પથ્થર અને માટી પડેલી મેં જોઈ હતી. ઊંઘમાંથી હજી ઊઠ્યો જ હોવાથી કંઈ વિચારી નહોતો શકતો અને આસપાસ જોયું તો આગની જ્વાળાઓ અને મારી રૂમની દીવાલ કડડડભૂસ થયેલી હતી. મારો આખો ફ્લૅટ કાટમાળમાં ફેરવાઈ ગયો હતો. જોકે સાવચેતીના પગલારૂપે અમારા ફ્લોર પરના તમામ રહેવાસીઓએ પોતપોતાનાં સિલિન્ડર નીચે સેફ જગ્યાએ હટાવી લીધાં હતાં. જોકે રેસ્ક્યુ ટીમે સમયસર આવીને અમારા બધાના જીવ ઉગારી લીધા હતા. મને બહારના ભાગમાં ઘણી ઈજા થઈ હતી. શરીરના અંદરના ભાગમાં કેટલી ઈજા થઈ છે એ માટે હું ચેકિંગ કરાવવા જવાનો છું.’

આ પણ વાંચો : મુંબઈ રેલવેલાઇન નજીક ઉગાડવામાં આવતાં શાકભાજીથી કૅન્સર થઈ શકે

કવિતા બિલ્ડિંગના ચોથે માળે ૪૦૪ નંબરના ફ્લૅટમાં થયેલા સિલિન્ડર-બ્લાસ્ટને કારણે આગ લાગી હોવાનું ફાયર કન્ટ્રોલે જણાવ્યું હતું. આ સંદર્ભે વધુ જાણકારી આપતાં વર્સોવાના પોલીસ-ઇન્સ્પેક્ટર શિરસાટે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પ્રાથમિક તપાસ કરતાં જણાયું હતું કે આગ સિલિન્ડર-બ્લાસ્ટને કારણે લાગી હતી. ૪૦૪ નંબરના ફ્લૅટમાં ધડાકો થયો હતો. ધડાકા સાથે લાગેલી આગ આસપાસના ફ્લૅટમાં તેમ જ પાંચમા માળના ૫૦૫ અને ૫૦૬ નંબરના ફ્લૅટમાં પણ પ્રસરી હતી. બ્લાસ્ટને કારણે ચોથા માળના બે ફ્લૅટ સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવાઈ ગયા હતા. આ ઘટનામાં બે જણને ગંભીર રીતે ઈજા થઈ હતી, જ્યારે એક જણને મામૂલી ઈજા થઈ હતી. ફાયરબ્રિગેડ અને અમારી ટીમે સમયસર પહોંચીને ફસાયેલાઓને સુખરૂપ બહાર કાઢ્યા હતા.’

andheri mumbai mumbai news