કલ્યાણ-ડોમ્બિવલીમાં 25,000 કોવિડ પેશન્ટ્સની સારવાર કરનારાઓનું સન્માન

15 November, 2020 10:08 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

કલ્યાણ-ડોમ્બિવલીમાં 25,000 કોવિડ પેશન્ટ્સની સારવાર કરનારાઓનું સન્માન

કેડીએમસીમાં કોવિડ કૅર સેન્ટરના કોરોના યોદ્વાઓ સાથે દિવાળી ઊજવીને તેમને સન્માનિત કરાયા.

કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા ક્ષેત્રમાં કોરોના કેસની સંખ્યામાં ઝડપથી વધારો થતાં પ્રશાસન પણ ચિંતામાં મુકાઈ ગયું હતું. આ મહામારીને કાબૂમાં લાવવા માટે પ્રશાસને ૧ એપ્રિલથી તાતા આમંત્રા કોવિડ સેન્ટર શરૂ કર્યું હતું. અત્યાર સુધી આ કેન્દ્રમાં ૨૫,૦૦૦ કોરોના પેશન્ટ્સની સારવાર કરવામાં આવી છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને ડૉક્ટરોની અછતને કારણે પાલિકા દ્વારા કરાર ધોરણે આરોગ્ય કર્મચારીઓને નિયુક્ત કર્યા હતા નિયુક્ત થયા બાદ તેમણે ઉત્તમ પદ્વતિથી કામ કરીને ૨૫,૦૦૦ કોરોના પેશન્ટ્સને સાજા કર્યા હતા. તેમની સેવા બદલ કેડીએમસીના કમિશનરે તેમનો ઉત્સાહ વધારવાની સાથે કર્મચારીઓ સાથે દિવાળી ઊજવીને તેમનું સન્માન કર્યું હતું. કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાના કમિશનર ડૉ. વિજય સૂર્યવંશીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હતું ત્યારે જેમને લક્ષણો ન હોય એવા લોકોને રાખવા માટેનો મોટો પ્રશ્ન હતો. એ વખતે તાતા આમંત્રાને કોવિડ સેન્ટર તરીકે સિલેક્ટ કર્યું હતું. આ કોવિડ સેન્ટરમાં મોટી સંખ્યામાં પેશન્ટ્સ હતા અને શરૂઆતમાં ખૂબ જ ઓછો સ્ટાફ હોવાથી વધુ સ્ટાફ પણ રિક્રૂટ કરાયો હતો. ડૉક્ટર, નર્સ મહાનગરપાલિકાના છે અને અમુક સ્ટાફ કૉન્ટ્રૅક્ટ પર રખાયો છે. આ સેન્ટરમાં છેલ્લા છ મહિનાથી સારું કામ થયું છે. જમવાથી લઈને મેડિસિન, સારવાર બધા પર ખૂબ વ્યવસ્થિત ધ્યાન આપ્યું છે. પેશન્ટ્સ દ્વારા પણ પૉઝિટિવ ફીડબૅક અપાયો છે. એથી સેન્ટરના સિકયૉટિટી ગાર્ડથી લઈને વૉર્ડબૉય, સફાઈ-કર્મચારીઓ, ડૉક્ટર બધા વિશે જેટલું બોલીએ એટલું ઓછું છે. તેમની આ સેવા બદલ તેમની સાથે દિવાળી ઊજવીને તેમનું સન્માન કરવાની એક તક મળી છે.’

પહેલો કેસ વિદેશી નાગરિકનો નોંધાયેલો

કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકા ક્ષેત્રમાં પહેલો કોરોના પેશન્ટ ૨૫ માર્ચે કલ્યાણ-ઈસ્ટમાં મળ્યો હતો. આ પેશન્ટ વિદેશથી આવ્યો હતો અને તેણે ડોમ્બિવલીમાં એક સંબંધીના લગ્નમાં હાજરી આપી હતી. એ બાદ કોરોના ઝડપથી ડોમ્બિવલીના ઈસ્ટ ભાગમાં ફેલાવા લાગ્યો હતો. અત્યાર સુધી ૫૧,૫૫૧ નાગરિકો કોરોના સંક્રમિત થયા હતા, જેમાંથી ૪૯,૩૧૮ પેશન્ટ્સ સાજા થયા અને ૧૦૨૬ પેશન્ટ્સે જીવ ગુમાવ્યા છે.

thane kalyan dombivli coronavirus covid19 preeti khuman-thakur