સ્પર્મ વ્હેલ માછલીમાંથી નીકળેલો એમ્બગ્રીસ પદાર્થ કરોડોમાં વેચવા નીકળેલા ત્રણ જણની ધરપકડ

18 June, 2021 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પરફ્યુમ્સ, મોંઘા દારૂ સાથે અનેક કેમિકલ બનાવવામાં ઉપયોગી થતા એમ્બગ્રીસ પર્દાથના કાળાબજાર કરવા બદલ મુલુંડ (વેસ્ટ)માંથી બે ગુજરાતી સહિત ત્રણ લોકોની મુંબઈના ક્રાઇમ બ્રાન્ચ યુનિટ ચારે ધરપકડ કરી છે.

મુંબઈ પોલીસના ક્રાઇમ બ્રાન્ચ યુનિટ ચાર સાથે ધરપકડ કરાયેલા આરોપીઓ.

પરફ્યુમ્સ, મોંઘા દારૂ સાથે અનેક કેમિકલ બનાવવામાં ઉપયોગી થતા એમ્બગ્રીસ પર્દાથના કાળાબજાર કરવા બદલ મુલુંડ (વેસ્ટ)માંથી બે ગુજરાતી સહિત ત્રણ લોકોની મુંબઈના ક્રાઇમ બ્રાન્ચ યુનિટ ચારે ધરપકડ કરી છે. પોલીસે હસ્તગત કરેલા માત્ર પોણાત્રણ કિલો એમ્બગ્રીસની માર્કેટ-કિંમત ત્રણ કરોડ રૂપિયા માનવામાં આવી રહી છે. ધરપકડ કરેલા આરોપીઓ ગુજરાતના સોમનાથ વિસ્તારમાંથી એમ્બગ્રીસ લઈ આવ્યા હોવાનું એક પોલીસ અધિકારીએ કહ્યું હતું. એમ્બગ્રીસ પદાર્થ રાખવો ગેરકાયદે હોવાથી પોલીસે આ લોકોની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર મુંબઈ પોલીસના ક્રાઇમ બ્રાન્ચ યુનિટ ચારને માહિતી મળી હતી કે મુલુંડ (વેસ્ટ)ના એલબીએસ રોડના એક સ્મલ વિસ્તારમાં કરોડો રૂપિયાની કિંમતનું એમ્બગ્રીસ બ્લૅકમાં વેચાઈ રહ્યું છે. મંગળવારે સાંજે પોલીસે કાળાબજાર કરી રહેલા યુવકોની માહિતી મેળવી એમ્બગ્રીસ લેવા માટે વાઇલ્ડ લાઇફના જાણકાર બોગસ યુવકને મોકલ્યો હતો. આ યુવકે ખાતરી કરી કે એ ઓરિજિનલ એમ્બગ્રીસ છે. એ પછી પોલીસે છાપો મારીને પોણાત્રણ કિલો એમ્બગ્રીસ જપ્ત કર્યું હતું જેની માર્કેટમાં ત્રણ કરોડ રૂપિયા કિંમત ગણાય છે. 

પોલીસે રમેશ વાઘેલા, અરવિંદ શાહ અને ધનાજી ઠાકુરની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી રમેશ વાઘેલા કડિયાકામ કરે છે અને તે ક્યારેક મુંબઈ તો ક્યારેક રાજકોટ ખાતે રહે છે. બીજો આરોપી અરવિંદ શાહ મુલુંડમાં રિયલ એસ્ટેટનો વેપાર કરે છે, જ્યારે ધનાજી ઠાકુર માછીમાર છે. અમને શંકા છે કે આ એમ્બગ્રીસ આરોપી રમેશ વાઘેલા સૌરાષ્ટ્રમાં આવેલા સોમનાથના દરિયાકિનારેથી લઈ આવ્યો છે. અહીં લાવ્યા બાદ કોઈને શંકા ન જાય એટલે તેણે લાવેલો પોણાત્રણ કિલો એમ્બગ્રીસનો માલ સ્મલમાં રહેતા તેના મિત્ર ધનાજી ઠાકુરના ઘરે રાખ્યો હતો. અરવિંદ શાહ એમ્બગ્રીસ વેચવા માટે ગ્રાહક શોધવામાં મદદ કરી રહ્યો હતો.’

ક્રાઇમ બ્રાન્ચ યુનિટ ચારના સિનિયર ઇન્સ્પેક્ટર ઇન્દ્રજિત મોરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓની તપાસ ચાલુ છે. તેમને કોર્ટમાં હાજર કરતાં ૨૧ જૂન સુધીની પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે. આ કેસમાં વધુ આરોપીઓની ધરપકડ થવાની શક્યતા છે.’

એમ્બગ્રીસ શું છે?
સ્પર્મ વ્હેલ પ્રજાતિની માછલી જે પણ હાર્ડ અને શાર્પ વસ્તુ ગળી ગઈ હોય છે એને પચાવવા માટે એના શરીરમાં એમ્બગ્રીસ નામનો એક પદાર્થ પેદા થાય છે જે વૉમિટ દ્વારા અથવા તો છી-છી મારફત તે બહાર કાઢતી હોય છે. આ પદાર્થ જ્યારે બહાર આવે છે ત્યારે એ અતિશય દુર્ગંધભર્યો હોય છે, પણ સમય જતાં એની દુર્ગંધ ઓછી થઈ જાય છે. એમ્બગ્રીસ વર્ષો સુધી પાણી પર તરતું રહે છે. 

mumbai mumbai news Crime News mumbai crime news mumbai crime branch mulund